CM Rupani

Vijaybhai Rupani

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી (Vijaybhai Rupani) આજે તા. ૫ મી ડિસેમ્બર-૨૦ના શનિવારે સુરત જિલ્લાના ઉમરપાડા ખાતે રૂા. ૭૧૧ કરોડના ખર્ચે નિર્માણ થનારી તાપી-કરજણ લિંક પાઈપલાઈન ઉદ્દવહન સિંચાઈ યોજનાનું ખાતમુહૂર્ત કરશે. મુખ્યમંત્રીશ્રી આ સાથે ઉમરપાડા તાલુકાના બિલવણ ગામે આશરે રૂ. ૩૭.૪૨ કરોડના ખર્ચે નિર્માણ થનારી સૈનિક શાળાનું ભૂમિપૂજન પણ કરશે.

રાજ્યના બહુધા આદિવાસી ગ્રામ્ય વિસ્તારના ગામોને સિંચાઈની સુવિધા પહોચાડવા માટે રાજય સરકાર સતત પ્રયત્નશીલ રહી છે ત્યારે તાપી-કરજણ લિંક પાઈપલાઈન ઉદ્દવહન સિંચાઈ યોજના પુર્ણ થવાથી અંદાજીત ૫૩૭૦૦ એકર જમીનમાં સિંચાઈનો લાભ મળશે.
આ યોજનાથી સુરત જીલ્લાના ઉમરપાડા તાલુકાના ૫૧ ગામો અને નર્મદા જીલ્લાના ડેડિયાપાડા તાલુકાના ૨૨ ગામો, મળી કુલ ૭૩ ગામો કે, જે સિંચાઈ સુવિધાથી વંચિત છે તેને સિંચાઈ સુવિધાઓ પુરી પાડવામાં આવશે.

એટલું જ નહીં, તાપી-કરજણ લીંક પાઇપલાઇન ઉદ્વહન સિંચાઈ યોજના દ્વારા આદિજાતિ ગામોને પાણી પહોંચાડવા ૫૩ માળ જેટલી ઉંચાઇ સુધી પાણી લિફ્ટ કરીને આપવાના ગુજરાતના ઇજનેરોના ભગીરથ ઇજનેરી કૌશલ્યથી આ યોજના આકાર પામશે.
આ યોજનામાં તાપી નદી ઉપર આવેલ ઉકાઇ જળાશયના જમણા કાઠે સાતકાશી ગામે પ્રથમ પમ્પીંગ સ્ટેશન બનાવી ૫૦૦ ક્યુસેક્સ પાણી ઉદવહન કરી અને ત્યારબાદ બીજા ત્રણ પંપીગ સ્ટેશન બનાવી અંતિમ સ્થળ ગોંદલીયા ગામ પાસે કોતરમાં નાખવાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ પણ જુઓ : ગુજરાતમાં કોરોના વેક્સિનેશન માટે ટાસ્કફોર્સની રચના કરવામાં આવી

આ પાઈપલાઈનની પથરેખામાં આવતા ૧૦૦ હયાત ચેકડેમો આ યોજનાથી ભરાશે. આ ઉપરાંત રૂ.૨૭૬.૦૪ લાખના બીજા નવા ૩ મોટા ચેકડેમો પણ બાંધવાનું આયોજન કરવામાં આવ્યું છે.
રાજ્યમાં ઉત્તર ગુજરાતના આદિજાતિ વિસ્તાર શામળાજીની સૈનિક સ્કુલ બાદ હવે દક્ષિણ ગુજરાતમાં બીજી સૈનિક શાળા ઉમરપાડા તાલુકામાં સાકાર થવા જઈ રહી છે. આદિજાતિ બહુલ વસ્તી ધરાવતાં ઉમરપાડા, માંગરોળ, માંડવી, મહુવા સહિત દક્ષિણ ગુજરાતના બાળકોના ઉજ્જવળ ભવિષ્ય તેમજ બાળપણથી શૌર્ય, શિસ્ત અને દેશદાઝના પાઠ શીખી શકીને સૈન્ય કારકિર્દી ઘડી માતૃભૂમિની સેવા કરી શકે તેવા આશયથી રાજ્ય સરકાર દ્વારા ઉમરપાડા તાલુકાના બિલવણ ગામે આશરે રૂ.૩૭.૪૨ કરોડના ખર્ચે સૈનિક શાળા નિર્માણ પામશે.

૨૦ એકરમાં સાકાર થનારી સૈનિક શાળામાં અદ્યતન સ્કુલ બિલ્ડીંગ, સ્ટુડન્ટ હોસ્ટેલ, સ્ટાફ ક્વાર્ટર્સ, ડાઈનિંગ હોલ, સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ, શૈક્ષણિક સંસાધનો, રમતગમતનું મેદાન સહિત ૭૦૦ વિદ્યાર્થીઓ રહી શકે તેવા અત્યાધુનિક ભવનનું નિર્માણ થશે. આ કાર્યક્રમમાં રાજ્યના આદિજાતિ કલ્યાણ મંત્રી શ્રી ગણપતસિંહ વસાવા, રાજ્ય મંત્રી શ્રી રમણભાઇ પાટકર તેમજ સાંસદ શ્રી પ્રભુભાઇ વસાવા અને અગ્રણીઓ પણ જોડાવાના છે.

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.