પાટણ શહેરમાં રહેણાંક વિસ્તારમાં કોઇ પણ ડિગ્રી વગર ક્લિનીક શરૂ કરી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા હોવાની અરજી આધારે SOG પોલીસે આરોગ્ય વિભાગની ટીમ ને સાથે રાખી ક્લિનિકમાં રેડ કરતા બોગસ ડોક્ટર હાજર ના હોય કમ્પાઉન્ડર હાજર મળી આવતા અટકાયત કરી દવાઓનો જથ્થો જપ્ત કરી તપાસનો દોર શરૂ કરવામાં આવ્યો હતો.
મળતી માહિતી અનુસારપાટણ શહેરના ભાટિયાવાડ વિસ્તારમાં પરેશ શાંતિલાલ પ્રજાપતિ નામનો શખ્સ કોઈપણ ડિગ્રી ધરાવતો ના હોવા છતાં ક્લિનિક ખોલી લોકોની સારવાર કરી સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા હોવાની એક અરજદાર દ્વારા જિલ્લા પોલીસ અધિક્ષકને અરજી કરવામાં આવતા અધિક્ષકની સૂચના આધારે એસ.ઓ.જી પી.આઇ ચિરાગ ગોસાઈ સહિતના સ્ટાફ દ્વારા આરોગ્ય વિભાગના મેડિકલ ઓફિસર અને ફાર્માસિસ્ટ ને સાથે રાખી ક્લિનિકમાં ઓચિંતી તપાસ હાથ ધરવામાં આવી હતી.
આ તપાસ દરમિયાન ક્લિનિકની અંદર કોઈ કારણોસર ડૉક્ટર બહાર હોઇ હાજર મળી આવ્યા ન હતા. પોલીસની ટીમે આરોગ્ય વિભાગની ટીમ સાથે ક્લિનિકમાં સર્ચ કરતાં 19928 રૂપિયાની દવાઓનો જથ્થો ઉપરાંત એલોપેથીક સારવાર કરવાની સાધનસામગ્રી મળી આવતા પોલીસે જથ્થો જપ્ત કરી હાજર રહેલ કમ્પાઉન્ડર વિષ્ણુભાઈ કેશવલાલ પ્રજાપતિ ની અટકાયત કરીને વધુ તપાસ માટે એસ.ઓ.જી પોલીસ મથકમાં લાવી તપાસનો દોર શરૂ કરવામાં આવ્યો છે. આ બાબતે પોલીસના સૂત્રોએ જણાવ્યું હતું કે ડૉક્ટરની ડિગ્રીની તપાસ કરવામાં આવશે. તપાસ બાદ ડિગ્રી નહીં હોય તો આ બાબતે આરોગ્ય વિભાગ સાથે મળી બોગસ પ્રેક્ટિસ બદલ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.