- ”તમે કહો તો પગે પડુ પણ પ્રોજેક્ટની ઝડપ વધારો” : નીતિશ
- પટણામાં રોડ પ્રોજેક્ટના વિલંબથી મુખ્યપ્રધાન નારાજ
- પ્રોજેક્ટમાં ગંગા ઉપર 21.5 કિમી લાંબો પુલ બની રહ્યો છે
- નીતીશકુમારનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ
બિહારના મુખ્યપ્રધાન નીતીશકુમારનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં નીતીશકુમાર એન્જિનિયરને કહી રહ્યાં છે કે તમે કહો તો હું તમારા પગે પડુ.
આમ કહીને નીતીશ કુમાર આગળ વધવા લાગે છે જે પછી એન્જિનિયર પાછળ ખસીને તેમને એમ ન કરવાની વિનંતી કરે છે. વાસ્તવમાં નીતીશકુમાર બિહારની રાજધાની પટનામાં જેપી ગંગા પથ પર ગાય ઘાટથી લઇને કંગન ઘાટ સુધી બનેલા ૩.૪ કિમી લાંબા પુલનું લોકાર્પણ કરવા ગયા હતાં.
આ જેપી ગંગા પથના ત્રીજા તબક્કાનો ઉદઘાટન કાર્યક્રમ હતો. દીઘાથી લઇને દીદારગંજની વચ્ચે ૨૧.૫ કિમી લાંબો પુલ ગંગાની ઉપર બનાવવામાં આવી રહ્યો છે જેને જેપી ગંગા પથ કહેવામાં આવે છે. રિપોર્ટ અનુસાર આ પ્રોજેક્ટના કામમાં થઇ રહેલા વિલંબ અંગે નીતીશકુમારે નારાજગી વ્યક્ત કરી હતી અને એન્જિનિયરોને કામમાં ઝડપ લાવવાની અપીલ કરતા જણાવ્યું હતું કે તમે કહો તો અમે તમારા પગે પડીએ પણ તેનું નિર્માણ ઝડપથી કરાવો.