Patan News : રાજ્યમાં નાની ઉંમરે હાર્ટ એટેકથી મોતનો સિલસિલો યથાવત છે. આજે પાટણમાં વધુ એક આશાસ્પદ વ્યક્તિનું હાર્ટ એટેકથી મોત થયાના સમાચાર સામે આવ્યા છે. પાટણનાં ખોખરવાડા વિસ્તારમાં આવેલ રામની શેરીમાં રહેતા રાજુભાઈ પ્રજાપતિનું હાર્ટ એટેકથી મોત થયું છે. 41 વર્શિય રાજુભાઈ પ્રજાપતિ નિત્ય કર્મ મુજબ વહેલા ઉઠી બાથરૂમમાં ન્હાવા જતા મોત થયું હતું. તેમને અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો હતો અને બાદમાં મોત થયું હતું. તે અનેક સેવાકીય સંસ્થાઓ સાથે જોડાયેલ હતા. અચાનક તેમના મોતથી પરિવાર સહિત સમાજમાં શોકની લાગણી ફરી વળી હતી
પાટણ શહેરમાં સોમવારે વહેલી સવારે પ્રજાપતિ સમાજના વિવિધ સેવાકીય સંસ્થાના હોદ્દેદાર અને અગ્રણી સ્વસ્થ હાલતમાં ઊઠ્યા બાદ ન્હાવા જવા દરમિયાન બાથરૂમની અંદર જ અચાનક હાર્ટઅટેક આવતા મોત થયું હતું.
શહેરમાં પ્રજાપતિ યુથ ક્લબના પૂર્વ પ્રમુખ, પ્રજાપતિ જ્ઞાતિ સમાજના પૂર્વ કારોબારી સભ્ય ડો.રાજુભાઈ બાલચંદદાસ પ્રજાપતિ ઉ.વ.41 સોમવારે વહેલી સવારે નિત્યક્રમ મુજબ ઉઠી રોજિંદી પ્રક્રિયા પૂર્ણ કરી ન્હાવા માટે બાથરૂમમાં ગયા હતા. જે દરમ્યાન છાતીના ભાગમાં દુખાવો ઉપડતાં ઢળી પડ્યા હતા. અચાનક આવેલા હાર્ટએટેકને લઈ પરિવાર દ્વારા તેમને સારવાર અર્થે લઈ જવા માટે હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. પરંતુ કમનસીબે જીવ બચી શક્યો ન હતો. તેમના અચાનક મોતના સમાચાર સમાજમાં પ્રસરતા શોકની લાગણી પ્રસરી હતી.તેમની અંતિમ યાત્રા ખોખરવાડા રામની શેરી ખાતેથી નિકળી પદ્મનાભ મુકિતધામ પહોંચી હતી. મોટી સંખ્યામાં સમાજના આગેવાનો, યુવાનો સહિત પરિવારજનો જોડાયા હતા.