Deepika Chikhalia angry over Ranbir Kapoor’s Ramayana: રણબીર કપૂરની ફિલ્મ ‘રામાયણ’ને લઈને દરેક લોકો ખૂબ જ ઉત્સાહિત છે. આ ફિલ્મ માટે રણબીરે પોતાના લૂકની સાથે સાથે પોતાની લાઈફસ્ટાઈલ પણ બદલી છે. આ ફિલ્મની તેના ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ત્યારે રામાનંદ સાગરની ‘રામાયણ’ની સીતા એટલે કે દીપિકા ચીખલિયા કહે છે કે આ ફિલ્મ ન બનવી જોઈએ.
દીપિકા ચીખલિયા એવા તમામ લોકોથી નિરાશ છે જેઓ રામાયણ બનાવી રહ્યા છે, તેમના મતે આવું ન કરવું જોઈએ. આ બાબતે અભિનેત્રીએ કહ્યું કે, “સાચું કહું તો, જે લોકો હવે રામાયણ બનાવી રહ્યા છે તેનાથી મને મોહભંગ થઈ ગયો છે. કારણ કે મને નથી લાગતું કે હવે રામાયણ બનાવવી જોઈએ. હવે લોકો તેને બનાવીને બરબાદ કરી રહ્યા છે. મને નથી લાગતું કે લોકોએ રામાયણ બનાવવી જોઈએ. જ્યારે પણ તે બનાવવામાં આવે છે, ત્યારે તેમાં કેટલીક નવી વસ્તુ ઉમેરવામાં આવે છે. તે દરેક વખતે કંઈક નવું લાવવા અને બતાવવા માંગે છે. તેથી તેઓ તેના લૂક, તેના એન્ગલ અને તેની વાર્તામાં કંઈક નવું ઉમેરીએ દે છે.”
‘આદિપુરુષ’ પર પણ કહી વાત
દીપિકાએ ફિલ્મ ‘આદિપુરુષ’નું ઉદાહરણ આપતા કહ્યું કે, “આદિપુરુષમાં કૃતિ સેનનની સીતાની ભૂમિકાને જ જુઓ, નિર્માતાઓએ તેને ગુલાબી રંગની સાટિન સાડી આપી. સૈફ અલી ખાનને અલગ લુક આપવા માટે કંઈ પણ કરવામાં આવ્યું હતું. તે ક્રિએટિવ હતું, પરંતુ વિચારો કે તમે આવી ક્રિએટીવીટી કરીને રામાયણની સંપૂર્ણ અસરને નષ્ટ કરી રહ્યા છો.”
ધાર્મિક ગ્રંથો સાથે છેડછાડ ન થવી જોઈએ
અભિનેત્રીએ વધુમાં કહ્યું હતું કે, “ધાર્મિક ગ્રંથો સાથે છેડછાડ ન થવી જોઈએ. મને નથી લાગતું કે કોઈએ આ કરવું જોઈએ. તેને જેમ છે તેમ જ રાખવું વધુ સારું છે. આ સિવાય બીજા પણ ઘણા વિષયો છે જેના પર ફિલ્મ બનાવી શકાય છે. દેશમાં ઘણા સ્વાતંત્ર્ય સેનાનીઓ છે જેમના પર તમે ફિલ્મો બનાવી શકો છો. એવી ઘણી બાબતો છે જેના વિશે વાત કરી શકાય છે. એવા ઘણાં સેનાનીઓ છે જેમણે આપણને આઝાદી અપાવી, તેમના વિશે પણ વાત કરી શકાય છે. પણ લોકોએ રામાયણ પર જ કેમ કંઈ કરવાનું છે?”
કોણ છે દીપિકા ચીખલિયા
દીપિકાએ રામાનંદ સાગરની ‘રામાયણ’માં સીતાની ભૂમિકા ભજવી હતી. આ શો 1987માં દૂરદર્શન પર શરૂ થયો હતો. જે ઘણા લાંબા સમય સુધી ચાલ્યો હતો. એ શોથી લોકો એટલા પ્રભાવિત હતા કે લોકો બૂટ-ચપ્પલ ઉતારીને પૂરી ભક્તિ સાથે એ જોતા હતા. પ્રખ્યાત ટેલિવિઝન શો રામાયણમાં માતા સીતાના રોલથી ફેમસ થયેલી દીપિકા ચિખલિયાને આજે પણ ખૂબ પસંદ કરવામાં આવે છે. એક સમય હતો જ્યારે લોકો તેમને માતા સીતા માનતા હતા અને તેમની પૂજા કરતા હતા. દીપિકા ચિખલિયાને આ શોથી ઘણી લોકપ્રિયતા મળી હતી. આ જ કારણ છે કે સોશિયલ મીડિયા પર અભિનેત્રીની મજબૂત ફેન ફોલોઈંગ છે. ચીખલિયાએ ભારતીય જનતા પાર્ટીના નેતા તરીકે રાજનીતિમાં પણ કામ કર્યુ છે. રામાયણ સીરિયલ બાદ તરત તેઓ ભાજપમાં જોડાયા હતા અને 1991માં વડોદરાથી સાંસદ તરીકે ચૂંટાયા હતા.