રાધનપુર તાલુકાના શેરગઢ ગામે એક યુવતી પર ગામના વિધર્મી યુવક દ્વારા છરી વડે હુમલો કરાતા ચકચાર મચી છે. હુમલામાં ઘાયલ થયેલી યુવતીને રાધનપુરની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી છે.
ગ્રામજનોએ હુમલાખોર યુવકને પકડીને પોલીસને સોંપ્યો હતો.ગામમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. હેતલબેનને વધુ સારવાર અર્થે ધારપૂર ખસેડવામાં આવ્યા હતાં. હુમલાનું કારણ જાણવા મળ્યું નથી. શેરગઢ ગામે રહેતી હેતલબેન કમાભાઈ ચૌધરી નામની યુવતી ઘરમાં હતી,અને પુરુષ સદસ્યો ખેતરે ગયા હતાં એ સમય દરમિયાન યાસીન માજીશા બલોચ નામના યુવાને ઘરમાં ઘૂસીને છરી વડે હેતલબેન ઉપર હુમલો કર્યો હતો.
હેતલબેને બુમાબુમ કરતાં આજુબાજુની મહિલાઓ દોડી આવી હતી.અને તાત્કાલિક ખેતરે ફોન કરતાં પુરુષ સદસ્યો ઘરે દોડી આવ્યા હતાં. ગ્રામજનોએ યાસીન બલોચને પકડી રાખ્યો હતો. પોલીસને જાણ કરતાં પી.આઈ રબારી ઘટનાસ્થળે દોડી આવ્યા હતાં અને ગામમાં બંદોબસ્ત ગોઠવી દીધો હતો. હુમલાખોર યુવકની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.