પાટણ શહેરના એક જાગૃત મહિલાની સક્રિયતાના કારણે કર્ણાટકથી આઠ વર્ષ પહેલાં ગુમ થયેલી એક બાળકીનું તેના પરિવારજનો સાથે સુખદ મિલન થયું હતું.
પાટણના ધારપુર સ્થિત સખી વન સ્ટોપ સેન્ટર ખાતે આ દીકરીનું તેના પરિવારજનો સાથે મિલન થતા લાગણી સભર અને ભાવવહી દૃશ્ય સર્જાયા હતા.
જાણવા મળતી માહિતી મુજબ કર્ણાટકના ઉપલી ખાતેની રહીશ પૂર્ણિમા નામની બાળકીને તેના મા બાપ ન હોઈ કાકા દ્વારા અનાથ આશ્રમમાં મૂકવામાં આવી હતી જ્યાંથી તેની મોટી બહેન દ્વારા તેને પોતાના ત્યાં લાવીને સરકારી શાળામાં ભણવા મૂકી હતી જોકે એક દિવસ પૂર્ણિમા અને તેની અન્ય સહેલીઓ શાળાએથી છૂટીને ઘર તરફ આવવા નીકળી હતી તે દરમિયાન કોઈ અજાણ્યા નરાધમ ઈસમોએ આ ત્રણ બાળકોનું ગાડીમાં અપહરણ કરીને કોઈ અજાણી જગ્યાએ લઈ ગયા હતા અને 15 દિવસ સુધી તેને ગોંધી રાખી હતી એટલું જ નહીં ત્યારબાદ આ ત્રણેય માસુમ દીકરીઓને વેચી મારવાની પહેરવી શરૂ કરી હતી. પ્રારંભમાં બાળકીએ તેની સાદી કરવાની કે તેના વેચાણની પ્રવૃત્તિનો સખત વિરોધ કરતા તેને માર પણ મારવામાં આવ્યો હતો આમ છતાં બાળકીઓનું અપહરણ કરીને તેને વેચવા માટેનો ધંધો કરતી ગેંગે છેવટે આ ત્રણેય બાળકીઓને વેચવાનો સોદો કરી દીધો હતો જેમાં પૂર્ણિમા નામની આ 11 વર્ષની બાળકીને તેનાથી અનેકગણી મોટી ઉંમરના રાજસ્થાનના કોઈ સુરેશ નામના વ્યક્તિ સાથે દોઢ લાખ રૂપિયામાં વેચાણનો સોદો કરી દીધો હતો. રાજસ્થાનનો વ્યક્તિ આ બાળકીને લઈ ગયા બાદ શરૂઆતમાં તેને ખૂબ સારી રીતે રાખી હતી પરંતુ બાદમાં તેણે તેનું પોત પ્રકાશ્યું હતું અને પોતે તેમજ તેના ઘરના સભ્યો દ્વારા પૂર્ણિમા સાથે શારીરિક માનસિક ત્રાસ અને અત્યાચાર શરૂ કર્યો હતો.
આ દરમિયાન પૂર્ણિમાની સારા દિવસો રહ્યા હતા પરંતુ બાળક મિસ થઈ ગયું હતું. ત્યારબાદ થોડો સમય થતા ફરીથી તેણે બાળકીને જન્મ આપ્યો હતો. સતત શારીરિક માનસિક ટોર્ચરના કારણે ત્રાસેલી પૂર્ણિમાએ રાજસ્થાનથી ભાગીને પોતાના વતન કર્ણાટક જવા માટે અનેક પ્રયત્નો કર્યા પરંતુ તેમાં તે સફળ બની શકી ન હતી, તેની પાસેનો મોબાઇલ અને પૈસા પણ રાજસ્થાનના સુરેશ નામના વ્યક્તિએ પડાવી લીધા હતા. જેથી પૂર્ણિમા નિઃસહાય હાલતમાં આ ત્રાસ અને અત્યાચાર સહન કરતી રહી હતી અને તેમાં વર્ષો વીતતા જતા હતા.
એક દિવસ પૂર્ણિમાને ભાગી જવાનો ચાન્સ મળતા જ તે રાજસ્થાનના જોધપુર રેલવે સ્ટેશન ખાતે ગમે તેમ કરીને પહોંચી ગઈ હતી. રેલવે સ્ટેશન ખાતે બેઠી બેઠી તે રડી રહી હતી ત્યારે પાટણના વતની અને ગાંધીનગર ખાતે રહેતા સરોજબેન રાઠોડ નામના મહિલાની નજર તેના પર પડી હતી. તેમણે આ દીકરી કેમ રડી રહી હશે તે અંગે ચિંતા વ્યક્ત કરી હતી જેથી પૂર્ણિમાએ પોતે રાજસ્થાનના અમુક વિસ્તારમાંથી ભાગીને આવી હોવાનું અને તેના પર ખૂબ જ ત્રાસ વર્તાવાતો હોવાનું જણાવી પોતે તેના વતન કર્ણાટક જવા માગતી હોવાનું જણાવ્યું હતું પરંતુ તેની પાસે ટિકિટના ભાડાના પૈસા ન હોય તેણે પાટણના સરોજબેન નામના મહિલાને આજીજી કરી હતી. રાજસ્થાન રામદેવપીરના દર્શન કરીને પરત આવી રહેલા સરોજબેન રાઠોડ એ આ મહિલાની સ્થિતિ પારખીને જોધપુર રેલવે સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલનો સંપર્ક કરી આપ્યો હતો, જેથી પોલીસ સ્ટેશનમાં તેને લઈ જવાઈ હતી પરંતુ ફરજ પરના પોલીસ સ્ટાફ દ્વારા તેને ફરીથી તેના સસુરાલ પાછા જતા રહેવા માટે કહેવામાં આવતા આ દીકરી રડતી રડતી દોડી આવીને પાટણના સરોજબેન રાઠોડના પગમાં પડી હતી અને દીદી મને બચાવી લો મને આપની સાથે લઈ લો એવી આજીજી કરી હતી. જેથી એક મહિલાની વેદના સમજીને પાટણના સરોજબેન રાઠોડ એ સહેજ પણ ચિંતા કે પરવા કર્યા વિના આ દીકરીને પોતાની સાથે પાટણ લાવવાનો નિર્ધાર કર્યો હતો.
એ દરમિયાન તેમણે પૂર્ણિમા નામની આ મહિલા પાસેથી તેના ગામઠામ વિશે જાણીને મોબાઈલમાં google પર સર્ચ કરીને કર્ણાટકના હુબલી પોલીસ સ્ટેશનનો સંપર્ક શોધી કાઢ્યો હતો અને તેના પોલીસ અધિકારીને આ અંગે વાકેફ કર્યા હતા અને મદદ માગી હતી. સરોજબેનના કહેવા મુજબ કર્ણાટકના એ પોલીસ અધિકારીએ તેમને તમામ મદદની ખાતરી આપી હતી અને પોતાનો અંગત મોબાઈલ નંબર પણ આપ્યો હતો તે ઉપરાંત સરોજબેને આ દીકરીને તે પોલીસ અધિકારી સાથે મોબાઈલ પર વાતચીત કરાવી તે કયા ગામની કે વિસ્તારની છે અને તેના પરિવારમાં કોણ કોણ છે તે અંગે જાણકારી પૂરી પાડી હતી જેથી કર્ણાટક પોલીસે ઊંડી તપાસ બાદ તેની બે બહેનો અંગે ભાળ મેળવીને તેના નામ અને ફોન નંબર આપ્યા હતા. બીજીતરફ સરોજબેન રાઠોડ પૂર્ણિમા નામની આ મહિલાને લઈને પાટણ આવ્યા હતા અને પોતાના ઘરે તેને રાખી હતી અને એ ડિવિઝન પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી આ મહિલાને મદદ કરવા જાણ કરી હતી.
જો કે પોલીસે સરોજબેનને કોઈ અજાણી મહિલાને આ રીતે રાખવી તે જોખમી બની શકે તેમ હવા અંગે વાકેફ કર્યા હતા પરંતુ સરોજબેન ને આ દીકરી પર પૂરો વિશ્વાસ હોય તેમણે પાટણ મહિલા પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો અને ત્યાંથી પાટણના સખી વન સ્ટોપ સેન્ટર ખાતે પહોંચવા જણાવતા તેઓ આ દીકરીને લઈને પાંચ તારીખે સખી વન સ્ટોપ સેન્ટર ધારપુર ખાતે પહોંચ્યા હતા જ્યાં ઊર્મિલબેન સાધુ તેમજ ફરજ પરના મહિલાઓએ તેનું કાઉન્સિલિંગ કરીને આશરે આપ્યો હતો.
બીજી તરફ પોલીસ તંત્ર અને અન્ય સહયોગી સંસ્થાઓના સહકારથી અપહરણ થયેલી પૂર્ણિમાના મોટા બહેનનો સંપર્ક થતાં તેઓ પણ આઠ વર્ષ બાદ તેમની નાની બહેનની ભાળ મળતા ખૂબ જ ભાવવિભોર થઈને ગમે તેમ કરીને પાટણ આજે પહોંચી ગયા હતા અને તેમની નાની બહેન પૂર્ણિમાને મળીને ત્રણેય બહેનો ધ્રુસકે ધ્રુસકે રડી પડી હતી.
સખી વનટોપ સેન્ટર ખાતે આ સમયે ભાવવાહી દ્રશ્યો સર્જાયા હતા. આઠ વર્ષની ગુમ પોતાની નાની બહેનને મળવા માટે દોડી આવેલી મોટી બહેને પાટણના સખી વન સ્ટોપ સેન્ટરના કર્મચારીઓ તેમજ આ દીકરીને મુશ્કેલીના સમયે તેનો હાથ પકડીને તેને સહારો પૂરો પાડનાર અને પાટણ સુધી લાવનાર સરોજબેન રાઠોડનો ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો હતો. આઠ વર્ષે સગી બહેનોનો સંપર્ક થતા નાની બહેનને લેવા માટે પાટણ આવવા માટે મોટી બહેન પાસે ભાડાના પૈસા ન હોય તે જેમના ત્યાં કામ કરે છે તે બહેનને વાત કરતા તેઓ તેમના ખર્ચે હજારો કિલોમીટર દૂરથી પાટણ આવી પહોંચ્યા હતા.
પાટણ સખી વન સ્ટોપ સેન્ટરના એડમિનિસ્ટ્રેટર ઉર્મિલાબેન સાધુ અને અન્ય એડમિનિસ્ટ્રટર દ્વારા આ મહિલાને ખૂબ જ હૂંફ આપી પ્રેમભાવથી સાચવીને તેને પરિવાર જેવો પ્રેમ પૂરો પાડ્યો હતો.
પૂર્ણિમાની મોટી બહેન લક્ષ્મીએ તેની ગુમ થયેલી બહેન સુખરૂપ પરત મળે તે માટે મુંબઈ ખાતે જૈન દેરાસરમાં માનતા પણ માની હતી એમ તેણે જણાવ્યું હતું , અને પોતાની નાની બહેન પરત મળી જતા તે ખૂબ જ આનંદવિભોર બની હોવાનું જણાવી તેની નાની બહેનની નાની દિકરીને પણ રાજસ્થાનથી પાટણ લાવવા મદદરૂપ બનવા તંત્રને અપીલ કરી હતી. તો બીજીતરફ જેનું અપહરણ થયું હતું અને રાજસ્થાનમાં વેચી દેવાઇ હતી અને જ્યાં ત્રાસનો ભોગ બની હતી તેવી 19 વર્ષની પૂર્ણિમાએ રડતા રડતા જણાવ્યું હતું કે મારી ઉપર ખૂબ જ ત્રાસ અને અત્યાચાર વર્તાવવામાં આવ્યો છે. મને ખુબ માર મારવામાં આવતો હતો, પરંતુ મેં સહન કરી લીધુ છે અને ભાગી ચૂંટવામાં સફળ બની શકી છું, પરંતુ મારી સાથે જે અન્ય બે છોકરીઓનું પણ અપહરણ થયું હતું અને તેમને પણ રૂપિયા 50-50 હજારમાં વેચી દેવામાં આવી છે તેની પણ ભાળ મેળવીને તેમને પણ બચાવી લેવા મારી વિનંતી છે. એમ તેણે જણાવ્યું હતું.
આ અંગે પૂર્ણિમાને મુશ્કેલીના સમયે મદદરૂપ બની પાટણ સુધી લાવી કર્ણાટક સુધી તેના પરિવારજનોનો સંપર્ક કરાવી ભેટાળો કરાવી આપવામાં મહત્વની ભૂમિકા ભજવનાર સરોજબેન હિમાંશુભાઈ રાઠોડ એ જણાવ્યું હતું કે અમે રામાપીરના દર્શને રામદેવરા ગયા હતા અને દર્શન કરીને પરત ફરી રહ્યા હતા ત્યારે જોધપુર રેલવે સ્ટેશન ખાતે આ દીકરીને રડતી જોઈ હતી. અમારામાં તેને થોડો ઘણો વિશ્વાસ જણાતા અમારી પાસે આવીને તેની વેદના રજુ કરી હતી. તેણે કહ્યું કે મને સાસરીમાં ખૂબ જ ત્રાસ અને મારઝૂડ કરાતી હોય હું નાસીને આવી છું, મને મદદ કરો. જેથી તેની આપવીતી સાંભળીને અમે જોધપુર રેલવે સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલનો સંપર્ક કરાવી તેની મદદ કરવા જણાવ્યું હતું., પરંતુ જોધપુર રેલવે પોલીસે પણ આ મહિલાને સાંભળીને તેને તેના સાસરે પાછા જતી રહેવા સલાહ આપી હતી. જેથી તે રડતી રડતી ફરી મારી પાસે આવી હતી અને મારા પગ પકડીને મદદ કરવા જણાવતા મેં તેને તેના વતનના સરનામા અંગે જાણીને કર્ણાટક પોલીસને ફોન કરી મદદ માટે અપીલ કરી હતી અને તેને મારી સાથે પાટણ લાવીને ત્રણ દિવસ સાચવી હતી અને તેને લઈને જુદા જુદા પોલીસ સ્ટેશનમાં મદદ માટે ગઈ હતી.,જ્યાં છેવટે સખી વન સ્ટોપ સેન્ટરનો સંપર્ક કરવા જણાવાતા તારીખ 5- 7- 2022 ના રોજ તેને ત્યાં લઈને ગઈ હતી, જ્યાંથી કર્ણાટક હુબલી ખાતે ફોન ઉપર થયેલ વાતચીત મુજબ તેની બહેનોનો સંપર્ક થતા તેઓ આજે પાટણ ખાતે આવી પહોંચ્યા હતા અને ત્રણેય બહેનોનું શુભગ મિલન થતાં હું પણ આ દીકરીને તેની બહેનોના સાથેના મિલનમાં સહભાગી થવા બદલ મારી જાતને ખૂબ જ ધન્ય માનું છું. એમ સરોજબેને જણાવ્યું હતું