Surat : સીમાડા નહેર BRTS રોડ પર સરથાણા વિસ્તારના મોરડીયા પરિવારના ચાર સભ્યોએ અનાજમાં નાખવાની દવા પી લેવાની ઘટનામાં માતા પુત્ર અને પુત્રી સારવાર દરમિયાન મોતને ભેટ્યા હતા. તમામના મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયા છે. જ્યારે પિતાની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે.
આર્થિક સંકડામણના કારણે રત્નકલાકારે પરિવાર સાથે આ પગલું ભર્યું હોવાની શંકા વ્યક્ત કરાઈ છે. જ્યારે મોટો એક દીકરો મિત્રની સાથે ગયો હતો જ્યારે એક દીકરી માસીના ઘરે ગઈ હતી. આથી આ બન્ને બચી ગયાં છે.
સરથાણા વિજયનગર સોસાયટીમાં રહેતા અને મૂળ ભાવનગરના સિહોરના વતની વિનુભાઈ ખોડાભાઈ મોરડિયા(ઉં.વ.55)હીરાના કારખાનામાં કામ કરે છે. બુધવારે મોડી સાંજે વિનુભાઈ તેમની 50 વર્ષીય પત્ની શારદાબેન, તેમનો 20 વર્ષીય પુત્ર ક્રિશ અને 15 વર્ષીય પુત્રી સેનિતાએ એક સાથે ઝેરી દવા પી લીધી હતી.
બનાવની જાણ થતાં 108 એમ્બ્યુલન્સની મદદથી ચારેયને ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યાં હતાં. જ્યાં ચારેયને સારવાર માટે દાખલ કરાયા હતા. જ્યાં ટૂંકી સારવાર બાદ મોડી રાત્રે શારદાબેનનું મોત નીપજ્યું હતું. બાદમાં સેનિતાએ પણ અંતિમ શ્વાસ લીધા હતા અને હવે પુત્ર ક્રિશે પણ દમ તોડી દીધો છે. બનાવની જાણ થતા હોસ્પિટલ દોડી ગયેલી પોલીસે તપાસ શરૂ કરી હતી.