દિલીપસિંહ રાજપુત બનાસકાંઠા : ધાનેરા તાલુકાના 54 ગામ ચૌધરી સમાજ દ્વારા સમાજમાં સામાજીક સુધારા અને સમૂહલગ્ન બાબતે આખો સમાજ રવિવારે કોલેજ કેપ્સમાં ભેગા મળી સમાજમાં મોટા પ્રમાણમાં સુધારા કર્યા હતા. તાલુકામાં પાણીની સમસ્યા ઉભી થવાથી ખર્ચાઓ ઉપર પણ કંન્ટ્રોલ કરવા માટે તેમજ યુવાનોને દાઢી ના રાખવા આગેવાનો દ્વારા સામાજીક સુધારા કરાયા હતા.
દાઢી રાખનારને 51 હજારના દંડની જોગવાઈ
ધાનેરામાં 54 ગામના આંજણા ચૌધરી સમાજની સમાજ સુધારણાને લઈ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સમાજ સુધારા માટે 21 ઠરાવ કરવામાં આવ્યા છે. જેમાં આંજણા સમાજના યુવાનોને ફેશનેબલ દાઢી નહીં રાખવાનું ફરમાન કરાયું છે. આંજણા ચૌધરી સમાજનો કોઈ યુવાન દાઢી રાખશે તો તેને 51 હજારનો દંડ ફટકારવામાં આવશે. આમ ચોવીસી આંજણા સમાજે સામાજિક સુધારા કરી અન્ય સમાજોને પણ દિશાચિન્હ કર્યો છે.
ધાનેરાના કોલેજ કેમ્પસ ખાતે યોજાયેલી બેઠકમાં શિકારપુરા ધામના ગાદિપતિ દયારામજી મહારાજ દ્વારા કહેવામાં આવે છે કે હિન્દુ ધર્મમાં દાઢી રાખવી એ સંત મહાત્માનું કામ છે પરંતુ યુવાનો આવી દાઢી રાખે એ સમાજને શોભતું નથી માટે દાઢી રાખવી જોઇએ નહીં. આથી આ બેઠકમાં દાઢી રાખનાર આંજણા ચૌધરી સમાજના યુવાનોને દંડ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું.
બેઠકમાં સમાજના પ્રમુખ રાયમલ પટેલે પ્રસંગમાં થતા ખોટા ખર્ચાઓ તેમજ વ્યસનો બંધ કરવા માટે હાકલ કરતાં સમાજના તમામ લોકોએ તેમાં ટેકો આપ્યો હતો. આજણા ચૌધરી સમાજની બેઠક મરણ પ્રસંગમાં અફીણ પ્રથા બંધ કરવાની હાંકલ કરી હતી. જો અફીણ પ્રથા ચાલુ કરાશે તો 1 લાખનો દંડની જોગવાઈ કરાઈ છે.
બેઠકમાં દીકરીને પેટી ભરવામાં 51000થી વધુ નહીં આપવા, લગ્નમાં ફટાકડા લિમિટમાં ફોડવા, લગ્નની પત્રિકા સાદી છપાવવી, લગ્ન પ્રસંગમાં વોનોળા પ્રથા બંધ કરવી, ભોજન સમારંભમાં જમવાનું પૌષ્ટિક બનાવવું અને જમણ પીરસવા અન્ય ભાડુતી માણસો ન લાવવાનો નિયમ બનાવાયો છે.
ચૌધરી સમાજની પહેલ
– મરણ પ્રસંગમાં અફીણ પ્રથા બંધ કરાઈ
– અફીણ પ્રથા ચાલુ કરાશે તો 1 લાખનો દંડ
– લગ્નમાં ફટાકડા લિમિટમાં ફોડવા, પત્રિકા સાદી છપાવવી
– લગ્ન પ્રસંગમાં વોનોળા પ્રથા બંધ કરવી
– દીકરીને પેટી ભરવામાં 51000થી વધુ નહીં
– ભોજન સમારંભમાં જમવાનું પૌષ્ટિક બનાવવું
– જમણ પીરસવા અન્ય ભાડુતી માણસો ન લાવવા
– સન્માન સાલ, પાઘડી, વિંટી કે ભેટથી ન કરવું
– યુવાનોએ ફેશનેબલ દાઢી ન રાખવાનું ફરમાન
– ફેશનેબલ દાઢી રાખી તો 51,000નો દંડ
– ઢુંઢમાં જમણવાર ન કરવા, પતાસા બંધ કરવા
– લગ્નમાં ડીજે, જન્મ દિવસ હોટલમાં મનાવવા બંધી