રક્ષામંત્રી રાજનાથસિંહે દેશના પહેલા સીડીએસ જનરલ બિપિન રાવતના હેલિકોપ્ટર ક્રેશ અંગે સંસદમાં નિવેદન આપ્યું. તેમણે આ ઘટના વિશે સમગ્ર જાણકારી આપતા તમામ મૃતકોના પરિજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી.
રાજનાથ સિંહે શું નિવેદન આપ્યું?
આ અકસ્માત અંગે રક્ષામંત્રી રાજનાથ સિંહે આજે સંસદના નીચલા ગૃહ લોકસભામાં નિવેદન આપ્યું. રક્ષામંત્રી રાજનાથ સિંહે કહ્યું કે બુધવારે 12.08 વાગે હેલિકોપ્ટર સાથે સંપર્ક તૂટી ગયો, જેમાં સીડીએસ બિપિન રાવત અને તેમના પત્ની સહિત 14 લોકો સવાર હતા. તેમણે કહ્યું કે Mi 17 હેલિકોપ્ટરે સવારે 11.48 વાગે સુલુરથી ઉડાણ ભરી. તે 12.15 વાગે વેલિંગ્ટન લેન્ડ કરવાનું હતું. પરંતુ 12.08 મિનિટે એર ટ્રાફિક કંટ્રોલ સાથે સંપર્ક તૂટી ગયો. આ દરમિયાન લોકોએ અવાજ સાંભળ્યો તો તેઓ ઘટનાસ્થળે પહોંચ્યા અને તરત જ રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કર્યું. મળેલી માહિતી મુજબ હેલિકોપ્ટરમાં સવાર 14 લોકોમાંથી 13ના મૃત્યુ થયા. જેમાં સીડીએસ બિપિન રાવત અને તેમના પત્ની મધુલિકા રાવત પણ સામેલ હતા.
શું બિપિન રાવતનું હેલિકોપ્ટર ષડયંત્રનો ભોગ બન્યું?
જનરલ બિપિન રાવતના હેલિકોપ્ટર અકસ્માતમાં કોઈ પણ પ્રકારનું ષડયંત્ર હોવાનો જ્યારે રાજનાથ સિંહને સવાલ પૂછાયો તો તેમણે કહ્યું કે આ મામલે તપાસ થઈ રહી છે અને તપાસ પૂરી થયા બાદ જ કોઈ પણ પ્રકારના પરિણામ પર પહોંચી શકાય. અત્રે જણાવવાનું કે તેમણે આજે સંસદમાં પોતાના નિવેદનમાં કહ્યું છે કે ભારતીય વાયુસેનાએ સૈન્ય હેલિકોપ્ટર દુર્ઘટનાની ત્રણ સ્તરીય તપાસ (Tri-service Inquiry)ના આદેશ આપ્યા છે. તપાસનું નેતૃત્વ એર માર્શલ માનવેન્દ્ર સિંહ કરશે. કાલે જ તપાસ ટીમ વેલિંગ્ટન પહોંચી ગઈ છે અને તપાસ શરૂ કરી દીધી છે. આજ સાંજ સુધીમાં સીડીએસ સહિત તમામ લોકોના પાર્થિવ દેહ દિલ્હી લાવવામાં આવશે અને પૂરેપૂરા સન્માન સાથે તેમના અંતિમ સંસ્કાર કરાશે.
ગ્રુપ કેપ્ટન વરુણ સિંહ લાઈફ સપોર્ટ સિસ્ટમ પર
રક્ષામંત્રી રાજનાથ સિંહે જણાવ્યું કે હેલિકોપ્ટર અકસ્માતમાં ઘાયલ થયેલા ગ્રુપ કેપ્ટન વરુણ સિંહની સારવાર વેલિંગ્ટનની મિલેટ્રી હોસ્પિટલમાં ચાલુ છે. તેમને લાઈફ સપોર્ટ સિસ્ટમ પર રાખવામાં આવ્યા છે. હાલ તેમની હાલત સ્થિર છે.