સરપંચશ્રી અને સભ્યોએ જાગૃતિ માટે ટીમ બનાવી ગામલોકોને સમજાવી કોરોનાને જાકારો આપ્યો

કોરોનાનું સંક્રમણ ગ્રામીણ વિસ્તારોમાં વધતા ગ્રામજનો દ્વારા સ્વૈચ્છિક રીતે સજ્જડ લોકડાઉનનું પાલન કરીને ગામને કોરોનામુકત કરવા પાટણ જિલ્લાના અનેક ગામો દ્વારા સફળ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાનું એદલા ગામ સરપંચશ્રી અમૃતભાઈ રબારી અને સ્થાનિક વહીવટીતંત્રના સહયોગથી ગામમાં એક સમયે વધી ગયેલ કોરોના સંક્રમણને અટકાવીને વર્તમાનમાં કોરોનાથી મુક્ત બન્યું છે.

સરસ્વતી તાલુકાના એદલા ગામમાં શરૂઆતમાં કોરોનાના કેસ નોંધાતા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં કાર્યરત સ્ટાફ દ્વારા ગામમાં મોટાપાયે કોરોના ટેસ્ટીંગ કરવામાં આવ્યું. રાજ્ય સરકારની સ્ટ્રેટજી ટેસ્ટીંગ, ટ્રેસીંગ અને ટ્રીટમેન્ટ મુજબ કોરોનાના દર્દીઓના સંપર્કમાં આવેલ લોકોનું ટેસ્ટીંગ કરીને જો તેઓ પોઝીટીવ આવે તો તરત જ સારવાર મળી રહે એ માટે દવાની કીટનું વિતરણ કરવામાં આવ્યું. ગામના સરપંચશ્રી અમૃતભાઈ રબારીએ યુવાનોની ટીમ બનાવી થોડાક દિવસો સુધી ગામમાં સ્વૈચ્છિક લોકડાઉનનું પાલન કરવા માટે ગામલોકોને સમજાવ્યા. ગામના નાગરિકોએ પણ કોરોનાના કેસો વધતા સર્વસંમતથી બિનજરૂરી અવર-જવર પર પ્રતિબંધ મૂક્યો.

આરોગ્ય વિભાગની ટીમો દ્વારા ગામમાં ડોર ટુ ડોર સર્વેલન્સની કામગીરી કરીને પ્રત્યેક વ્યક્તિના સ્વાસ્થ્યની ચકાસણી કરવામાં આવી. જો કોઈ વ્યક્તિમાં કોરોનાના શંકાસ્પદ લક્ષણો જણાય તો મેડીકલ કીટ આપી સારવાર શરૂ કરવામાં આવી. કોરોનાના દર્દીઓ સંપૂર્ણ હોમ આઈસોલેશનનું પાલન કરે એની પૂરી કાળજી લેવામાં આવી. ગામમાં ડેરી દ્વારા નિયમિત રીતે ઉકાળા વિતરણ કરવામાં આવ્યું. જે આજદિન સુધી શરૂ છે. ગામમાં જો કોઈ વ્યક્તિ માસ્ક વગર ફરે તેને દંડની જોગવાઈ કરવામાં આવી અને દંડના રૂપિયાથી ગામમાં માસ્કનું વિતરણ કરવામાં આવ્યું. ગ્રામજનોએ સ્વૈચ્છિક રીતે જ મરણ પ્રસંગે બહારથી આવતા લોકો પર પ્રતિબંધ મૂક્યો અને ગામમાં કોરોના સંક્રમણ વધે નહિ એ માટે સંકલ્પિત બન્યા.

તાલુકા હેલ્થ અધિકારી ડૉ. મિતેશ પ્રજાપતિ જણાવે છે કે ગામમાં બે દર્દીઓ એવા હતાં કે જેમનું ઓક્સિજન લેવલ ઓછું હતું. છતાં તેમને ઘરે જ યોગ્ય સારવાર આપી અને તેમણે ઘરે જ રહીને કોરોનાને હરાવ્યો છે. એદલા ગામના લોકોએ કોરોના પ્રતિરોધક રસી લેવામાં પણ સારો ઉત્સાહ દર્શાવ્યો છે. ગામમાં એક જ દિવસમાં ૪૫ વર્ષથી વધુ વયના ૯૦ થી વધુ લોકોએ રસીનો પ્રથમ ડોઝ લીધો હતો. ગ્રામજનોના સંયમ અને શિસ્તના કારણે સકારાત્મક વાતાવરણનું સર્જન થતા કોરોનાને હરાવી શકાય એવો લોકોમાં વિશ્વાસ જાગૃત થયો અને અત્યારે એદલા ગામ સંપૂર્ણ રીતે કોરોનામુક્ત થયું છે. હાલના સમયમાં જ્યારે કોરોના સંક્રમણ વધી રહ્યું છે ત્યારે એદલાના ગ્રામજનોએ સરપંચશ્રીની આગેવાનીમાં દાખવેલ સમય સૂચકતા અને જાગૃતતા પાટણ જિલ્લાના અન્ય ગામોને સ્વૈચ્છિક પ્રયાસોથી કોરોનામુક્ત થવા માટે માર્ગદર્શન પૂરું પાડી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024