Chanasma
ચાણસ્મા (Chanasma) તાલુકાના રૂપપુર ખાતે શ્રમ અને રોજગાર, ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને યાત્રાધામ વિકાસ વિભાગના મંત્રીશ્રી દિલીપકુમાર ઠાકોરની અધ્યક્ષતામાં સાત પગલા ખેડૂત કલ્યાણના અંતર્ગત ત્રિવિધ યોજનાઓનો લોકાર્પણ કાર્યક્રમ સંપન્ન થયો. જેમાં મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા વિડિયો કોન્ફરન્સના માધ્યમથી યોજનાઓના લોકાર્પણ બાદ ખેડૂત લાભાર્થીઓને યોજનાના પૂર્વ મંજૂરીના હુકમોનું મહાનુભાવોના હસ્તે વિતરણ કરવામાં આવ્યું.
સાત પગલા ખેડૂત કલ્યાણના કાર્યક્રમ અંતર્ગત તા.૧૦ સપ્ટેમ્બર અને ૧૭ સપ્ટેમ્બર બાદ ત્રીજા તબક્કામાં ખેડૂતો વૈજ્ઞાનિક ઢબે ખેતી કરી શકે તે માટે સ્માર્ટ હેન્ડ ટુલ્સ કિટ પર સબસિડી, ખેતરમાં પશુઓ દ્વારા થતા નુકશાનને રોકવા કાંટાળી વાડ બનાવવા માટે સહાય તથા ફળ, ફૂલ અને શાકભાજીનું વેચાણ કરતાં નાના વેચાણકારોને વિનામુલ્યે છત્રી આપવાની યોજનાઓનું ગાંધીનગર ખાતેથી મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા વિડિયો કોન્ફરન્સના માધ્યમથી લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સાથે જ ખેડૂતોને રાજ્ય સરકારની કૃષિલક્ષી યોજનાઓ અંગે ઉદ્બોધન કરી ખેડૂત કલ્યાણ અંગે નિર્ધાર વ્યક્ત કર્યો હતો.
પ્રાસંગીક ઉદ્બોધન કરતાં કેબિનેટ મંત્રીશ્રી દિલીપકુમાર ઠાકોરે જણાવ્યું કે, વર્ષ ૨૦૨૨ સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના સંકલ્પને સાકાર કરવા રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા ખેડૂત કલ્યાણ માટે વિવિધ સાત યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે. ખેડૂત કલ્યાણના આ સાત પગલાંરૂપી યોજનાઓ રાજ્યના ખેડૂતોની સમૃદ્ધિના સાત સોપાન બની રહેશે. રાજ્યના ખેડૂતોને વિજળી, સિંચાઈ માટેનું પાણી અને વિવિધ યોજનાકીય લાભો દ્વારા સંપન્ન કરવા રાજ્ય સરકાર કૃતનિશ્ચયી છે.
વધુમાં મંત્રીશ્રીએ જણાવ્યું કે, તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને હાલના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૦૧માં ગુજરાતનું સુકાન સંભાળ્યું ત્યારથી ખેડૂતોને ખેતી ઉપરાંત ઘર વપરાશ માટે વિજળી, નર્મદા યોજના ઉપરાંત જળસંચયના વિવિધ પ્રકલ્પો દ્વારા સિંચાઈનું પાણી પુરૂં પાડી શરૂ કરેલી વિકાસયાત્રામાં રાજ્ય સરકાર દ્વારા મોટા ખેડૂતોની સાથે નાના અને સિમાંત ખેડૂતોને પણ ધ્યાનમાં લઈ કિસાન કલ્યાણલક્ષી અનેક યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે.
આ પણ જુઓ : રાધનપુર ખાતે GIDCના ચેરમેનશ્રી ના અધ્યક્ષસ્થાને સાત પગલા ખેડૂત કલ્યાણના કાર્યક્રમ યોજાયો
વર્ષ ૧૯૯૫-૯૬માં ગુજરાતનું કુલ કૃષિ ઉત્પાદન રૂ. ૧૩,૪૯૧ કરોડનું હતું જે આજે વધીને ૧ લાખ ૭૦ હજાર કરોડ ઉપર પહોંચ્યું છે. તેમજ ચાલુ વર્ષે ખરીફ ઋતુમાં રાજયના ૨૦ જિલ્લાઓના ૧૨૩ તાલુકાઓમાં રૂા.૩૭૦૦ કરોડનું સહાય પેકેજ રાજયના ખેડૂતોને મદદરૂપ થવા જાહેર કરવામાં આવ્યું છે. જે પૈકી પાટણ જિલ્લાના છ તાલુકાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે તેમ જણાવી કેબિનેટ મંત્રીશ્રીએ કૃષિ વિભાગની પાક નુકશાની સરવે અને ટેકાના ભાવે ખરીદી સહિતની કામગીરી માટે અભિનંદન આપ્યા હતા. સાથે જ મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજના, કિસાન પરિવહન યોજના, સંપૂર્ણ દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી જેવી યોજનાઓ વિષે ખેડૂતમિત્રોને જાણકારી આપી હતી.
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.કે.પારેખે મનરેગા યોજના હેઠળ સરકારશ્રી દ્વારા અનુસુચિત જાતિ, અનુસુચિત જનજાતિ, મહિલા તથા નાના અને સિમાંત ખેડૂતોને હોલિયાં અને બંધ-પાળા જેવી કૃષિલક્ષી પ્રવૃત્તિઓ માટે આપવામાં આવતી સહાયનો મોટા પ્રમાણમાં લાભ લઈ જિલ્લામાં કૃષિનો વિકાસ કરવા અપીલ કરી હતી.
આ પણ જુઓ : WHO એ આપી ચેતવણી, ફરી ઝડપથી વધી રહ્યું છે સંક્રમણ
કાર્યક્રમમાં જિલ્લાના વિવિધ તાલુકાઓમાંથી આવેલા ખેડૂતોને સ્માર્ટ હેન્ડ ટુલ્સ કિટ તથા ફળ, ફૂલ અને શાકભાજીનું વેચાણ કરતાં નાના વેચાણકારોને વિનામુલ્યે છત્રી યોજનાના પૂર્વ મંજૂરીના હુકમોનું કેબિનેટ મંત્રીશ્રી દિલીપકુમાર ઠાકોર સહિતના મહાનુભાવોના હસ્તે વિતરણ કરવામાં આવ્યું. હાલ જિલ્લાના ૧૧૪ ખેડૂત લાભાર્થીઓની સ્માર્ટ હેન્ડ ટુલ્સ કિટ માટેની અરજીઓ તથા વિનામુલ્યે છત્રી માટેની ૬૯૦ લાભાર્થીઓની અરજીના પૂર્વ મંજૂરીના હુકમ કરવામાં આવ્યા છે.
આ પ્રસંગે જિલ્લા સંગઠનના હોદ્દેદારશ્રીઓ, પદાધિકારીશ્રીઓ, રૂપપુર ગામના સરપંચશ્રી, જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી શૈલેષભાઈ પટેલ, ખેતીવાડી વિભાગ, બાગાયત વિભાગ તથા આત્મા પ્રોજેક્ટના અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ તથા ખેડૂતમિત્રો ઉપસ્થિત રહ્યા હતા.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.