સિધ્ધપુર શહેરમાં હાઇવે નજીક દેથળી રોડ ઉપરની એક સોસાયટીમાં રહેતી 19 વર્ષની એક યુવતી તેનાં પ્રેમી સાથે ભાગી ગયા બાદ તેને તેનાં પરિવારજનો દ્વારા અમદાવાદની નરોડા ખાતેની એક હોટલમાંથી પકડીને સરદારનગર પોલીસ સ્ટેશન ખાતે લાવી હતી. તેમને સિધ્ધપુર પોલીસ સ્ટેશન ખાતે લાવીને યુવતીનું નિવેદન લેવામાં આવ્યું હતું. તે આધારે યુવતીને ભગાડી જનાર યુવકે તેની પાસેથી રૂપિયા પડાવી અને વારંવાર દુષ્કર્મ-બળાત્કાર કર્યો હતો. જેથી પોલીસે બળાત્કાર અને અપહરણનાં ગુના નોંધ્યા હતાં.
આ સમગ્ર ઘટનાની વિગતો યુવતીએ નોંધાવેલી ફરીયાદ પ્રમાણે તા. 26-2-23 થી તા. 1-3-2023 દરમ્યાન બનેલી આ ઘટનાની વિગતો એવી છે કે, સિધ્ધપુરનાં દેથળી રોડ ઉપર આવેલી એક સોસાયટીમાં રહેતી 19 વર્ષની યુવતીની સોસાયટી સામે આવેલી એક સોસાયટી સામે રહેતા યુવક સાથે તેને પરિચય થતાં તેઓ અવારનવાર રસ્તામાં મળતાં હોવાથી તેઓનો સંબંધ પ્રેમસંબંધમાં પરિણમ્યો હતો.
યુવક યુવતીને વારંવાર શારિરીક સંબંધો માટે કહેતો પણ યુવતી લગ્ન પહેલા તે માટે તૈયાર થતી નહોતી. તા. 26-2-23નાં રોજ સિધ્ધપુરમાં એક પ્રોગ્રામ જોવા માટે જઇ રહેલી યુવતીને રસ્તામાં મળેલા યુવકે ‘ચાલ આપણે ભાગીને લગ્ન કરી લઇએ ને તારી પાસે જે પૈસા હોય તે લઇ લે જે, મારી પાસે પૈસા નથી’ તેમ કહેતાં યુવતી તેનાં ઘરમાંથી રૂ.60,000 ની રકમ લઇને રાત્રે યુવક સાથે સિધ્ધપુર ચોકડી ખાતેથી ઇક્કોમાં મહેસાણા અને ત્યાંથી 27મીએ અમદાવાદ સવારે પહોંચતાં યુવકે યુવતીને કહેલું કે, ‘આપણે હોટલમાં રોકાઇ જઇએ ને સવારે કોઇ મંદિરમાં જઇને લગ્ન કરી લઈશું’ તેમ કહીને યુવક યુવતીને અમદાવાદ નરોડા હાઇવે પરની એક હોટલમાં લઇ જઇને એક રૂમ ભાડે રાખીને રહ્યા હતા.
જ્યાં યુવકે યુવતી પાસે સંબંધો રાખવા કહેતાં યુવતીએ લગ્નપૂર્વે એવું કરવા ના પાડતાં યુવકે તેનાં ભાઇને મારી નાંખવાની ધમકી આપતાં તે ડરી જતાં તા. 27 અને 28 મી સુધી યુવતીને હોટલની રૂમમાં રાખીને તેની સાથે ત્રણથી ચાર વખત શારિરીક સંબંધ માણ્યો હતો એને યુવતી પાસેનાં રૂ. 60,000 પણ ખર્ચી નાંખ્યા હતા. આમ છતાં યુવકે યુવતી સાથે લગ્ન કર્યા નહોતાં.
આ દરમ્યાન તા.1-3-23 નાં રોજ યુવતીનાં માતા-પિતા અને સગા- સંબંધીઓ તેમને શોધતા શોધતા તેમની હોટલે આવીને બંનેને અમદાવાદનાં સરદારનગર પોલીસ સ્ટેશને લઇ જવાયા હતા. જ્યાં તેમનો જવાબ લઇને સિધ્ધપુર ખાતે લાવીને તેનો અહીં પણ જવાબ લેવાયા બાદ યુવતીએ તેના મા-બાપ સાથે જવાનું કહેતાં તેને તેમની સાથે મોકલી હતી. આ પછી યુવતીએ આરોપી સામે ફરીયાદ નોંધાવતાં પોલીસે આઇપીસી 326/376(2)(એ) મુજબ ગુનો નોંધ્યો હતો.