Drive has been started against nonveg and egg lorries

રાજકોટ(Rajkot) બાદ હવે વડોદરામાં મુખ્ય રસ્તાઓ અને જાહેરમાં લટકાવી મટન મચ્છી વેચનારા સામે કાર્યવાહી કરવા સ્થાયી સમિતિ અધ્યક્ષની સૂચના બાદ રાજ્યના મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીનું મોટું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, ફૂટપાથ પર ધંધો કરવાનો કોઇનો પણ અધિકાર નથી. ફૂટપાથ રાહદારીઓ માટે છે. એના પર હક ન જમાવવો જોઇએ. એ એક પ્રકારનું લેન્ડ ગ્રેબિંગ છે. એ જગ્યા પર વેજ કે, નોન વેજની લારી ન ઉભી રહી શકે. તેને ઉપાડી જ લેવી પડે. વેજ-નોનવેજ જાહેરમાં બનતુ હોય છે, જેના કારણે તેનો ધૂમાડો ઉડતો હોય છે. તે રાહદારીઓને આંખોમાં લાગતો હોય છે, તેને અટકાવવુ જ પડશે. હું આ નિર્ણય બદલ રાજકોટ અને વડોદરાના મેયરને અભિનંદન આપું છું.

ફૂટપાથ પર ધંધો કરવાનો કોઈને પણ અધિકાર નથી

આ પહેલા કચ્છમાં એક કાર્યક્રમ દરમિયાન મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં રસ્તા પર ઊભી ઈંડા અને નોન-વેજની લારીઓ ટેમ્પરરી લેન્ડ ગ્રેબિંગ સમાન છે. વડોદરા અને રાજકોટમાં જાહેરમાં ઈંડા અને નોનવેજની લારીઓને જાહેરમાં વેચાણ નહીં કરવા માટે મહાનગરપાલિકાના પગલાંની પ્રસંશા કરી હતી અને એના માટે સખત પગલાની હિમાયત પણ કરી હતી. મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી રસ્તામાં ઊભી રહેલી લારીઓ મામલે પોતાના નિવેદન પર અડગ છે. આજે વડોદરામાં એક કાર્યક્રમ દરમિયાન પણ તેમણે જણાવ્યું હતું કે, ફૂટપાથ પર ધંધો કરવાનો કોઈને પણ અધિકાર નથી. રોડ પર લારીનું દબાણએ લેન્ડ ગ્રેબિંગ સમાન છે. નોનવેજ અને વેજ તમામ લારીઓના દબાણ હટાવવા જ જોઈએ. નોનવેજ અને વેજની લારીના ધુમાડાથી લોકોને નુકસાન થાય છે. તેને હટાવવી જ જોઈએ.

નોનવેજ અને ઇંડાની લારીઓ સામે ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે

રાજકોટ બાદ હવે વડોદરામાં મુખ્ય રસ્તાઓ અને જાહેરમાં લટકાવી મટન મચ્છી વેચનારા સામે કાર્યવાહી કરવા સ્થાયી સમિતિ અધ્યક્ષની સૂચના બાદ આજથી શહેરમાં 3 હજાર જેટલી નોનવેજ અને ઇંડાની લારીઓ સામે ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. જાહેરમાં નોન-વેજ લટકાવી શકાશે નહીં, તેને ઢાંકીને રાખવું પડશે. જો સૂચનાનો અમલ નહીં થાય તો લારી બંધ કરવા સુધીના પગલાં લેવાશે. પાલિકાના શુક્રવારથી ડ્રાઇવ શરૂ કરવાના દાવા વચ્ચે વાસ્તવિકતા એ છે કે, નોનવેજની કેટલી લારીઓ છે તેની પાલિકાને ખબર જ નથી. બીજી તરફ પાલિકા દ્વારા હવે શહેરના રાજમાર્ગો પર રોજ પાર્ક કરાતા વાહનો પાસેથી પાર્કિગનો ચાર્જ વસૂલવાની પણ કવાયત શરૂ કરવામાં આવી છે.

રાજકોટ બાદ વડોદરામાં અમલ કરાયો

મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્થાયી સમિતિ અધ્યક્ષ ડો. હિતેન્દ્ર પટેલે અધિકારીઓની બોલાવેલી બેઠકમાં મુખ્ય રસ્તા ઉપર અને ખુલ્લામાં વેચવામાં આવતા મટન અને મચ્છી કે આમલેટની લારી પર વસ્તુઓ દેખાઇ નહીં તેવી સૂચના આપી છે. રાજકોટના મેયરે મુખ્ય રસ્તા ઉપર મટન-મચ્છી કે આમલેટની લારી ચાર રસ્તા પર ઊભી નહીં રાખવા સૂચના આપી અને દુકાનોમાં ખુલ્લા રાખી મટન કે, મચ્છી વેચનારા સામે કડક કાર્યવાહી શરૂ કરી હતી. જેના પગલે સ્થાયી અધ્યક્ષ દ્વારા પણ અધિકારીઓની બેઠક બોલાવી નોન વેજ અને આમલેટની લારી ચલાવતા વેપારીઓને જાહેરમાં મટન સહિતની વસ્તુઓ દેખાઇ નહીં તે પ્રકારે રાખવા માટેની સૂચના આપી છે.

કાયદો તો પહેલેથી જ છે પરંતુ હવે અમલ થશે

જૈન અગ્રણી પ્રકાશ શેઠે જણાવ્યું હતું કે, નિતિ નિયમ પ્રમાણે માંસ જાહેરમાં દેખાય ન તે રીતે રાખવા માટે કાયદો બનાવાયો છે જોકે વર્ષોથી આ કાયદાનો અમલ કરાતો નથી. હવે માંસાહારને જાહેરમાં ઢાંકીને રાખવાનો નિર્ણય કર્યો છે,તેનો અમલ કરાશે તેવી આશા છે.

દરેક વોર્ડ દીઠ અલગ ઝોનની માગ કરી જ છે

સ્ટ્રીટ વેન્ડર એસોસિયેશનના પ્રમુખ અરવિંદ સિંધાએ જણાવ્યું હતું કે, શહેરમાં 16 હજાર લારી પૈકી 3 હજાર જેટલી નોનવેજ-ઇંડાની લારી છે. અગાઉ પણ રજૂઆતો કરી હતી કે દરેક વોર્ડ પ્રમાણે નોનવેજની લારી માટે અલગ હોકીંગ ઝોન બનાવાય.

નોનવેજના વેચાણ પર પ્રતિબંધ જ હોવો જોઇએ

વીએચપીના પ્રમુખ અનિલ જૈને જણાવ્યું હતું કે, કોર્પોરેશને જે પણ નિર્ણય લીધો છે તે સારો છે, નોનવેજનું વેચાણ થવું જ ન જોઇએ. હિન્દુ ધર્મમાં એક કીડીને મારવી પણ ગુનો ગણાય છે ત્યારે નોનવેજના વેચાણ પર પ્રતિબંધ હોવો જોઇએ.

પાલિકાએ બનાવેલા નિયમોનું પાલન કરાશે

નોનવેજના વેપારી મુન્ના ઘાંચીએ જણાવ્યું હતું કે, કોર્પોરેશનએ જે નિયમ બનાવ્યો છે કે નોન વેજ ઢાંકીને રાખવાનું તથા સ્વચ્છતા રાખવાનું, તેનું પાલન કરવામાં આવશે. લોકોને તકલીફ ના પડે તેનું ધ્યાન રાખવું વેપારીઓની ફરજ છે અને નિયમોનું પાલન કરાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024