પાટણ : ૦૩ કલાકના સમયમાં ૧,૨૦૦ કિલો કરતાં વધુ કચરો એકત્ર થયો.

Azadi Ka Amrit Mahotsav

Azadi Ka Amrit Mahotsav – આઝાદીકા અમૃત મહોત્સવ’ની ઉજવણીના ભાગરૂપે સ્વચ્છ ભારત અભિયાનમાં ૧૪ સંસ્થાઓ સહભાગી થઇ

પાટણ શહેરને પ્લાસ્ટીકમુક્ત કરવાની નેમ સાથે ૧,૦૦૦થી વધુ ખેલાડીઓએ એકત્ર કર્યો સિંગલ યુઝ પ્લાસ્ટીક વેસ્ટ

માત્ર ૦૩ કલાકના સમયમાં ૧,૨૦૦ કિલો કરતાં વધુ કચરો એકત્ર થયો, નગરપાલિકા દ્વારા કરાયો યોગ્ય નિકાલ

‘આઝાદી કા અમૃત મહોત્સવ’ (Azadi Ka Amrit Mahotsav) અંતર્ગત પાટણ ખાતે સ્વચ્છ ભારત (ક્લીન ઇન્ડિયા) કાર્યક્રમ યોજાયો. જેમાં પાટણ નગરની ખેલકુદ સાથે સંકળાયેલી ૧૪ જેટલી સંસ્થાઓ અને રમતગમત ક્ષેત્રે વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરી હોય તેવા ખેલાડીઓ સિંગલ યુઝ પ્લાસ્ટિકના એકત્રીકરણ દ્વારા પાટણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાના સંકલ્પ સાથે મોટી સંખ્યામાં જોડાયા હતા.

શહેરના આદર્શ વિદ્યાલય ખાતે જિલ્લા પંચાયતના પ્રમુખ સુ ભાનુમતીબેન મકવાણાની ઉપસ્થિતિમાં ૧૫૦થી વધુ ખેલાડીઓ, અધિકારીઓ, પદાધિકારીઓ આ મહાઅભિયાનમાં ભાગ લેવા માટે એકત્ર થયા હતા. જેમને જિલ્લા પંચાયતના પ્રમુખ તથા જિલ્લા રમતગમત અધિકારી વિરેન્દ્રભાઈ પટેલ સહિતના મહાનુભાવો દ્વારા લીલી ઝંડી આપી સ્વચ્છતા અભિયાનની શરૂઆત કરાવવામાં આવી હતી. આ ટીમ દ્વારા શહેરના બગલીખાડ સ્લમ વિસ્તારમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ સુ ભાનુમતીબેન મકવાણાએ જણાવ્યું કે, સ્વચ્છતા એક અનિવાર્ય જરૂરિયાત છે. આજે શહેરમાં વિવિધ ૧૪ સ્થળોએ સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત પ્લાસ્ટીકનો કચરો એકત્ર કરવામાં આવી રહ્યો છે. યુવાનો દ્વારા શહેરને સ્વચ્છ બનાવવાના સંકલ્પને સફળતા મળે અને પાટણ સ્વચ્છતાની સાથે સ્વસ્થતા પામે તે આવકારદાયક છે.

સાથે જ શહેરની એમ.એન.હાઈસ્કુલ, મ.ક.જીમખાના અને સરદાર પટેલ રમતગમત સંકુલના ખેલાડીઓ દ્વારા અનાવાડા દરવાજાથી ફાટીપાળ દરવાજા સુધીના વિસ્તારમાં, પોલીસ વિભાગમાં રમતગમત વિભાગ દ્વારા ચાલતા જીમ સેન્ટર અને એચ.એન.જી.યુ. પાટણના ખેલાડીઓ દ્વારા પોલીસ હેડક્વાર્ટરથી ટી.બી. ત્રણ રસ્તા અને તેની બાજુના સ્લમ વિસ્તારમાં, શિવાનંદ યોગ આશ્રમના યોગ સાધકો દ્વારા અંબાજી મંદિરથી શાંતિનિકેતન હાઈસ્કુલ સુધીના માર્ગ પર, બ્લુ ગેલેક્ષી જીમ સેન્ટર અને સિલ્વર બેક જીમ સેન્ટર ખાતે ખેલાડીઓ અને જીમ સેન્ટર સંચાલક દ્વારા રેલ્વે નાળાથી આનંદ સરોવર અને વૃંદાવન આર્કેડથી બગેશ્વર મહાદેવ અને તેની પાસેના સ્લમ વિસ્તાર, સ્કાય ફિટનેસ વર્લ્ડ જીમના સંચાલક તથા તેમના ખેલાડીઓ દ્વારા ગોપાલક છાત્રાલયથી જી.ઈ.બી. અને લીલીવાડીના સ્લમ વિસ્તારમાં શહેરને પ્લાસ્ટીકમુક્ત કરવાના સંકલ્પ સાથે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.

સવારે ૦૭.૦૦ વાગ્યાથી શરૂ કરવામાં આવેલા સ્વચ્છતા અભિયાનમાં ૯૦૦ થી ૧૦૦૦ જેટલા ખેલાડીઓ દ્વારા માત્ર ૦૩ કલાક જેટલા સમયમાં ૧,૨૦૦ કિલોગ્રામ જેટલું સિંગલ યુઝ પ્લાસ્ટિક એકત્ર કરવામાં આવ્યું હતું. પાટણ નગરપાલિકા દ્વારા આ પ્લાસ્ટિક વેસ્ટને વાહનો દ્વારા જમા લઇ નાશ કરવામાં આવ્યું હતું. આ મહાઅભિયાનમાં જીલ્લા વહીવટી તંત્રના વિવિધ વિભાગના અધિકારીઓએ સંકલન અધિકારી તરીકેની જવાબદારી નિભાવી વિવિધ ૧૪ સ્થળોએ સફાઈ અભિયાનની શરૂઆત કરાવી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

રમતગમત ક્ષેત્ર સાથે જોડાયેલી સંસ્થાઓના કોચશ્રીઓ, ટ્રેનર્સ અને ખેલાડીઓએ મોટી માત્રામાં પ્લાસ્ટિક એકત્રીકરણ કરી સાચા અર્થમાં ‘આઝાદીકા અમૃત મહોત્સવ’ ની ઉજવણીના ભાગરૂપે સ્વચ્છ ભારત (ક્લીન ઇન્ડિયા) અંતર્ગત પ્લાસ્ટિક મુક્ત પાટણનું મહાઅભિયાન જીલ્લા વહીવટીતંત્ર પાટણ અને રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગરના સીધા માર્ગદર્શન હેઠળ સફળ બનાવવામાં આવ્યું.