Patan

પાટણમાં ‘વિશ્વાસ થી વિકાસયાત્રા’ ઝૂંબેશ અંતર્ગત પ્રભારીમંત્રી જગદીશભાઈ વિશ્વકર્માના હસ્તે 89.86 કરોડના 74 કામોનું થયું લોકાર્પણ/ખાતમુહૂર્ત…

નવજીવન ચાર માર્ગીય ફ્લાયઓવરબ્રિજ શહેરીજનો માટે ખુલ્લો મુકતા પ્રભારીમંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા…

પાટણવાસીઓ માટે દિવાળી નિમિતે મોટી ભેટ મળી છે. શહેરના ડીસા-ચાણસ્મા હાઈવે રોડ પર રિલાયન્સ પેટ્રોલ પંપથી નવા ગંજ તરફ જવાના માર્ગ પર બનાવવામાં આવેલ જે નવજીવન ઓવરબ્રિજના લોકાર્પણની શહેરીજનો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તેનું આજ રોજ રાજ્યના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ઈ-લોકાર્પણ કરવામાં આવ્યુ, ત્યારબાદ રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માના હસ્તે આ બ્રિજ ખુલ્લો મુકવામાં આવ્યો છે. 27 કરોડના ખર્ચે તૈયાર થયેલ ચાર માર્ગીય બ્રિજનું આજે લોકાર્પણ થવાથી પાટણવાસીઓને ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ મળી જશે. આ બ્રિજ 700 મીટર લાંબો અને 15 મીટર પહોળો બનાવવામાં આવ્યો છે.

આજે પાટણના એ.પી.એમ.સી હોલ ખાતે પ્રભારી મંત્રી જગદીશભાઈ વિશ્વકર્માના હસ્તે વિશ્વાસ થી વિકાસયાત્રા અંતર્ગત 89.86 કરોડના 74 કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા નવજીવન ચાર માર્ગીય ફ્લાયઓવરબ્રિજનું ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું. ત્યારબાદ રાજ્યમંત્રીના હસ્તે નવજીવન ચાર માર્ગીય ફ્લાયઓવરબ્રિજ શહેરીજનો માટે ખુલ્લો મુકવામાં આવ્યો.

પાટણ જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ અંતર્ગત 182.80 કરોડના ખર્ચે કુલ 83 નવીન રસ્તાના કામો મુજૂર કરવામાં આવ્યા છે. વિવિધ તાલુકામાં મંજુર થયેલ નવિન રસ્તાઓના કામો પૈકી કુલ રૂ,26.80 કરોડના 18 કામોનું ખાતમુહૂર્ત તેમજ ગત વર્ષના રૂ.20.01 કરોડના 17 કામોનું લોકાર્પણ આજ રોજ કરવામાં આવ્યું. આ રસ્તાઓના કામોનું નવીનીકરણ તેમજ મજબૂતીકરણ કરવાથી ગ્રામજનો મુખ્ય તાલુકા તેમજ જિલ્લા મથકે આવવા-જવામાં, ખેડૂતોને તેમના ખેતપેદાશો એ.પી.એમ.સી સુધી લઈ જવામાં, બાળકોને શાળાએ આવવા-જવામાં તેમજ ગામમાં વસવાટ કરતા ગ્રામજનો સુધી સ્વાસ્થ્ય સુવિધા પહોચાડવામાં સરળતા રહેશે. જેથી પાટણ જિલ્લાના લોકોની સુખાકારીમાં વધારો થશે.

ગુજરાત આજે દેશનું ગ્રોથ એન્જીન બન્યુ છે. આજે દરેક ક્ષેત્રમાં ગુજરાત વિકાસ કરી રહ્યુ છે. રોડ-રસ્તા, પાણી, વિજળી, સ્વાસ્થ્ય, કૃષિ ક્ષેત્ર કે ઔધોગિક ક્ષેત્ર આજે ગુજરાત વિકાસના પંથે આગળ વધી રહ્યુ છે. રાજ્યના છેવાડાના માનવી સુધી તમામ પાયાની જરૂરિયાતો પહોંચી રહે તે માટે સરકાર કટ્ટીબદ્ધ છે તેથી જ આ તમામ વિકાસને લોકો સુધી પહોંચાડવા માટે રાજ્ય સરકાર દ્વારા વિશ્વાસ થી વિકાસયાત્રાની ઝૂંબેશ ચલાવવામાં આવી રહી છે. આ ઝૂંબેશ અંતર્ગત આજરોજ પાટણના એ.પી.એમ.સી ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેના અધ્યક્ષ સ્થાને માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વર્ચ્યુઅલી ઉપસ્થિત રહ્યા હતા. માર્ગ અને મકાન વિભાગના રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માની પ્રેરક ઉપસ્થિતી વચ્ચે આજરોજ અનેક વિકાસલક્ષી કાર્યોનું લોકાર્પણ અને ખાતમૂહુર્ત કરવામાં આવ્યુ.

વિશ્વાસ થી વિકાસાત્રા કાર્યક્રમને વર્ચ્યુઅલી સંબોધન કરતા માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે લોકોનો આભાર વ્યક્ત કરતા જણાવ્યુ હતુ કે, આજે દેશમાં અનેક વિકાસલક્ષી કાર્યો થઈ રહ્યા છે, અનેક વિદેશી નેતાઓ રાજ્યના પ્રવાસે આવી રહ્યા છે અને ભારત દેશ પાસેથી પ્રેરણા લઈ રહ્યા છે, આ બધુ શક્યા બન્યુ છે માત્ર અને માત્ર આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના કારણે. તેમની દીર્ઘદ્રષ્ટીથી આજે ગુજરાત રાજ્ય વિકાસનો પર્યાય બની રહ્યુ છે. તેઓએ આપેલો મંત્ર, સૌનો સાથ,સૌનો વિકાસ ને સાથે લઈને હું અને મારી ટીમ કાર્ય કરી રહ્યા છીએ અને આગળ પણ સૌને સાથે રાખીને વિકાસના અનેક કાર્યોને લોકો સુધી પહોંચાડીશુ. આ 20 વર્ષ છે વિકાસના, આ 20 વર્ષ છે વિશ્વાસના અને આ જ વિશ્વાસને સાથે રાખીને આજે અનેક કાર્યોનું ઈ-લોકાર્પણ કર્યુ છે તેથી રાજ્યવાસીઓને અભિનંદન પાઠવું છુ. સંબોધનના અંતે મુખ્યમંત્રીએ રાજ્યના નાગરિકોને દિવાળીની શુભેચ્છા પાઠવી હતી.

વિશ્વાસ થી વિકાસયાત્રા કાર્યક્રમને સંબોધન કરતા માનનીય પ્રભારીમંત્રી જગદીશ વિશ્વકર્માએ ખુબ જ નિખાલસતા પૂર્વક લોકોની વચ્ચે જઈને લોકો સાથે વાતચીત કરી હતી. ભાષણ ન આપતા તેઓએ લોકોની પાસે જઈને શહેરમાં થઈ રહેલ વિકાસ અંગે મંતવ્યો મેળવ્યા હતા. મંત્રીએ જણાવ્યુ કે, આજે લોકોનો વિચાર કરવા વાળુ, લોકોની આંખના આંસુ લુછવા વાળુ કોઈ છે તો તે ફક્ત આપણા લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી છે. વડાપ્રધાનએ અનેક યોજનાઓ અમલમાં મુકીને તેનો સીધો લાભ લોકો સુધી પહોંચાડ્યો છે. આજે પાટણની રાણકી વાવ, પટોળા, સહસ્ત્રલીંગ તળાવ પ્રખ્યાત છે જ પણ સાથે સાથે હવે પાટણ ગુજરાત પ્રથમ રિજીયોનલ સાયન્સ સેન્ટરના કારણે ઓળખાય છે. આજે વાઘબારસ નિમિતે આપ સૌને 89.86 કરોડની ભેટ મળી છે, અને આપ સૌ જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તેઓ નવજીવન ફ્લાયઓવરબ્રિજ આજે શહેરીજનોને ભેટ સ્વરૂપે મળ્યો છે તે બદલ હુ સૌ પાટણવાસીઓને અભિનંદન પાઠવું છુ.

આજ રોજ જિલ્લા કક્ષાના વિશ્વાસ થી વિકાસ યાત્રા કાર્યક્રમમાં પ્રભારીમંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા, સાંસદ ભરતસિંહ ડાભી, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતિ ભાનુમતિબેન મકવાણા ,ચાણસ્મા ધારાસભ્ય દિલીપ કુમાર ઠાકોર, નગરપાલિકા પ્રમુખ શ્રીમતિ સ્મિતાબેન પટેલ, આગેવાનો કે.સી.પટેલ, નંદાજી ઠાકોર, દથરથજી ઠાકોર, જિલ્લા કલેક્ટર સુપ્રીતસિંઘ ગુલાટી, અધિક નિવાસી કલેક્ટર પ્રદીપસિંહ રાઠોડ, તેમજ અધિકારી અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.