બનાસ બેન્કે અગાઉ બનાસડેરીના સુપરવાઇઝર, બે ખેડુતો બાદ પાંથાવાડા માર્કેટ યાર્ડ ચેરમેન અને ચેરમેન પુત્રને ફટકારી નોટિસ.
બનાસ બેંક લેણાં મામલો : ઉચ્ચ કક્ષાએથી તપાસ કરીને જવાબદારો સામે કાર્યવાહીની માગ.
વિવિધ મંડળીઓના વ્યાજ સાથે પાંચ કરોડથી વધુ બાકી રકમ 15 દિવસમાં જમા કરવા નોટિસ ફટકારાઈ.
કાગળ પર ખોટી મંડળીઓ બનાવી મળતિયાઓએ કરોડોની લોન લઈ લીધી.
બનાસકાંઠા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક પાલનપુર દ્વારા લોન ભરપાઈ ન કરતા બાકીદારોને નોટીસ આપવા આવી રહી છે, ત્યારે આવી નોટિસ પાંથાવાડા માર્કેડયાર્ડના ચેરમેન રેસા પટેલ અને તેમના પુત્ર દિનેશ પટેલને વિવિધ મંડળીઓના વ્યાજ સાથે પાંચ કરોડથી વધુ બાકી રકમ 15 દિવસમાં બેન્ક માં જમા કરવા નોટિસ ફ્ટકારતા ચકચાર મચી ગઇ છે. જો 15 દિવસમાં ભરપાઈ નહીં કરાય તો આગામી દિવસોમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા નોટિસમાં ઉલ્લેખ.
મંડળીની ઉચ્ચ કક્ષાએથી તપાસ કરીને જવાબદારો સામે કાર્યાવાહીની માગ કરાઈ છે.દાંતીવાડા તાલુકામાં ફ્ક્ત કાગળ પર ખોટી મંડળીઓ બનાવી મળતીયાઓ સાથે મળી બનાસ બેન્કમાંથી કરોડો રૂપિયાની લોનો લઈ આજ દિન સુધી ભરપાઈ ન કરતાં બેન્ક દ્વારા સાતેક વર્ષ બાદ કાર્યવાહી હાથ ધરવામાં આવતા આવા રીઢા બાકીદારો ફ્ફ્ડી ગયા છે.
બનાસ બેંકની પાંથાવાડા શાખામાંથી રેસાભાઈ પટેલે મંડળીઓના નામે કરોડો રૂપિયાની લોન લઈ ભરપાઈ ન કરતા પિતા પુત્ર ને 15 દિવસના સમય મર્યાદામાં નાણાં ભરવાની નોટિસ ફ્ટકારાઈ છે. પાંથાવાડા માર્કેટયાર્ડના ચેરમેન રેસા પટેલ કરોડો રૂપિયા બેંકના ઉપાડી કરોડપતિ બની ગયા! ત્યારે આટલી મોટી લોન બેન્ક દ્વારા કોના આશીર્વાદથી મળી તેને લઈને પણ લોકોમાં અનેક તર્ક વિતર્ક સર્જાયા છે.