જિલ્લા કલેક્ટરશ્રી સુપ્રીત સિંઘ ગુલાટીના હસ્તે બાળકોને રસી પીવડાવી પોલીયો રસીકરણ અભિયાનનો (Polio vaccination campaign) શુભારંભ કરાયો
પલ્સ પોલીયો કાર્યક્રમ અંતર્ગત જન્મથી પાંચ વર્ષ સુધીના જિલ્લાના ૧.૮૦ લાખ બાળકોના રસીકરણ માટે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા માઈક્રો પ્લાનિંગ
પાટણ ખાતે જિલ્લા કલેક્ટરશ્રી સુપ્રીત સિંઘ ગુલાટીના હસ્તે બાળકોને રસી પીવડાવી પોલીયો રસીકરણ અભિયાનનો શુભારંભ કરાવવામાં આવ્યો. જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.કે.પારેખની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં જિલ્લા આરોગ્ય વિભાગે ૧૦૦ ટકા રસીકરણનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
પલ્સ પોલીયો કાર્યક્રમ અંતર્ગત તા.૩૧ જાન્યુઆરીના રોજ નેશનલ ઈમ્યુનાઈઝેશન ડેની ઉજવણી અંતર્ગત પોલીયો રસીકરણ અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો. પાટણ શહેરના કાળકા રોડ પર આવેલા આંગણવાડી કેન્દ્ર ખાતે જિલ્લા કલેક્ટરશ્રી સુપ્રીત સિંઘ ગુલાટી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.કે.પારેખ તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ.એસ.એ.આર્ય દ્વારા ભુલકાઓને રસી પીવડાવવામાં આવી.
આ પ્રસંગે જિલ્લા કલેક્ટરશ્રીએ જણાવ્યું કે, છેલ્લા દસ વર્ષથી ભારતમાં પોલીયોનો એક પણ કેસ નોંધાયો નથી. પરંતુ પાડોશી દેશો સહિત દુનિયાના અન્ય દેશોમાં જ્યાં સુધી પોલીયો નાબૂદ ન થાય ત્યાં સુધી આપણે પ્રતિવર્ષ પોલીયો રસીકરણ અભિયાન હેઠળ નાના બાળકોને પોલીયોની રસી પીવડાવવી જોઈએ. પોલીયો નાબૂદીની જેમ જિલ્લામાંથી કુપોષણ નાબૂદ થાય તે માટેના પ્રયત્નો કરવા જિલ્લા કલેક્ટરશ્રીએ અનુરોધ કર્યો હતો.
અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ.એ.એસ.સાલ્વીએ જણાવ્યું કે, જિલ્લાના વિવિધ વિસ્તારમાં રહેતા પરપ્રાંતિયો અને અંતરિયાળ વિસ્તારોના તમામ બાળકોનું ગતવર્ષે ૧૦૦ ટકા રસીકરણ કરવામાં આવ્યું હતું. આ વર્ષે પણ તે મુજબનું માઈક્રો પ્લાનિંગ કરી એક પણ બાળક રસીથી વંચિત ન રહી જાય તેની આરોગ્ય વિભાગ દ્વારા ખાસ કાળજી લેવામાં આવી રહી છે.
જિલ્લામાં ૮૯૭ બૂથ પર રસીકરણ ઉપરાંત તા.૦૧ અને ૦૨ ફેબ્રુઆરીના રોજ આરોગ્યકર્મીઓ દ્વારા ડોર ટુ ડોર જઈ જિલ્લાના જન્મથી પાંચ વર્ષ સુધીના ૧,૮૦,૭૪૨ બાળકોને પોલીયોની રસી પીવડાવવામાં આવશે. ઉપરાંત ૫૯ ટ્રાન્ઝીટ પોઈન્ટ અને ૨૦૮ જગ્યાઓએ મોબાઈલ ટીમ દ્વારા પોલીયો રસીકરણ અભિયાન ચલાવવામાં આવશે.
ગત વર્ષે ૧૦૦ ટકા પોલીયો રસીકરણ બદલ અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ.એ.એસ.સાલ્વી તથા તાલુકા આરોગ્ય અધિકારીશ્રી ડૉ.ગૌરાંગ પરમારને સ્વૈચ્છીક સંસ્થા દ્વારા જિલ્લા કલેક્ટરશ્રીના હસ્તે પ્રશસ્તિપત્ર અર્પણ કરવામાં આવ્યું. સાથે જ સંસ્થા દ્વારા રસી લેનાર બાળકોને સોફ્ટ ટૉય્ઝ તથા સ્વેટરનું વિતરણ પણ કરવામાં આવ્યું.
આ પ્રસંગે મુખ્ય જિલ્લા તબીબી અધિકારીશ્રી ડૉ.અરવિંદ પરમાર, આઈ.સી.ડી.એસ.ના પ્રોગ્રામ ઑફિસર સુશ્રી રમીલાબેન ચૌધરી અને આંગણવાડી કાર્યકરો ઉપરાંત આરોગ્ય વિભાગના કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. પોલીયો રસીકરણ કાર્યક્રમમાં જન્મથી પાંચ વર્ષના તમામ બાળકોને રસી અપાવવા આરોગ્ય વિભાગ દ્વારા વાલીઓને અપીલ કરવામાં આવી છે.