Mahesana Bahuchraji : મહેસાણા બેચરાજીમાં માં બહુચર માતાજીના મંદિરે આજ થી પવીત્ર ચૈત્રી ઉત્સવનો શુભારંભ થયો છે. બહુચરાજી મંદિરે ચૈત્રી ઉત્સવનું ધાર્મિક ખૂબ મહત્વ હોય છે. શક્તિપીઠ બહુચરાજી માં ભાવિક ભક્તો ની ઉપસ્થિતિમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે ઘટસ્થાપન વિધિ (Ghatasthapana vidhi) યોજાઈ હતી. આજે બહુચરાજી મંદિરે ગુજરાતના ખુણેખૂણે થી માઇ ભક્તો દર્શન માટે ઉમટ્યા હતા. જ્યાં માં બહુચર ના પાવનકારી દર્શન કરી ભક્તો એ ધન્યતાની અનુભૂતિ કરી હતી.
શક્તિપીઠ બહુચરાજી માં ઘટસ્થાપન વિધિ યોજાઈ
ચૈત્રી નવરાત્રીનો આજથી પ્રારંભ થઇ રહ્યો છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર નવ દિવસ સુધી ચાલતા આ મહાપર્વમાં માતાજીની કૃપા મેળવવાનો સૌથી શ્રેષ્ઠ સમય હોય છે. આ દરમિયાન ભક્ત માતાને પ્રસન્ન કરવા માટે નવ દિવસ સુધી ઉપવાસ રાખતા હોય છે. નવરાત્રીના પહેલા દિવસથી જ કળશ સ્થાપના સાથે અખંડ જ્યોત પ્રગટાવવાનો પણ નિયમ છે. અખંડ જ્યોત પ્રગટાવવા પાછળનું કારણ એ છે કે જે રીતે નાનાકડા દીવડા વિપરીત પરિસ્થિતિઓમાં પણ પોતાની જ્યોતથી અંધકાર દૂર કરે છે તેવી જ રીતે આપણે પણ માતાજીની આસ્થાના સહારે પોતાના જીવનનો અંધકાર દૂર કરી શકીએ છીએ. કહેવાય છે કે દીવડાની જ્યોત સામે જપ કરવામાં આવે તો સાધકને હજાર ગણું ફળ પ્રાપ્ત થાય છે.
શક્તિપીઠ બહુચરાજી માં ઘટસ્થાપન વિધિ યોજાઈ
નવરાત્રિ દરમિયાન આ વાતોનું વિશેષ ધ્યાન રાખો
- ચૈત્ર નવરાત્રિ દરમિયાન ઘરની સાફ-સફાઈ યોગ્ય રીતે કરવી જોઈએ. ઘરની સાફ-સફાઈ થઈ જાય એટલે પછી મુખ્યદ્વાર પર આંબા કે અશોકનાં પાન લગાવવાં જોઈએ.
- નવરાત્રિ પર ઘરના મુખ્ય દ્વાર પર રંગોળી બનાવવી પણ શુભ માનવામાં આવે છે. નવરાત્રિના પહેલા દિવસે ઘરના મુખ્ય દ્વાર પર રંગોળી બનાવીને ઘરના દરવાજા પર કુમકુમથી શુભ-લાભ લખો.
- નવરાત્રિ દરમિયાન દુર્ગા માતાની અસીમ કૃપા પ્રાપ્ત કરવા માટે પૂજાસ્થળ પર માતા દુર્ગાની મૂર્તિ સ્થાપિત કરો. માતા લક્ષ્મી અને માતા સરસ્વતીની મૂર્તિઓ પણ સ્થાપિત કરો. ત્યાર બાદ વિધિવત્ પૂજા કરો અને દુર્ગા સપ્તશતીનો પાઠ કરો.
- પૂજા દરમિયાન ઊનના આસન પર બેસો અને જો ઊનનું આસન ઘરમાં ન હોય તો લાલ રજાઈનો પણ ઉપયોગ કરી શકો.
- નવરાત્રિના નવ દિવસ દરમિયાન તમારે લસણ, ડુંગળી, માંસ, દારૂ, ઈંડાં વગેરે વસ્તુઓનું સેવન કરવું નહિ અને વ્રત કરનારા લોકોએ તો આ વસ્તુઓથી પણ દૂર રહેવું.
- નવરાત્રિના નવ દિવસ સાત્ત્વિક ભોજનનું જ સેવન કરવું જોઈએ. વ્રત કરનારા લોકોએ ભોજન કે ફળાહાર પણ કરવું જોઈએ. ફળાહાર કરવું એ સ્વાસ્થ્ય માટે પણ લાભદાયી સાબિત થાય છે.
- નવરાત્રિ દરમિયાન પતિ-પત્નીએ બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ. નવરાત્રિના નવ દિવસ બ્રહ્મચર્યનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે. આ દિવસોમાં નખ અને વાળ પણ કાપવા જોઈએ નહીં.
રિપોર્ટર : પંકજભાઈ નાયક, મહેસાણા