પાટણ જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં કોરોના વાયરસનું સંક્રમણ વધતાં તેને અટકાવવા માટે ગુજરાત સરકારના શ્રમ અને રોજગાર મંત્રીશ્રી દિલીપકુમાર ઠાકોરે પાટણ જિલ્લાની વિવિધ સામૂહિક આરોગ્ય કેન્દ્રોની મુલાકાત લીધી હતી. મંત્રીશ્રીએ સાંતલપુર તાલુકાની વારાહી અને રાધનપુરસામૂહિક કેન્દ્રની રૂબરૂ મુલાકાત લીધી હતી. મંત્રીશ્રી દિલીપકુમાર ઠાકોરે સીએચસી ખાતે અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે બેઠક કરીને સ્થિતિની સમીક્ષા કરી હતી.

મંત્રીશ્રી દિલીપકુમાર ઠાકોરે તેમની મુલાકાતમાં પાટણ જિલ્લાના ગામો કોરોનામુક્ત બને એ માટે વહીવટીતંત્ર, ચૂંટાયેલ સ્થાનિક પ્રતિનિધિઓ, ગ્રામજનો અને સ્વૈચ્છિક સંસ્થાઓ સહિયારા પ્રયાસો કરે એ બાબત પર ભાર મૂક્યો હતો. ગામમાં હળવા લક્ષણો ધરાવતા દર્દીઓ હોમ આઈશોલેશનમાં રહે કે ઘરમાં અન્ય વ્યક્તિને ચેપ ન લાગે એની તકેદારીરૂપે કોવિડ કેર સેન્ટરમાં સારવાર લે એ માટે ગ્રામજનોને સમજૂતી આપવા સૂચન કર્યું હતું.

મંત્રીશ્રીએ સીએચસી પર દવાઓ, ઓક્સિજન અને ઈન્જેકશનના ઉપલબ્ધ જથ્થાની માહિતી મેળવી હતી અને જરૂરિયાત અંગે જાણકારી મેળવી હતી. તેમણે જણાવ્યું કે કોરોનાની સારવારની સાથે સાથે જિલ્લામાં રસીકરણની કામગીરી પણ ચાલી રહી છે અને આગામી દિવસોમાં એને વધુ સઘન બનાવવામાં આવશે. ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાની જાગૃતિ માટે અધિકારીઓ અને પ્રજાના પ્રતિનિધિઓ સાથે મળીને કામ કરે એવી ખાસ અપીલ કરી તેઓએ કરી હતી.

મંત્રીશ્રી દિલીપકુમાર ઠાકોરે જણાવ્યું હતું કે કોરોનાના દર્દીઓની તમામ સારવાર માટે રાજ્ય સરકાર પ્રયાસ કરી રહી છે. અત્યારના સંજોગોમાં લોકોનું જીવન બચાવવું એ આપણા સૌની પ્રાથમિકતા છે. મંત્રીશ્રીએ પોતાની ધારાસભ્યની ગ્રાન્ટમાંથી ૧ કરોડ રૂપિયા પાટણ જિલ્લાના સામૂહિક આરોગ્ય કેન્દ્રો પર ઓક્સિજન પ્લાન્ટ બનાવવા માટે ફાળવણી કરી છે.

તેઓએ કોરોના મહામારીમાં રાત-દિવસ કાર્ય કરતા ડૉકટર્સ, મેડીકલ અને પેરામેડીકલ સ્ટાફની સેવાની સરાહના કરી હતી. મંત્રીશ્રી દિલીપકુમાર ઠાકોરની આ મુલાકાત દરમિયાન સાંતલપુર જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી સકતાભાઈ ચૌધરી, સંગઠનના પદાધિકારીશ્રી લવિંગજી ઠાકોર અને સૂરજગીરી ગોસ્વામી, તાલુકા વિકાસ અધિકારીશ્રી તથા તાલુકા આરોગ્ય અધિકારીશ્રી ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024