DyCM Nitin Patel

DyCM નીતિન પટેલે શ્રી સિધ્ધરાજ કો.ઓપ.ક્રેડીટ સોસાયટી લિ. ના નવીન મકાનનું ભૂમિપૂજન કર્યું

ક્રેડીટ સોસાયટી નાગરિકોની આર્થિક સધ્ધરતા અને સેવામાં અમૂલ્ય ફાળો આપે છે
શ્રી નીતિનભાઇ પટેલ

ગુજરાત રાજયના નાયબ મુખ્યમંત્રીશ્રી નિતીનભાઇ પટેલે શ્રી સિધ્ધરાજ કો.ઓપ.ક્રેડીટ સોસાયટી લિ.ના પાટણ ખાતે નવા બનનાર ભવનનું ભૂમિપૂજન કર્યું હતું. ભૂમિપૂજન બાદ ઉપસ્થિત સર્વેને સંબોધતા નાયબ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે નાના લોકોને સહાય કરવા માટે સહકારી માળખું એ ઉત્તમ માર્ગ છે. જરૂરિયાતમંદ લોકો ક્રેડીટ સોસાયટીના માધ્યમથી ધિરાણ મેળવીને આર્થિક પ્રવૃત્તિઓ કરી શકે છે.

શ્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું કે ઉત્તર ગુરજરાતમાં સહકારી ક્ષેત્રનો સારો વિકાસ થયો છે. ગુજરાત સરકારે તાજેતરમાં જ જાહેર કરેલ આત્મનિર્ભર ગુજરાત પેકેજમાં જાહેર ક્ષેત્રની મોટી બેન્કો સાથે ક્રેડીટ સોસાયટીઓને પણ સાંકળી છે.

જે અંતર્ગત કોઇ વ્યવસાય માટે નાગરિકને બેન્કો ૮ ટકા વ્યાજે રૂપિયા એક લાખ સુધીનું ધિરાણ આપશે અને જેમાંથી ૬ ટકા વ્યાજ સરકાર ચુકવશે અને માત્ર ર ટકા વ્યાજ જ નાગરિકને પરત ચૂકવવું પડશે શ્રી નીતિનભાઇ પટેલે ઉમેર્યું કે ક્રેડીટ સોસાયટી રાજયની સેવામાં અને લોકોની આર્થિક સધ્ધરતામાં મહત્વનો ફાળો આપે છે. ક્રેડીટ સોસાયટીનું આ નવિન મકાન સગવડયુક્ત બનશે અને લોકોને તેનાથી ફાયદો થશે એવી આશા સેવું છું.

સહકાર ભારતીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષશ્રી કાન્તીભાઇ પટેલે જણાવ્યું હતું કે ગુજરાત સરકારે માત્ર ર ટકાના વ્યાજે નાગરિકોને નાણા આપવાની ઉત્તમ યોજના ગુજરાત સરકારે અમલમાં મૂકી છે અને એમાં ક્રેડીટ સોસાયટીઓનો પણ સમાવેશ કર્યો છે એ પ્રસંશનીય બાબત છે.

શ્રી સિધ્ધરાજ કો.ઓપ.ક્રેડીટ સોસાયટી લિ.ના ચેરમેન અને સંગઠનના પ્રદેશ મહામંત્રીશ્રી કે.સી.પટેલે ક્રેડીટ સોસાયટી વિશે જણાવતા કહ્યું હતું કે વર્ષ ૧૯૮૬ માં બનેલી અને એ સમયે આ ક્રેડીટ સોસાયટીએ લોકહિત માટે અનેક કાર્યો કરી રહી છે. આ સોસાયટી પાસે પૂરતું શેરભંડોળ અને ડીપોઝીટ છે. પોતાના કર્મચારીઓ માટે પણ અનેકવિધ સારા કાર્યો કરે છે.

શ્રી સિધ્ધરાજ કો.ઓપ.ક્રેડીટ સોસાયટી લિ.નું નવીન ભવન ૪૦૦ વારના પ્લોટમાં ર કરોડના ખર્ચે બનશે. જેમાં એસી. હોલ અને લિફ્ટ સહિતની આધુનિક સુવિધાઓ હશે.

આ પ્રસંગે પાટણ કલેકટરશ્રી સુપ્રિતસિંઘ ગુલાટી, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી અક્ષયરાજ મકવાણા, ક્રેડીટ સોસાયટીના મેનેજિંગ ડિરેકટરશ્રી યતીન ગાંધી, સંગઠનના પાટણ જિલ્લાના પ્રભારીશ્રી મયંકભાઇ નાયક, સંગઠનના પાટણ જિલ્લાના પ્રમુખશ્રી મોહનભાઇ પટેલ, ક્રેડીટ સોસાયટીના ડિરેકટરશ્રીઓ તથા નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

શું તમે ગુજરાતી છો? તો લાઈક ઉપર ક્લિક કરો.