શૈક્ષણિક સંસ્થાઓએ અભ્યાસની સાથે વ્યસનમુક્તિ જેવા મૂલ્યો પણ શિખવવા જોઈએ – નિયામક સુનિલ કુમાર
ગુજરાત (Gujarat) રાજ્ય નશાબંધી અને આબકારી વિભાગના નિયામક સુનિલ કુમારની વિશેષ ઉપસ્થિતિ
નશાકારક પદાર્થોના દુરૂપયોગ અને ગેરકાયદેસર હેરફેર બાબતે યુવાનોમાં જાગૃતિ આવે તે માટે એમ.કે. કોલેજ ઑફ એન્જીન્યરીંગ એન્ડ ટેક્નોલોજીકલ રીસર્ચ ખાતે વ્યાખ્યાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ. નશાબંધી અને આબકારી વિભાગના નિયામકશ્રી સુનિલ કુમારની ઉપસ્થિતીમાં યોજાયેલા આ કાર્યક્રમમાં નર્સિંગ કોલેજના યુવાનોને નશાકારક પદાર્થોથી દૂર રહેવા તથા તેમના થકી સમાજ વ્યસનમુક્ત થાય તે માટે જાગૃતિ ફેલાવવા અપીલ કરવામાં આવી હતી.
એમ.કે. કોલેજ ઑફ એન્જીન્યરીંગ એન્ડ ટેક્નોલોજીકલ રીસર્ચ ખાતે યોજાયેલા ડ્રગ ઍબ્યુઝ ઍન્ડ ઈલ્લીસીટ ટ્રાફિકીંગ (Drug abuse and illicit trafficking) વિષય પર માર્ગદર્શન આપતા નશાબંધી અને આબાકારી વિભાગના નિયામક સુનિલકુમારે જણાવ્યું કે, કોરોના વાયરસ મહામારીની સ્થિતિમાં નર્સિંગના વિદ્યાર્થીઓએ દર્દીઓની સારવાર દરમ્યાન સ્વસ્થ રહેવા માટે ફિટનેસથી આગળ વધી વેલનેસ તરફ ધ્યાન આપવાનું છે. જવાબદાર સમાજનું નિર્માણ કરવા નશામુક્તિનો સંદેશ ફેલાવવાનું તથા જાગૃતિ લાવવાનું કામ ખુબ જરૂરી છે ત્યારે શૈક્ષણિક સંસ્થાઓએ અભ્યાસની સાથે સાથે વ્યસનમુક્તિ જેવા મૂલ્યો પણ શિખવવા જોઈએ. તેમણે સમાજને નશામુક્ત કરવા વ્યસનથી થતા નુકશાન અંગે અવગત કરાવી ઉત્કૃષ્ઠ સમાજના નિર્માણમાં યોગદાન આપવા વિદ્યાર્થીઓને અપીલ કરી હતી.
વધુમાં સુનિલ કુમારે જણાવ્યું કે, નશાબંધીને લઈને રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલા પ્રયત્નો અને નશાબંધી વિભાગના ટીમવર્કના પરિણામે છેલ્લા એક દાયકામાં રાજ્યમાં એકપણ લઠ્ઠાકાંડ થયો નથી. સાથે જ કડક કાયદાઓ બનાવી આવી પ્રવૃત્તિઓ માટે મૃત્યુદંડ સહિતની જોગવાઈઓ કરવામાં આવી છે. જેના કારણે રાજ્યમાં નશાકારક પદાર્થો અને તેના વેચાણની બદીને અટકાવી શકાઈ છે.
નશાબંધી અને આબાકારી વિભાગ પાટણના પોલીસ અધિક્ષક સુશ્રી એસ.કે. દવેએ જણાવ્યું કે, વ્યસન એ એક પ્રકારનો મનોરોગ છે. એક સંશોધન મુજબ બાળકને જ્યારે હૂંફ અને પ્રેમ ન મળે ત્યારે તે ધીમે ધીમે નશાખોરી પર નિર્ભર થતો જાય છે. ક્રોસ બોર્ડર ટૅરેરીઝમના કારણે દેશમાં નશાકારક પદાર્થોનું વેચાણ વધ્યું છે જેને અટકાવવા સખત સજાની પણ જોગવાઈ કરવામાં આવી છે. આવો કોઈપણ પ્રકારનો વેપાર કે ઉપયોગ ધ્યાનમાં આવે તો જાગૃત નાગરીક તરીકે પોલીસને જાણ કરવી જોઈએ. સાથે જ વ્યસન કરનાર વ્યક્તિને તેની આ આદત છોડવા પ્રોત્સાહન આપવું જોઈએ.
આ પ્રસંગે એમ.કે. કોલેજ ઑફ એન્જીન્યરીંગ એન્ડ ટેક્નોલોજીકલ રીસર્ચના ટ્રસ્ટી એમ.કે.પટેલે યુવાવસ્થાથી જ નશાકારક પદાર્થો અને વ્યસનથી દૂર રહી નશાબંધી વિભાગના પ્રયત્નોમાં જોડાઈ નશામુક્ત સમાજની રચનામાં સહભાગી થવા અનુરોધ કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે, વિશ્વવ્યાપત બનેલી નશાની સમસ્યા અંગે વર્ષ ૧૯૮૭માં તૈયાર કરવામાં આવેલા એક રિપોર્ટ આધારે વર્ષ ૧૯૮૯થી સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા દર વર્ષે ૨૬ જૂનના રોજ ઈન્ટરનૅશનલ ડે અગેઈન્સ્ટ ડ્રગ ઍબ્યુઝ ઍન્ડ ઈલ્લીસીટ ટ્રાફિકીંગ ઉજવવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા જૂન મહિનાને નશામુક્ત માસ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યુ છે.
સોશિયલ ડિસ્ટન્સ સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં શૈક્ષણિક સંસ્થાના આચાર્યશ્રી, પ્રાધ્યાપકગણ તથા નર્સિંગના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી નશામુક્ત સમાજના નિર્માણ માટે યોગદાન આપવાની નેમ વ્યક્ત કરી હતી