મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ (CM Vijay Rupani) રાજ્યમાં ૮ નવી ઔદ્યોગિક વસાહત, ૫ જિલ્લામાં નવા બહુમાળી શેડ અને ‘મોડલ એસ્ટેટ’ના નિર્માણની જાહેરાત કરી
મુખ્યમંત્રીએ ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ચારૂપ, પાટણ ખાતે જી.આઇ.ડી.સી.ના ૨૬૪ પ્લોટની કોમ્પ્યુટરાઇઝ ડ્રો થકી ફાળવણી કરી.
એમ.એસ.એમ.ઈ સેકટરથી જ ગુજરાત આત્મનિર્ભરતાનું લક્ષ્ય પ્રાપ્ત કરી શકશે
- મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રુપાણી.
મુખ્યમંત્રી:-
• રાજ્યના ૮ જિલામાં ૯૮૭ હેક્ટરમાં નવી ઔદ્યોગિક વસાહતો સ્થાપવામાં આવશે.
• આ નવી જી.આઇ.ડી.સી. વસાહતોથી એમ.એસ.એમ.ઇ. સેક્ટરને ૫૦૦ થી ૨૦૦૦ ચોરસ મિટરના ૨૫૭૦ પ્લોટ અને મોટા ઉદ્યોગોને ૧૦ હજારથી ૫૦ હજાર ચોરસ મિટરના ૩૩૭ પ્લોટ ઉપલબ્ધ થશે.
• નવી જી.આઇ.ડી.સી. વસાહતોથી જલોત્રા-બનાસકાંઠાનો માર્બલ કટીંગ/પોલીશીંગ ઉદ્યોગ, શેખપાટ-જામનગરનો બ્રાસ ઉદ્યોગ, મોરબીનો સિરામિક ઉદ્યોગ, કડજોદરા-ગાંધીનગરનો ફૂડ-એગ્રો ઉદ્યોગ, પાટણનો ઓટો એંસિલરી ઉદ્યોગ, નાગલપર-રાજકોટનો મેડિકલ ડિવાઇસ ઓદ્યોગ તથાઆણંદ અને મહિસાગરના ઇજનેરી ઉદ્યોગોને લાભ થશે.
• ૮ વસાહતોમાં મોરબી ખાતે આશરે ૫૦૦ હેક્ટર વિસ્તારમાં બનનાર નવિન વસાહત તમામ અદ્યતન માળખાકીય તેમજ આનુસાંગિક સુવિધાઓથી સુસજ્જ એક ‘મોડલ એસ્ટેટ’ બનશે.
• MSMEને વેગ મળે તે હેતુથી રાજ્યના પાંચ જિલ્લા વલસાડ, સુરત, ભરૂચ, વડોદરા અને અમદાવાદમાં હયાત ૯ ઔદ્યોગિક વસાહતોમાં ૩૬૦ નવા મલ્ટી સ્ટોરી શેડ્સ (બહુમાળી શેડ) બનાવવામાં આવશે.
• દહેજ, સાયખા, અંક્લેશ્વર, હાલોલ, સાણંદ૨, વાપી અને લોધિકાની હયાત વસાહતોને પણ તમામ મૂળભુત અને હાઈટેક સુવિધાઓ સાથેવિકસાવી‘મોડલ એસ્ટેટ’ બનાવવાનું આયોજન
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ભારત દેશને ફાઇવ ટ્રીલિયન ઇકોનોમી બનાવવાનું વડાપ્રધાનશ્રીનું સપનું સાકાર કરવા માટે ગુજરાતે ઔદ્યોગિક ક્ષેત્રે વિકાસ કરી લીડ લેવાની આવશ્યકતાં જણાવતાં રાજ્યના ઇન્ડસ્ટ્રીયલ સેક્ટર માટે મહત્વની જાહેરાત કરી છે.
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ચારૂપ, પાટણ ખાતે જી.આઇ.ડી.સી.ના ૨૬૪ પ્લોટની કોમ્પ્યુટરાઇઝ ડ્રો થકી ફાળવણી કરતાં કહ્યું કે, ગુજરાતમાં પ્રત્યેક જિલ્લાની આગવી પ્રોડક્ટ ડેવલપ થાય અને વન ડીસ્ટ્રીક્ટ વન પ્રોડક્ટનો સંકલ્પ સાકાર થાય તે માટે રાજ્યમાં કારખાના-ઉત્પાદન એકમોને અનુકુળ માહોલ આપી રહ્યા છીએ. મોટા પ્રમાણમાં એમ.એસ.એમ.ઈ એકમો નિર્માણ પામે અને લોકોને રોજીરોટી પ્રાપ્ત થાય તે પ્રકારનું એક ઈકોનોમિકલ સર્કલ ડેવલોપ કરવું છે તેમ તેમણે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ જાહેરાત કરતાં જણાવ્યું કે, રાજ્યના ૮ જિલામાં ૯૮૭ હેક્ટરમાં નવી ઔદ્યોગિક વસાહતો સ્થાપવામાં આવશે. આ ૮ વસાહતોમાં મોરબી ખાતે આશરે ૫૦૦ હેક્ટર વિસ્તારમાં બનનાર નવિન વસાહત તમામ અદ્યતન માળખાકીય તેમજ આનુસાંગિક સુવિધાઓથી સુસજ્જ એક ‘મોડલ એસ્ટેટ’ બનશે.
તેમણે કહ્યું કે, આ નવી જી.આઇ.ડી.સી. વસાહતોથી એમ.એસ.એમ.ઇ. સેક્ટરને ૫૦૦ થી ૨૦૦૦ ચોરસ મિટરના ૨૫૭૦ પ્લોટ અને મોટા ઉદ્યોગોને ૧૦ હજારથી ૫૦ હજાર ચોરસ મિટરના ૩૩૭ પ્લોટ ઉપલબ્ધ થશે.
તેમણે ઉમેર્યું કે, આ નવી જી.આઇ.ડી.સી. વસાહતોથી જલોત્રા-બનાસકાંઠાનો માર્બલ કટીંગ/પોલીશીંગ ઉદ્યોગ, શેખપાટ-જામનગરનો બ્રાસ ઉદ્યોગ, મોરબીનો સિરામિક ઉદ્યોગ, કડજોદરા-ગાંધીનગરનો ફૂડ-એગ્રો ઉદ્યોગ, પાટણનો ઓટો એંસિલરી ઉદ્યોગ, નાગલપર-રાજકોટનો મેડિકલ ડિવાઇસ ઓદ્યોગ તથાઆણંદ અને મહિસાગરના ઇજનેરી ઉદ્યોગો આ તમામને લાભ થશે.
મુખ્યમંત્રીશ્રીએ નવી જી.આઇ.ડી.સી. વસાહતોથી રૂ. ૧૨૨૩ કરોડનું કેપીટલ ઇન્વેસ્ટમેન્ટ અને ૨૦ હજાર નવી રોજગારી આ નવિન પ્રકલ્પો ભવિષ્યમાં પુરી પાડશે-એવો મત વ્યક્ત કર્યો હતો.
મુખ્યમંત્રીશ્રીએ બીજી મહત્વપૂર્ણ જાહેરાત કરતાં જણાવ્યું કે, સરકારે MSMEને વેગ મળે તે હેતુથી રાજ્યની હયાત ૯ ઔદ્યોગિક વસાહતોમાં મલ્ટી સ્ટોરી શેડ્સ (બહુમાળી શેડ) બનાવવાનો નિર્ણય કર્યો છે.
તેમણે કહ્યું કે, રાજ્યના પાંચ જિલ્લા વલસાડ, સુરત, ભરૂચ, વડોદરા અને અમદાવાદમાં ૩૬૦ નવા બહુમાળી શેડ નિર્માણ પામશે. જેથી લગભગ ૧૦૦ કરોડ રૂપિયાનું કેપીટલ ઇન્વેસ્ટમેન્ટ અને ૧ હજાર નવી રોજગારી શક્ય બનશે.
તેમણે વધુમાં કહ્યું કે, દહેજ, સાયખા, અંક્લેશ્વર, હાલોલ, સાણંદ૨, વાપી અને લોધિકાની હયાત વસાહતોને પણ તમામ મૂળભુત અને હાઈટેક સુવિધાઓ સાથેવિકસાવી‘મોડલ એસ્ટેટ’ બનાવવાનું આયોજન છે.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, રાજ્યની ઔદ્યોગી વસાહતો-જી.આઇ.ડી.સી.માં હવે ‘પ્લગ એન્ડ પ્લે’ના ધોરણે ઈન્ફ્રાસ્ટ્રક્ચર નિર્માણ પામી રહ્યા છે. એસ્ટેટમાં આવનાર કારખાનેદાર સીધા પોતાનો મશીન ગોઠવે અને ઉત્પાદન શરૂ કરે તે પ્રકારની અત્યાધુનિક સુવિધાઓ સાથેના શેડ સરકારે તૈયાર કર્યા છે.
તેમણે કહ્યું કે, રાજ્યની જી.આઇ.ડી.સી. એમ.એસ.એમ.ઈને મદદરૂપ બને તે આવશ્યક છે. રાજ્યનો ખરા અર્થમાં આર્થિક-ઔદ્યોગિક વિકાસ કરવા માટે સુક્ષ્મ, લઘુ અને મધ્યમ કદના ઉધોગો પર ધ્યાન કેન્દ્રિત કરવું અતિઆવશ્યક છે. આ ક્ષેત્રે મોટા ઉદ્યોગોની સાપેક્ષે ઓછું રોકાણ ભલે થતું હોય પરંતુ સૌથી વધુ માત્રામાં રોજગારી એમ.એસ.એમ.ઈ આપે છે તેમ તેમણે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ વધુંમાં કહ્યું કે, ગુજરાત રાજ્યની સ્થાપના વખતે રાજ્યમાં માત્ર ૬ હજાર એમ.એસ.એમ.ઈ યુનિટ હતા. છેલ્લા બે દાયકાની વિકાસ યાત્રા બાદ આજે રાજ્યમાં ૩૫ લાખ એમ.એસ.એમ.ઈ યુનિટ કાર્યરત છે.
તેમણે ઉમેર્યું કે, નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી બન્યા પછી તેમણે ગુજરાતના ઇન્ડસ્ટ્રીયલ ડેવલોપમેન્ટને વધુ ભાર આપી નીતિઓ ઘડી હતી. જી.આઇ.ડી.સી.માં કારખાનેદારને વધુ સુવિધા મળે અને સ્કિલ ડેવલોપમેન્ટ માટે પણ કાળજી રાખી હતી.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, એસ્ટેસ્ટમાં સ્થિત ઉદ્યોગોને રો-મટિરિયલ, સ્કિલ્ડ મેનપાવર અને લોજિસ્ટિક સપોર્ટ મળે ઉપરાંત પ્રોપર માર્કેટ પણ ઉપલબ્ધ થાય તે માટે પણ જી.આઇ.ડી.સી. દરકાર કરે છે. રાજ્ય સરકાર જી.આઇ.ડી.સી.ની કાર્યરીતિ-નીતિઓને અવારનવાર રિવ્યું કરે છે તેમ તેમણે ઉમેર્યું હતું.
તેમણે કહ્યું કે, રાજ્ય સરકાર ઝડપથી નિર્ણય લેનારી છે એટલે જ લોકોની અપેક્ષા વધી છે. જે લોકોનું સાંભળે અને જે લોકોના કામ કરે તેના પ્રત્યે જ તો લોકો અપેક્ષા રાખતા હોય છે. અમે જનતાની અપેક્ષાથી ડરનારા લોકો નથી તેમ તેમણે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ ચાઇના જેવા દેશો પાસેથી વસ્તુંની આયાત કરવી ન પડે તે માટે સેક્ટર સ્પેસિફિક ઔદ્યોગિક વસાહતો ઊભી કરવાની નેમ વ્યક્ત કરી હતી. ગુજરાત કાયમ વાયબ્રન્ટ રહે અને રાજ્યમાં પર્યાવરણના ભોગે ઉત્પાદનમાં ન થાય તેવો તેમણે મત વ્યક્ત કર્યો હતો.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે એમ.એસ.એમ.ઈ સેકટરથી જ ગુજરાત આત્મનિર્ભરતાનું લક્ષ્ય પ્રાપ્ત કરી શકશે. ગુજરાતના મોરબીનો સિરામિક ઉદ્યોગ એકમાત્ર ઇન્ડસ્ટ્રીયલ પાર્ક છે જે ચાઇનાને ઉત્પાદન ક્ષેત્રે હંફાવે છે. ગયા વર્ષે તો મોરબીએ ચાઇનાને જ સિરામિક ઉત્પાદ નિર્યાત કર્યા છે જે ગુજરાતની ઔદ્યોગિક ક્ષમતા દર્શાવે છે
મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, વિદેશી ઉદ્યોગકારો પણ ગુજરાતમાં સ્થિત થઈ રહ્યા છે. સાણંદ ખાતે મિની જાપાન નિર્માણ પામ્યું છે. આથી વિદેશી ઉદ્યોગકારો ઇઝ ઓફ બિઝનેસની સાથે હવે ઇઝ ઓફ લિવિંગની પણ અપેક્ષા રાખી રહ્યા છે. આથી જી.આઇ.ડી.સી.ના કર્મીઓ માટે સુવિધા સભર વસાહતો નિર્માણ કરવા પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ થકી કોલોની બનાવવાનું આયોજન કર્યું છે. પરપ્રાંતીય લોકો માટે રહેવા-જમવાની ઉત્તમ સુવિધાઓ ડોરમેટરી-હોસ્ટેલ નિર્માણ પામશે તેમ તેમણે ઉમેર્યું હતું.
આ પ્રસંગે આ પ્રસંગે પાટણ, આણંદ, વલસાડ, સુરત, વડોદરા, બનાસકાંઠા, મોરબી અને અમદાવાદ જિલ્લામાંથી જી.આઇ.ડી.સી.ના અધિકારીશ્રીઓ-પદાધિકારીશ્રીઓ, પાટણ જી.આઇ.ડી.સી.ના ચેરમેન શ્રી બળવંતસિંહ રાજપૂત ઓનલાઇન જોડાયા હતા. મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવ શ્રી એમ. કે. દાસ તથા જી.આઇ.ડી.સી.ના એમ.ડી. શ્રી એમ. થેન્નારસન ગાંધીનગરથી જોડાયા હતા.