રાજ્યનાં મહાનગરોમાં પાણીપુરીવાળા પર તવાઈ આવી છે અને દરોડાની કામગીરી શરૂ કરવામાં આવી છે ત્યારે ગુજરાત સરકારે સ્પષ્ટતા કરી છે કે, રાજ્યમાં પાણીપુરી પર પ્રતિબંધ મૂકવાની સરકારની કોઈ યોજના નથી. રાજ્ય સરકાર વતી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ સ્પષ્ટતા કરી છે.
પટેલે કહ્યું છે કે, રાજ્યમાં ખાણીપીણીની લારીઓ ચલાવીને હજારો લોકો કમાય છે અને સેંકડો ગરીબો આ નાસ્તા પાણીથી પેટ ભરતા હોય ત્યારે તેના પર પ્રતિબંધ મૂકી શકાય નહીં. સ્વાસ્થ્યના કારણોસર અને રોગચાળો ફાટી ન નીકળે તે માટે હેલ્થ વિભાગ અને મહાપાલિકા તંત્ર દરોડા પાડે તેનો અર્થ પ્રતિબંધ મૂકવો એવો થતો નથી.
નીતિનભાઈ પટેલે જણાવ્યું કે, દરેક કોર્પોરેશનને દરોડા પાડવાની છૂટ છે અને પગલાં પણ કોર્પોરેશન ભરી શકે છે પણ સમગ્ર રાજ્યમાં પાણીપૂરી પર પ્રતિબંધ ન મૂકી શકાય. આ રોજગાર સાથે ઘણા લોકો જોડાયેલા છે. પાણીપૂરી સંચાલકોએ પણ સ્વચ્છતા જાળવવી જોઈએ કે જેથી લોકોના આરોગ્ય સાથે ચેડાં ન થાય.
નીતિન પટેલના આ નિવેદનને પગલે રાજ્યમાં પાણીપૂરી પર પ્રતિબંધ લાગશે તેવી અટકળોનો અંત આવ્યો છે. છેલ્લા ત્રણ દિવસથી અમદાવાદ, વડોદરા અને જામનગર સહિતના મહાનગરોમાં પકોડીના ધંધાર્થીઓ પર તવાઈ છે અને વ્યાપક દરોડા પડ્યા છે. આ દરોડાના કારણે રાજ્યભરમાં પકોડી પર પ્રતિબંધ મૂકવાની ચર્ચા છે
નીતિન પટેલે કહ્યું કે, કેટલીક સિઝન, રોગચાળાને લઈને ધંધા પર ચકાસણી કરવી પડે. સ્વચ્છ જગ્યા હોય તો કોઈ તકલીફ નથી પણ અસ્વચ્છ સ્થળો પર જે નાસ્તા બને છે તેના પર નિયંત્રણ જરૂરી છે અને રોગચાળો ન ફેલાય તેવી કાળજી લઈ કાર્યવાહી કરવામાં આવી રહી છે.