Chief Minister Vijay Rupani

Chief Minister Vijay Rupani

મુખ્યમંત્રી વિજય રૂપાણી (Chief Minister Vijay Rupani) એ પાટણ જિલ્લામાં ૨૨૩ કરોડના વિકાસકામોની ભેટ આપતા જણાવ્યું હતું કે પાણી વગર વિકાસ શક્ય નથી, ગુજરાતની વિકાસયાત્રાને અવિરત રાખવા ગુજરાતને પાણીદાર રાજ્ય બનાવવું છે. આ માટે પાણીના સ્ત્રોત ઉભા કરીને નેવાંના પાણીને મોભે ચડાવીને પણ છેવાડાના માનવી સુધી પીવાનું શુદ્ધ પાણી પહોચાડયા છે.
રાજ્યમાં પાણીની સમસ્યાને ભૂતકાળ બનાવવા માટે સરકાર દ્વારા પાણી પુરવઠા અને સિંચાઇની વ્યાપક યોજનાઓ આ સરકારે સફળતાથી પાર પાડી છે એમ પણ તેમણે ઉમેર્યુ હતું.

હર હાથ કો કામ, હર ખેત કો પાની… ના સૂત્રને સાર્થક કરવા નર્મદા, ઉકાઇ, કડાણા, પાનમ, ધરોઇ, દાંતીવાડા જેવા મોટા ડેમો થકી સિંચાઇ યોજનાઓનું કાર્યક્ષેત્ર વધારવામાં આવ્યું છે તેમજ રાજ્યમાં ૧ લાખ કિ.મી. લાંબી પાઇપલાઇન વિતરણ નેટવર્ક ઉભુ કરી રાજયના છેવાડાના અંતરિયાળ વિસ્તારોમાં શુધ્ધ પાણી આ સરકારે પહોંચાડ્યું છે, તેમ વિજય રૂપાણીએ કહ્યું હતું.

ભૂતકાળની કોંગ્રેસ સરકારના શાસનમાં નર્મદા ડેમના દરવાજા નાંખવાની મંજુરી ન મળવાને કારણે ગુજરાતની પ્રજા પાણી વિના ટળવળતી હતી તેની વેદના વ્યકત કરતાં મુખ્યમંત્રીએ ઉમેર્યુ હતું કે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતની પાણીની સમસ્યાની ચિંતા કરી અને વડાપ્રધાન થયાના ૧૭ જ દિવસમાં નર્મદા ડેમના દરવાજા નાંખવાની મંજુરી આપી, નર્મદાનું લાખો ક્યુસેક મીઠું પાણી દરીયામાં વહી જતું અટકાવ્યું છે અને વિકાસના નવા દ્વાર ખૂલી ગયા છે.

આ પણ જુઓ : હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં 8,9 અને 10 જાન્યુઆરીએ વરસાદની આગાહી

મુખ્યમંત્રી (Chief Minister Vijay Rupani) એ ઉમેર્યુ હતું કે, ગુજરાતે પાવર ગ્રિડ ઉભી કરી છે તેમજ જ્યોતિગ્રામ યોજના થકી ગામડાઓમાંથી અંધારું ઉલેચ્યું છે. ગેસની ગ્રિડ ઉભી કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય છે તેનો હર્ષ વ્યક્ત કરતાં તેમણે કહ્યું કે હવે ગુજરાતમાં વોટર ગ્રિડ નેટવર્કની આગવી દિશા અપનાવી છે.
સિધ્ધરાજ જયસિંહ અને હેમચંદ્રાચાર્ય મૂનિ સાથે આ પવિત્ર ભૂમિ જોડાયેલી છે તેવું કહી મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, સિધ્ધરાજ જયહસિંહના શાસનમાં નિર્માણ થયેલ રાણકી વાવ પાણી પુરવઠાના સુચારૂ આયોજનનું બેનમૂન દ્રષ્ટાંત છે.

ગુજરાતની સ્થાપના પછી ૪૦-૪૨ વર્ષ સુધી શાસન કરનાર કોંગ્રેસી સત્તાધિશોએ ગુજરાતની પાણીની સમસ્યા પ્રત્યે દુર્લક્ષ સેવ્યું. તે સરકારના શાસનમાં અછતગ્રસ્ત વિસ્તાર તરીકે ગુજરાત રાજય ઓળખાતું હતું તે સમયે પાણીનું સુવ્યવસ્થિત આયોજન ન હોવાથી લોકોને બે બેડા પાણી માટે વલખા મારવા પડતા હતાં તેવું પણ ઉમેર્યુ હતું.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, આપણા વડીલોને ખબર છે કે ભૂતકાળમાં જમીનના ખાડાઓમાંથી પાણી લેવું પડતું જેના કારણે તે સમયે પથરી, હાથીપગો, વાળા અને અન્ય પાણીજન્ય રોગોની માત્રા પણ વધુ હતી. પાણીના અભાવે લોકો પોતાના પશુધન સાથે હિજરત કરતા હતાં. તેવી દારૂણ સ્થિતી હતી.

આ પણ જુઓ : જામનગરમાં કાર અને રીક્ષા વચ્ચે જોરદાર ટક્કર, દંપતીનું ઘટનાસ્થળે મોત

નર્મદાની પરિક્રમા કરવી એ આપણા શાસ્ત્રોમાં પવિત્ર ગણાય છે તેવું કહી તેમણે જણાવ્યું હતું કે, આજે ગુજરાતમાં મા નર્મદાના નીર ૧૦ હજાર ગામડાઓ અને ૧૫૦ થી વધુ શહેરોમાં આ સરકારે પહોંચાડ્યા છે અને ઘરેબેઠા નર્મદા જળ મળે છે.
સર્જીકલ સ્ટ્રાઇક, રામ મંદિર અને કોરોના વેક્સીનની ટીકા કરતાં તત્વો લોકોની ભાવનાઓ સાથે ખિલવાડ કરી રહ્યા છે તેવું કહી તેમણે ઉમેર્યુ હતું કે, જ્ઞાતિ-જાતિ, ધર્મ અને અન્ય ભેદભાવો સમાજમાંથી દૂર કરવા આ સરકાર સતત કાર્યશીલ છે. સમરસ સમાજના નિર્માણ માટે ઓ.બી.સી., એસી.સી,. એસ.ટી., બિન અનામત સમાજના સર્વે વિદ્યાર્થીઓ સમરસ હોસ્ટેલના નિર્માણ થકી એક છત નીચે અભ્યાસ કરતાં થશે. અને સમાજમાં એક સમરસ ભાવના પેદા થશે.

ભૂતકાળમાં ચૂંટણી ટાળે જ ખાતમૂર્હતના નાટકો કરવામાં આવતા હતાં તેની આલોચના કરતાં મુખ્યંત્રીએ જણાવ્યું કે મત મળી જાય પછી એ યોજનાઓને ભૂલી જતા હતાં. પરંતુ આ સરકાર જે યોજનાઓનું ખાતમૂર્હત કરે છે એના લોકાર્પણ પણ કરે છે. એવું સમયબદ્ધ આયોજન આ સરકારે કર્યુ છે તેનો તેમણે ઉલ્લેખ કર્યો હતો.

આ પણ જુઓ : અમદાવાદ: લગ્નની લાલચ આપી વિધર્મી યુવકે મહિલા પર બળાત્કાર કર્યો

ગુજરાતને ૨૦૨૨ સુધીમાં ૧૦૦ ટકા નલ સે જલ યોજના અંતર્ગત સાંકળી લેવામાં આવશે તેવો દ્રઢ વિશ્વાસ વ્યક્ત કરી તેમણે ઉમેર્યુ હતું કે, દેશના વડાપ્રધાનએ પ્રાથમિક જરૂરીયાતોને પ્રાધાન્ય આપ્યું છે. ૧૦૦ ટકા શૌચાલય, વીજળી, ગેસ કનેક્શન અને પાકા મકાનોનો લાભ ગરીબોને આપ્યા છે.

છેલ્લા ૪ વર્ષમાં રાજ્યમાં જળ સંચય યોજના થકી તળાવ ઉંડા કરવા, પાણીની સંગ્રહશક્તિ વધારવા અને નદીઓને પુનઃ જીવીત કરવાના અનેક ઉમદા કાર્યો કરવામાં આવ્યા છે. દૂષિત પાણીને શુધ્ધ કરવાના સુએઝ પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યા છે. તેમજ દરીયાના ખારા પાણીને મીઠું પાણી બનાવવા માટે રાજયમાં ૫ સ્થળોએ ડીસેલીનેશન પ્લાન્ટ ઉભા કરવામાં આવી રહ્યા છે તેની વિસ્તૃત છણાવટ તેમણે કરી હતી.

પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાએ જણાવ્યું હતું કે, દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના તમામ નાગરિકોને શુધ્ધ પીવાનું પાણી મળી રહે તેની ચિંતા કરી છે અને તેમણે વર્ષ-૨૦૧૯માં જલ જીવન મિશન સમગ્ર દેશમાં અમલી બનાવ્યું છે. આ ઉમદા મિશનને વર્ષ-૨૦૨૨ સુધીમાં ગુજરાત રાજ્યમાં પૂર્ણ કરવા સંવેદનશીલ મુખ્યમંત્રીએ સુચારૂ આયોજન કર્યુ છે.

તેણે ઉમેર્યુ હતું કે, પાટણ જિલ્લામાં આજ રોજ નર્મદા મુખ્ય કેનાલ આધારીત શુધ્ધ પીવાનું પાણી પુરૂ પાડવા માટે રાધનપુર શહેર તેમજ રાધનપુર અને સાંતલપુર તાલુકાના ૧૨૭ ગામોની રૂ.૧૭૩.૭૩ કરોડની પાણી પુરવઠા યોજના તથા હારીજ શહેરમાં ૩.૦૦ એમ.એલ. ક્ષમતાના સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ માટે રૂ.૯.૧૭ કરોડ અને રાધનપુર શહેરમાં ૬.૦૦ એમ.એલ. ક્ષમતાના સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ માટે રૂ.૧૪.૯૭ કરોડ મળી કુલ રૂ.૧૯૭. ૮૭ કરોડના કામોનું ખાતમૂર્હત કરવામાં આવ્યું છે.

આ પ્રસંગે પાણી પુરવઠા વિભાગના સચિવ ધનંજય દ્વિવેદીએ મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરી જણાવ્યું હતું કે, પાટણ જિલ્લામાં કુલ-૨,૯૭,૮૫૦ ગ્રામિણ વિસ્તારના ઘરોમાંથી ૨,૯૨,૨૨૯ ઘરોને શુધ્ધ પીવાના પાણી માટે નલ સે જલ યોજના અંતર્ગત આવરી લેવામાં આવ્યા છે.
આ પ્રસંગે ઉર્જા મંત્રી સૌરભ પટેલ, શ્રમ અને રોજગાર મંત્રી દિલીપ ઠાકોર, સાંસદ ભરતસિંહ ડાભી, જી.આઇ.ડી.સી. ચેરમેન બળવંતસિંહ રાજપૂત, પૂર્વ ગૃહંમંત્રી રજની પટેલ, ભાજપા પ્રદેશ મહામંત્રી કે.સી.પટેલ, કલેકટર સુપ્રિતસિંઘ ગુલાટી, જિલ્લા વિકાસ અધિકારી ડી. કે. પારેખ, અનુસૂચિત જાતિ કલ્યાણ નિયામક એન.એ. નિનામા સહિત અધિકારીઓ અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતાં.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024