Ahmedabad : અમદાવાદમાં હત્યાની ઘટનાને અંજામ આપ્યો હોવાનો બનાવ સામે આવતા ચકચાર મચી જવા પામી છે. દુષ્કર્મનો ભોગ બનેલી યુવતીનું અપહરણ કરી હત્યા કરી દેવાતા આખા ગુજરાતમાં ચકચાર મચી જવા પામી હતી. આ મામલે પોલીસે સુરજ સોલંકી, એક મહિલા સહિત કુલ 8 લોકોની ધરપકડ કરી છે.
સમગ્ર ઘટના વિગત આપતા DCP બી.યુ જાડેજાએ વિગતવાર જણાવ્યું કે, હાલમાં સમગ્ર રાજ્યમાં ગુમ થયેલ મહિલાઓને શોધી કાઢવા બાબતની ડ્રાઈવ ચાલી રહી છે. આ ઝૂંબેશના ભાગરૂપે પાલડી વિસ્તાર પોલીસ સ્ટેશનમાં છેલ્લા કેટલાક સમયથી અમદાવાદ ખાતે રહેતી અને મૂળ જૂનાગઢની ધારા કડીવાર નામની યુવતી ગુમ થયાની ફરિયાદ નોંધાઈ હતી, જે છેલ્લા એકાદ વર્ષથી ગુમ હતી.
આ બાબતની ગંભીરતા પૂર્વક તપાસ હાથ ધરવામાં આવી હતી. ધારાને શોધી કાઢવા સ્થાનિક પોલીસ અને અમારી ટેક્નિકલ સર્વેલન્સ ટીમને કામે લગાવી હતી. આ ટીમો દ્વારા છેલ્લા 15 દિવસથી સઘન તપાસ કરતા કેટલીક માહિતી મળી હતી. જેના આધારે આ સમગ્ર બનાવનો ભેદ ઉકેલવામાં આવ્યો છે.
ધારાના ભાઈએ એવું નિવેદન આપીને જાણવાજોગ અરજી કરી હતી કે, મારી બહેન છેલ્લે સુરજ ભુવાજીની સાથે નીકળી હતી, જે ગુમ થઈ ગઈ છે. તેનો કોઈ અતોપતો નથી. ત્યારથી પાલડી પોલીસ આ બાબતની તપાસ કરી રહી હતી. અને પોલીસ ટીમને મોટી સફળતા મળી છે.
DCP બી.યુ જાડેજાએ જણાવ્યું કે, તપાસમાં સામે આવ્યું કે, 19 જૂનના રોજ ધારા, સુરજ ભુવાજી (Suraj Bhuwaji) અને મીત શાહ રાત્રે ચોટીલા ખાતે ભોજન કર્યું હતું. જે બાદ ધારાને ફોસલાવી સુરજ અને મીત ચોટીલાની બાજુમાં આવેલા સુરજ સોલંકીના મૂળ ગામ વાટાવચ્છ ખાતે લઈ ગયા હતા. વાટાવચ્છ ગામની સીમમાં સુરજના ભાઈ યુવરાજ અને તેનો મિત્ર ગુંજન જોશીએ આવીને ધારા સાથે બોલાચાલી કરી હતી. આ દરમિયાન કારની પાછળની શીટમાં બેઠેલા મીત શાહે દુપટાથી ધારાને ગળાટૂપો દઈને હત્યા કરી હતી.
આ સમયે અન્ય આરોપીએ પણ હત્યા કરવામાં મદદ કરી હતી અને ધારાના મૃતદેહને નજીકની અવાવરુ જગ્યાએ લઈ જઈ આ આરોપીએ સૂકા લાકડા, ઘાસ એકઠુ કરીને તેના પર ધારાનો મૃતદેહ મૂકી તેના પર પેટ્રોલ છાંટીને ધારાનો મૃતદેહ સળગાવી દીધો હતો. જે બાદ આ ધારા ફરાર થઈ હોવાનુ નાટક કર્યુ હતું. જેમાં મીતની માતા, મીતના ભાઈએ પણ સાથે આપ્યો હતો.
અગાઉ સુરજ ભુવા સામે આ યુવતીએ દુષ્કર્મની ફરિયાદ પણ નોંધાવી હતી. દુષ્કર્મની વાત છુપાવવા યુવતીની હત્યા કરવામાં આવી હતી. જે બાદ યુવતી ફરાર થઈ ગઈ હોય તેવો ઘટનાક્રમ ઉભો કરાયો હતો. ભુવાના મિત્ર મિતની માતાને યુવતીના કપડા પહેરાવવામાં આવ્યા હતા. યુવતીના કપડા પહેરાવી માતાને પાલડીમાં ફેરવામાં આવી હતી. જેથી લોકોને એમ લાગે કે આ એજ યુવતી છે અને તે ભાગી ગઈ છે. આ કેસમાં પોલીસે સુરજ ભુવાજી અને તેના ભાઈ યુવરાજ, ગુંજન જોશી, મીત શાહ, મીતની માતા, મીતનો ભાઈ અને સંજય નામના આરોપીની ધરપકડ કરી છે.