જિલ્લા કલેક્ટર સુપ્રીત સિંઘ ગુલાટીએ કોરોના પ્રતિરોધક રસી (corona vaccine) લેવા ફ્રન્ટ લાઈન વોરિયર્સને પ્રોત્સાહિત કર્યા

જિલ્લા કલેક્ટર ઉપરાંત જિલ્લા વિકાસ અધિકારી અને પોલીસ અધિક્ષક સહિતના ઉચ્ચ અધિકારીઓ રસીનો પ્રથમ ડોઝ લઈ રસીકરણ અભિયાનનો હિસ્સો બન્યા

વેક્સિનેશનના બીજા તબક્કામાં જિલ્લાના ૦૬ હજાર જેટલા ફ્રન્ટ લાઈન વોરિયર્સને અપાશે રસી

હેલ્થ કેર પ્રોવાઈડર્સને રસીકરણ બાદ કોરોના પ્રતિરોધક વેક્સિનેશન પ્રોગ્રામના બીજા તબક્કાનો આરંભ થઈ ચુક્યો છે. જેમાં પોલીસ અધિક્ષકશ્રીની કચેરી ખાતે જિલ્લા કલેક્ટરશ્રી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી સહિતના ઉચ્ચ અધિકારીશ્રીઓએ રસીનો પ્રથમ ડોઝ લઈ ફ્રન્ટ લાઈન વોરિયર્સનો ઉત્સાહ વધાર્યો હતો

કોરોના પ્રતિરોધક વેક્સિન લીધા બાદ જિલ્લા કલેક્ટરશ્રી સુપ્રીત સિંઘ ગુલાટીએ ( Supreet Singh Gulati ) જણાવ્યું કે, છેલ્લા નવ દિવસથી ચાલી રહેલા વેક્સિનેશન પ્રોગ્રામ અંતર્ગત જિલ્લામાં ૦૩ સેન્ટર પરથી સરકારી અને ખાનગી ક્ષેત્રના ૪,૬૦૦ જેટલા હેલ્થ કેર પ્રોવાઈડર્સને રસી આપવામાં આવી છે.

આજથી શરૂ કરવામાં આવેલા બીજા તબક્કાના રસીકરણ કાર્યક્રમ અંતર્ગત જિલ્લાના ૬,૦૦૦ જેટલા ફ્રન્ટ લાઈન વર્કર્સનો રસીકરણ કાર્યક્રમ આગામી પાંચ-છ દિવસમાં પૂર્ણ કરી દેવામાં આવશે.

જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.કે.પારેખે (D.K. Parekh) જણાવ્યું કે, રસી લેવામાં ગભરાવવાની કે રસી અંગે કોઈ શંકા રાખવાની જરૂર નથી. મેં આજે વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો, મને કોઈ તકલીફ નથી થઈ તે અત્યારે સ્વઅનુભવના આધારે કહી શકું છું. માટે ભારત સરકારશ્રીના આ વેક્સિનેશન કાર્યક્રમ અંતર્ગત રસી લેવા સૌ ફ્રન્ટ લાઈન વોરિયર્સને અપીલ છે.

રસી વિષે ફેલાયેલી અફવાઓ અંગે વાત કરતાં પોલીસ અધિક્ષકશ્રી અક્ષય રાજે (Akshayraj Makwana) જણાવ્યું કે, રસી અંગેની અફવાઓનો પ્રત્યુત્તર આપવાને બદલે રસી લઈ તેનું ઉદાહરણ પુરૂં પાડવામાં આવે તો આપોઆપ તેનું ખંડન થશે. માટે આજે અમે સ્વયમ રસીનો પ્રથમ ડોઝ લીધો છે જે સંપૂર્ણ સુરક્ષિત અને સલામત છે. આગામી સમયમાં જિલ્લામાં દસ સેન્ટર્સ પરથી પોલીસ, હોમગાર્ડ અને ટી.આર.બી.ના ૩,૬૦૦ જેટલા જવાનોને તબક્કાવાર રસી આપવામાં આવશે.

પોલીસ અધિક્ષકશ્રીની કચેરી ખાતે તૈયાર કરવામાં આવેલા વેક્સિનેશન સેન્ટર પર જિલ્લા કલેક્ટરશ્રી સુપ્રીત સિંઘ ગુલાટીએ સૌપ્રથમ રસી લઈ ફ્રન્ટ લાઈન વોરિયર્સને રસી લેવા માટે પ્રોત્સાહન પુરૂં પાડ્યું. આ ઉપરાંત જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.કે.પારેખ, પોલીસ અધિક્ષકશ્રી અક્ષય રાજ, મદદનીશ કલેક્ટરશ્રી સ્વપ્નિલ ખરે, નાયબ પોલીસ અધિક્ષકશ્રી સી.એલ.સોલંકી સહિતના ઉચ્ચ અધિકારીશ્રીઓએ રસીનો પ્રથમ ડોઝ લીધો હતો. સાથે જ પોલીસ જવાનોને પણ પ્રથમ દિવસે રસીકરણ કરવામાં આવ્યું.

કોવિડ વેક્સિનેશનના બીજા તબક્કામાં પોલીસ વિભાગ, મહેસુલ વિભાગ, પંચાયત વિભાગ અને નગરપાલિકામાં ફરજ બજાવતાં ૦૬ હજાર જેટલા ફ્રન્ટ લાઈન વોરિયર્સને રસીનો પ્રથમ ડોઝ આપવાની શરૂઆત કરી દેવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024