Surat News : સુરતના ડિંડોલી વિસ્તારમાં ઘરકંકાસને લઈ પરિવાર વિખેરાઈ ગયો છે. પતિએ પત્નીની કરપીણ હત્યા કરી પોતે આપઘાત કરી લીધો છે. સંતાનમાં બંને દીકરીઓ એક વડોદરા અને બીજી અમદાવાદ અભ્યાસ કરે છે. ઘટનાની જાણકારી મળતા જ બંને દીકરીઓ સુરત આવી પહોંચી હતી. જોકે હાલ પોલીસે પંચનામું કરી વધુ તપાસ હાથ ધરી છે
મૂળ મહારાષ્ટ્રના અને સુરતના ડિંડોલી વિસ્તારમાં રહીને સોનીની મજૂરીકામ કરતાં રાજુભાઈ છેલ્લા એકાદ વર્ષથી બિમારીના કારણે ડિપ્રેશનનો ભોગ બની ગયાં હતાં. આ ડિપ્રેશનના કારણે પત્ની સાથે અવારનવાર ઝઘડાઓ થતાં હોવાનું પણ સામે આવ્યું છે. ત્યારે માનસિક તણાવમાં જ રાજુભાઈએ પોતાની પત્નીની હત્યા બાદ પોતે પણ આપઘાત કરી લઈને જીવન ટૂંકાવ્યું હતું.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના ડીંડોલી છઠ તળાવ નજીક કૈલાશનગર પ્લોટ નં.22 માં રહેતા 53 વર્ષીય રાજેન્દ્રભાઈ રામચંદ્ર આધારકર સોનીનું કામ કરતા હતા.જયારે તેમના પત્ની શૈલાબેન ( ઉ.વ.46 ) ડીંડોલી રામીપાર્ક સ્થિત સનરાઈઝ સ્કુલના કંપાઉન્ડમાં આવેલી સેવન સ્ટેપ અંગ્રેજી માધ્યમની શાળામાં શિક્ષિકા તરીકે નોકરી કરતા હતા.છેલ્લા 17 વર્ષથી માનસિક બિમારીની સારવાર લેતા રાજેન્દ્રભાઈનું કામ એક મહિના અગાઉ કામ છૂટી જતા વધુ ડિપ્રેશનમાં રહેતા હતા.પરિણામે પતિ-પત્ની વચ્ચે અવારનવાર ઝઘડો થતો હતો. શૈલાબેનની નાની બહેન જયશ્રી ઉદયભાઈ સોની પણ સેવન સ્ટેપ મરાઠી માધ્યમની શાળામાં શિક્ષિકા તરીકે નોકરી કરતી હોય તે મોટીબેનના ઘરે જઈ સાથે નોકરી પર જતી હતી.
જયશ્રી શૈલાબેનને તેડવા માટે તેમના ઘરે પહોંચી ત્યારે દરવાજો અંદરથી બંધ હતો.જયશ્રીએ દરવાજો ખખડાવી બહેન અને બનેવીના નામની બૂમો પાડી હતી પણ કોઈએ દરવાજો નહીં ખોલતા બનેવીના મોટાભાઈને જાણ કરી હતી.તે પત્ની સાથે ત્યાં દોડી આવ્યા હતા અને તેમણે પણ દરવાજો ખખડાવી બૂમો પાડતા કોઈ જવાબ મળ્યો નહોતો. પાછળનો દરવાજો પણ બંધ હોય તે સમયે ત્યાં આવેલા સાળા અજયભાઈ સાથે અનિલભાઈએ લોખંડના કટરથી દરવાજાનો નકુચો તોડી અંદર પ્રવેશી બીજા રૂમમાં જઈ તમામે જોયું તો શૈલાબેન ફર્સ પર પાથરેલી ગાદીમાં લોહીલુહાણ હાલતમાં પડેલા હતા.જયારે રાજેન્દ્રભાઈ પંખા સાથે દુપટ્ટા વડે ગળેફાંસો ખાધેલી હાલતમાં હતા.