કેબિનેટ મંત્રી દિલીપ ઠાકોર અને પ્રભારીમંત્રી વાસણભાઈ આહીરની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ.

જિલ્લા પંચાયત પ્રમુખશ્રી, ધારાસભ્યશ્રીઓ તથા તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓની ઉપસ્થિતિમાં જિલ્લામાં ૧૪ ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવા સર્વસંમતિ મળી

કોરોના સંક્રમણના બીજા તબક્કામાં દર્દીઓની હાલત ગંભીર બનતા મોટા પ્રમાણમાં ઓક્સિજનની જરૂરિયાત ઊભી થઈ છે. આ માંગને પહોંચી વળવા અને ભવિષ્યમાં ઓક્સિજનની જરૂરિયાત ઊભી થાય તો તેના માટે પાટણ જિલ્લામાં ઓક્સિજન પ્લાન્ટ નાંખવાની કામગીરીના ભાગરૂપે કેબિનેટ મંત્રીશ્રી દિલીપકુમાર ઠાકોર અને પ્રભારી મંત્રીશ્રી વાસણભાઈ આહીરની ઉપસ્થિતિમાં પાટણ કલેક્ટર કચેરી ખાતે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી, ધારાસભ્યશ્રીઓ, પદાધિકારીઓ અને અધિકારીઓની બેઠક મળી હતી.

આ બેઠકમાં પાટણ જિલ્લાના ૧૪ સામૂહિક આરોગ્ય કેન્દ્રો પર ઓક્સિજન પ્લાન્ટ ઊભા કરવા માટે સૌ સાથે વિચાર-વિમર્શ કરી કરી એમના સૂચનો લઈને ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવા માટેની મંજૂરી લેવામાં આવી હતી. સાંસદશ્રી, ધારાસભ્યશ્રીઓ, કલેક્ટરશ્રી તથા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની વિવિધ ગ્રાન્ટનો ઉપયોગ કરીને પ્રત્યેક સીએચસી પર ૫૦૦ લીટર પ્રતિ મીનિટની ક્ષમતા વળો પ્લાન્ટ ઉભો કરવામાં આવશે. શ્રમ અને રોજગાર મંત્રીશ્રી દિલીપકુમાર ઠાકોરે જણાવ્યું હતું કે કોરોના સંક્રમણની બીજી લહેરમાં આપણે અનુભવથી ઘણું શીખ્યા છીએ. જેનાથી ભવિષ્યમાં ફરી આ મહામારી માથું ઊંચકે તો તેની સામે સજ્જ થવા માટે અત્યારથી તૈયારી કરવી જરૂરી છે. જેના માટે પાટણ જિલ્લાના દરેક તાલુકામાં ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવો અનિવાર્ય છે. જેથી, મહામુલા માનવજીવનને બચાવી શકાય. તેમણે ઓક્સિજન પ્લાન્ટ માટેની જરૂરી વહીવટી પ્રક્રિયા સત્વરે પૂર્ણ કરીને ઝડપથી કાર્ય પૂર્ણ થાય એ માટે અધિકારીઓને સૂચન કર્યું હતું.

પાટણ જિલ્લાના પ્રભારીમંત્રીશ્રી વાસણભાઈ આહીરે કોરોનાની વિકટ મહામારીમાં એકજૂથ થઈને કાર્ય કરતા વહીવટીતંત્ર, ધારાસભ્યશ્રીઓ અને પ્રજાના પ્રતિનિધિઓના પ્રયાસોની સરાહના કરી હતી. તેમણે બેઠકમાં ઓક્સિજન પ્લાન્ટની મંજૂરી માટે ધારાસભ્યશ્રીઓ સહિતના પદાધિકારીશ્રીઓએ વિનાવિલંબે સર્વસંમતિ દર્શાવી એ માટે અભિનંદન પાઠવ્યા હતા. આ પ્લાન્ટ સ્થાપવાનું કામ ઝડપથી પૂર્ણ કરનાર પાટણ જિલ્લો રાજ્યનો પ્રથમ જિલ્લો બનશે એવો આશાવાદ એમણે વ્યક્ત કર્યો હતો. તેઓએ જણાવ્યું કે આ મહામારી સામે આપણે મક્કમતાથી લડીને માનવતાની સેવા કરવાની છે.

અત્રે એ બાબત ઉલ્લેખનીય છે કે પાટણના સાંસદશ્રી ભરતસિંહ ડાભીએ સિદ્ધપુર, રાધનપુર અને ધારપુર ખાતે ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવા માટે રૂ. ૧ કરોડની ફાળવણી કરી છે. એ જ રીતે, જીઆઈડીસીના ચેરમેનશ્રી બળવંતસિંહ રાજપૂતે ઓક્સિજન પ્લાન્ટ માટે ૨૫ લાખ રૂપિયા આપ્યા છે. આ બેઠકમાં જિલ્લા કલેકટરશ્રી સુપ્રીત સિંઘ ગુલાટી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.કે.પારેખે સ્થાપવામાં આવનાર ઓક્સિજન પ્લાન્ટ અંગેની વિગતો આપી હતી. આ બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી ભાનુમતીબેન મકવાણા, પાટણના ધારાસભ્યશ્રી ડૉ. કિરીટભાઈ પટેલ, સિદ્ધપુરના ધારાસભ્યશ્રી ચંદનજી ઠાકોર, રાધનપુરના ધારાસભ્યશ્રી રઘુભાઈ દેસાઈ, ખાસ ફરજ પરના અધિકારી સુશ્રી મમતા વર્મા, જિલ્લા આયોજન અધિકારી સુશ્રી ગીતાબેન દેસાઈ, જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારીશ્રી ડૉ.એસ.એ.આર્ય, જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી શૈલેષભાઈ પટેલ, જિલ્લા શ્રમ અધિકારીશ્રી ભીખાભાઈ દેસાઈ તથા તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.