ઐતિહાસિક નગરી પાટણના (Patan) ૧૨૭૫મા જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે પાટણના પ્રગતિ મેદાન ખાતે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા.

પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેસન્સ જજશ્રી ડી.એ. હિંગુ તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.કે.પારેખની વિશેષ ઉપસ્થિતિમાં પરંપરાગત લોકનૃત્યો તથા ભવ્ય લોકડાયરાની રજૂઆત કરવામાં આવી.

આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.કે.પારેખે જણાવ્યું કે, ૬૦૦ વર્ષ જૂના અમદાવાદ કરતાં પણ વધુ જૂનું આ શહેર તેની ભવ્યતાનો વારસો સાચવીને અડીખમ ઉભું છે.

અમદાવાદ શહેરની નગરરચના પણ પાટણ શહેરની ડિઝાઈન પ્રમાણે કરવામાં આવી છે, તેના પરથી શહેરના ભવ્ય ઈતિહાસનો ખ્યાલ આવે છે.

જો ઈતિહાસની ભવ્યતાનું ગૌરવ ન હોય તો તે અધોગતી તરફ દોરી જાય છે એમ જણાવી જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ ઉમેર્યું કે, માત્ર ૫૦ વર્ષ પહેલા લખાયેલા પુસ્તકોમાં ઉલ્લેખ છે કે સરસ્વતી નદીના કિનારે આવેલા મોટા ખાડા પરથી ત્યાં ભવ્ય વાવ હોવાનું અનુમાન છે.

પુરાતત્વ વિભાગ દ્વારા તેનું ઉત્ખનન અને વિકાસ બાદ આજે રાણીની વાવ વર્લ્ડ હેરિટેજ તરીકે વિશ્વના નકશા પર અંકિત થઈ પાટણ શહેરને ગૌરવ અપાવે છે.

જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ સિદ્ધરાજ જયસિંહના સમયમાં પાટણની ભવ્યતા અને સિદ્ધહેમ શબ્દાનુશાસન ગ્રંથની શોભાયાત્રા દ્વારા કળા અને સાહિત્યને અપાયેલા સન્માન સહિતની વાતો રજૂ કરી શહેરનો ઉત્તરોત્તર વિકાસ થાય તેવી શુભકામનાઓ પાઠવી હતી. સાથે જ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવા આવેલા કલાકારોનું મહાનુભાવોના હસ્તે શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.

મહા સુદ સાતમના રોજ પાટણના સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે પ્રગતિ મેદાન ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ચકરી નૃત્ય, ગરાસીયા નૃત્ય, ડાંગી નૃત્ય અને સિદ્દી ધમાલ જેવા પરંપરાગત લોકનૃત્યો રજૂ કરવામાં આવ્યા હતા. સાથે જ રેડિયો જોકી દિપાલી ગઢવી દ્વારા સાહિત્યિક રચનાઓ રજૂ કરી હતી. આ પ્રસંગે લોકડાયરાના સુપ્રસિદ્ધ ગાયિકા સુશ્રી ગીતાબેન રબારીએ લોકગીતોની રજૂઆત કરી ઉપસ્થિત નગરજનોને લોકસંગીતના તાલે ડોલાવ્યા હતા.

મહારાજા સિદ્ધરાજ જયસિંહ દ્વારા તેમના મિત્ર અણહિલ ભરવાડના નામ પરથી વસાવેલા અણહિલપુર પાટણના ૧૨૭૫મા જન્મદિવસની હર્ષોલ્લાસપૂર્ણ ઉજવણી કરવામાં આવી. ગુજરાતની રાજધાની રહી ચૂકેલા પાટણના ભવ્ય ઈતિહાસના ગૌરવગાન માટે યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અને વેસ્ટ ઝોન કલ્ચર સેન્ટર, ઉદયપુરના સહયોગથી જિલ્લા વહિવટી તંત્ર પાટણ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા.

પાટણ નગર સ્થાપના દિવસ ઉજવણી સમિતિ, અખિલ ગુજરાત રાજપુત યુવા સંઘ અને પાટણ નગરપાલિકા દ્વારા છેલ્લા સાત દિવસથી વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા હતા. જેના ભાગરૂપે સ્થાપના દિવસ નિમિત્તે શોભાયાત્રા યોજી શહેરીજનોએ પાટણની પ્રભુતાની ઝાંખી કરાવી હતી.

આ પ્રસંગે નિવાસી અધિક કલેક્ટરશ્રી ભરતભાઈ જોષી, પ્રાંત અધિકારીશ્રી સ્વપ્નિલ ખરે, જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી વિરેન્દ્રભાઈ પટેલ, પાટણ નગરપાલિકાના ચીફ ઑફિસરશ્રી પાંચાભાઈ માળી સહિતના અધિકારીશ્રીઓ, વેસ્ટ ઝોન કલ્ચર સેન્ટર, ઉદયપુરના શ્રી કનૈયાલાલ પટેલ, પાટણ નગર સ્થાપના દિવસ ઉજવણી સમિતિના કન્વીનરશ્રી યતીનભાઈ ગાંધી, અખિલ ગુજરાત રાજપુત યુવા સંઘના પ્રમુખશ્રી મહિપતસિંહ જાડેજા અને કન્વીનરશ્રી મદારસિંહ ગોહીલ ઉપરાંત મોટી સંખ્યામાં પાટણ શહેરના નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024