તા. ૫ અને ૬ માર્ચે પાટણ તથા સિદ્ધપુર ખાતે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે
પાટણ શહેરના ૧૨૭૫મા સ્થાપના (patan sthapna diwas) દિને તા.૫ માર્ચના રોજ જિલ્લા વહીવટી તંત્ર, રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓના વિભાગ તથા વેસ્ટઝોન કલ્ચર સેન્ટર, ઉદેપુર દ્વારા પાટણ ખાતે ભવ્ય લોકડાયરા અને લોકનૃત્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાતની સુપ્રસિદ્ધ લોકગાયિકા ગીતાબેન રબારી, આરજે દિપાલી ગઢવી તથા સુવિખ્યાત નૃત્યકારો ઉપસ્થિત રહી વિવિધ કાર્યક્રમો પ્રસ્તુત કરશે.
તા.૫ માર્ચે પાટણના પ્રગતિ મેદાનમાં રાત્રે ૮ કલાકથી લોકગાયિકા ગીતાબેન રબારી અને આરજે દિપાલી ગઢવી મનોરંજક કાર્યક્રમ પ્રસ્તુત કરશે. એમની સાથે સિદ્દી ધમાલ, ચકરી ડાન્સ, ગરાસીયા ડાન્સ અને ડાંગી લોકનૃત્ય કલાકારો પણ પરંપરાગત લોકનૃત્યો રજૂ કરશે.
આ કાર્યક્રમમાં કલાકારોને પ્રોત્સાહિત કરવા માટે પાટણ જિલ્લા કલેકટરશ્રી સુપ્રીતસિંઘ ગુલાટી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.કે.પારેખ, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી અક્ષયરાજ મકવાણા, મદદનીશ કલેકટરશ્રી સ્વપ્નિલ ખરે તથા નિવાસી અધિક કલેકટરશ્રી ભરતભાઈ જોશીની પ્રેરક ઉપસ્થિતિ રહેશે.
પાટણ સ્થાપના દિન ઉજવણીના બીજા દિવસે તા.૬ માર્ચના રોજ ગોકુલ ગ્લોબલ યુનિવર્સીટી, સિદ્ધપુર ખાતે જી.આઈ.ડી.સી.ના ચેરમેનશ્રી બળવંતસિંહ રાજપૂત અને સિદ્ધપુર પ્રાંત અધિકારી ડૉ.સુપ્રિયા ગાંગુલીની હાજરીમાં સિદ્દી ધમાલ, શ્રી રૂપસિંહ ગઝર એન્ડ ગૃપ દ્વારા ચકરી ડાન્સ, ગરાસીયા ડાન્સ અને ડાંગી નૃત્યની પ્રસ્તુતિ કરવામાં આવશે.
આ બંને કાર્યક્રમમાં સહભાગી થવા કલારસિક નાગરિકોને જિલ્લા વહીવટીતંત્ર તથા અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ દ્વારા પ્રવર્તમાન કોરોના મહામારીથી રક્ષણ થાય એ રીતે માસ્ક લગાવી અને સોશિયલ ડિસ્ટન્સ સાથે બેઠક વ્યવસ્થા જાળવી કાર્યક્રમમાં સહભાગી થવા માટે નિમંત્રણ આપવામાં આવ્યું છે.