મતદાતા જાગૃતિ રેલીને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવતાં જિલ્લા કલેક્ટર સુપ્રીત સિંઘ ગુલાટી

પાટણ શહેરના બજારો સહિત વિવિધ વિસ્તારોમાં ફરી શિક્ષકોએ બાઈક રેલી દ્વારા મતદારોને મતદાન માટે પ્રોત્સાહિત કર્યા

આગામી તા.૨૮ ફેબ્રુઆરીના રોજ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ (election 2021 gujarat) યોજાવા જઈ રહી છે ત્યારે મતદારો પોતાના મતનું મૂલ્ય સમજી મતદાન કરે તે માટે જાગૃતિ કેળવવા બાઈક રેલી યોજાઈ. કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટરશ્રી સુપ્રીત સિંઘ ગુલાટીએ લીલી ઝંડી આપી આ બાઈક રેલીનું પ્રસ્થાન કરાવ્યું હતું.

આ અંગે વાત કરતાં જિલ્લા કલેક્ટરશ્રી સુપ્રીત સિંઘ ગુલાટીએ જણાવ્યું કે, મતદારો પોતાના મતનું મૂલ્ય સમજે અને મતદાન માટે પ્રોત્સાહિત થાય તે માટે મતદાતા જાગૃતિ અભિયાન અંતર્ગત પાટણ શહેરમાં બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં શિક્ષકો શહેરમાં ફરી લોકોને મતદાન માટે જાગૃત કરશે.

મતદારોમાં મતદાન અંગેના પોતાના બંધારણીય હક અંગે જાગૃતિ કેળવાય અને ૧૦૦ ટકા મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કલેક્ટરશ્રી સુપ્રીત સિંઘ ગુલાટીના માર્ગદર્શન હેઠળ સમગ્ર જિલ્લામાં મતદાતા જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત સ્વેપના નોડલ અધિકારી અને જિલ્લા શિક્ષણાધિકારીશ્રી એ.પી.ઝાલાના નેતૃત્વમાં પાટણ ખાતે બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

‘મતદાન અવશ્ય કરીએ’, ‘મતદાન મહાદાન’, ‘મતદાન આપણો અધિકાર’, ‘મતદાન ચૂકશો નહીં’ જેવા બેનર્સ સાથે શિક્ષકોએ બાઈક રેલી દ્વારા પાટણ શહેરના બજાર સહિતના વિવિધ વિસ્તારોમાં ફરી લોકોને મતદાન માટે જાગૃત અને પ્રોત્સાહિત કર્યા હતા. કલેક્ટર કચેરીથી શરૂ થયેલી આ બાઈક રેલીનું સરદાર પટેલ સ્પોર્ટ્સ સંકુલ ખાતે સમાપન થયું હતું.

આ બાઈક રેલીના પ્રસ્થાન સમયે કલેક્ટર કચેરી ખાતે અધિક નિવાસી કલેક્ટરશ્રી ભરતભાઈ જોષી, જિલ્લા રમતગમત અધિકારીશ્રી વિરેન્દ્રભાઈ પટેલ, પાટણ મામલતદારશ્રી ચાર્મીબેન પટેલ, શિક્ષણ વિભાગના અધિકારીશ્રીઓ-કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જાહેર કરવામાં આવેલા ચૂંટણી કાર્યક્રમ-૨૦૨૧ અંતર્ગત પાટણ જિલ્લા પંચાયત, ૦૯ તાલુકા પંચાયતો તથા પાટણ અને સિદ્ધપુર નગરપાલિકાની સામાન્ય તથા હારીજ નગરપાલિકાની પેટા ચૂંટણીનું મતદાન આગામી તા.૨૮ ફેબ્રુઆરીના રોજ યોજાનાર છે. જે અંતર્ગત જિલ્લા વહિવટી તંત્ર દ્વારા જિલ્લાના તમામ તાલુકાઓમાં મતદાતા જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024