બનાસકાંઠામાં ડીસા નજીક બનાસ નદીના બ્રિજ પર એસ.ટી.બસની ટક્કરથી કાકા – ભત્રીજા મોત નિપજ્યાં હોવાની ઘટના સામે આવી છે. મગફળીનું વેચાણ કરીને ખાતર ખરીદીને પરત જતાં આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને પગલે બનાસ નદીના બ્રિજ પર ટ્રાફિક જામ થયો હતો.
જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી માર્ગ અકસ્માતની ઘટના વધી રહી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, જિલ્લામાં છેલ્લા એક મહિનામાં અત્યાર સુધી અનેક નાના-મોટા અકસ્માતો સર્જાયા છે. વારંવાર સર્જાતા આવા અકસ્માતમાં અનેક લોકો મોતને પણ ભેટે છે. ખાસ કરીને રાત્રિના સમયે મોટા ભારે વાહનોના ગફલતભર્યા ડ્રાઈવિંગના કારણે વારંવાર અકસ્માત સર્જાઈ રહ્યા છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં વારંવાર સર્જાતા અકસ્માતના પગલે પોલીસ દ્વારા પૂરપાટ તે રાત્રિના સમયે ચાલતા ભારે વાહનો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તો અકસ્માતો ઘટી શકે તેમ છે.
આ ઘટનાના કારણે ડીસા બનાસ નદીના બ્રિજ પર ભારે ચક્કાજામ સર્જાયો હતો અને વાહનચાલકો કલાકો સુધી ટ્રાફિકમાં ફસાયા હતા. આ અકસ્માતમાં ભૂરભાઈ ધનરાજભાઈ ચૌધરી અને તેમના કાકા કાનજીભાઈ ચૌધરીનું મોત થયું હતું. ત્યારબાદ ડીસા તાલુકા પોલીસ ઘટનાસ્થળે પહોંચી ભારે જહેમત બાદ ટ્રાફિક હળવો કર્યો હતો. ડીસા તાલુકા પોલીસે ઘટનાસ્થળે પહોંચી ટ્રેકટરને ટક્કર મારનારા એસટી બસચાલક સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.