APMC Bharat Dabhi

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ખેડૂતોની આવક બમણી કરવાના લક્ષ્યને પરિપૂર્ણ કરવા રાજ્ય સરકાર કટીબદ્ધ

સુશાસન સપ્તાહની ઉજવણી અંતર્ગત કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા જિલ્લાના 3,147 ખેડૂતોને 177.81 લાખની સહાયનું વિતરણ કરવામાં આવી રહ્યું છે

ભારતના પૂર્વ પ્રધાનમંત્રી અને ભારતરત્ન અટલ બિહારી બાજપાઈજીની જન્મજયંતિ નિમિત્તે સુશાસન સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે પાટણ એ.પી.એમ.સી. ખાતે પાટણ લોકસભા મતવિસ્તારના સાંસદ ભરતસિંહ ડાભીની ઉપસ્થિતિમાં કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને સહાય વિતરણનો કાર્યક્રમ યોજાયો. આ પ્રસંગે પૂર્વ કેબિનેટ મંત્રી અને ચાણસ્માના ધારાસભ્ય દિલીપકુમાર ઠાકોર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે સાસંદ ભરતસિંહ ડાભીએ જણાવ્યું કે, આ દેશનો મુખ્ય વ્યવસાય ખેતી છે ત્યારે કૃષિના વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા અનેકવિધ યોજનાઓ અમલી બનાવવામાં આવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ખેડૂતોની આવક બમણી કરવાના લક્ષ્યને પરિપૂર્ણ કરવા રાજ્ય સરકાર કટીબદ્ધ છે. રાજ્ય સરકાર દ્વારા વિવિધ સહાય તો આપવામાં આવે જ છે, પરંતુ તેની સાથે આવશ્યક છે કૃષિ ખર્ચમાં ઘટાડો. ખેતીવાડી વિભાગના માર્ગદર્શન મુજબ બિયારણ અને ખાતર સહિતના કૃષિ સાધનોની પસંદગી દ્વારા કૃષિ ઉત્પાદન ખર્ચમાં ઘટાડો કરવામાં આવશે ત્યારે જ ખેડૂતોની આવકમાં વધારો થશે.

વધુમાં સાંસદએ જણાવ્યું કે, પશુપાલન એ ખેતીનો પુરક વ્યવસાય છે. ખેતી સાથે પશુપાલનના મહત્વ અને ફાયદાઓને અનુલક્ષીને રાજ્ય સરકાર દ્વારા પશુપાલકોને પણ અનેક યોજનાઓ હેઠળ સહાય ચૂકવવામાં આવે છે. દૂધની આવક ઉપરાંત પશુપાલનની આડપેદાશોનો ખેતીમાં ઉપયોગ નફાકારક સાબિત થઈ શકે છે, જરૂર છે તેના સાચા ઉપયોગની. આ ઉપરાંત બાગાયત ક્ષેત્રમાં પણ ખેડૂતો નવા પ્રયોગો અપનાવી સફળ ખેતી કરી રહ્યા છે.

કાર્યક્રમમાં ઉપસ્થિત ચાણસ્માના ધારાસભ્ય દિલીપકુમાર ઠાકોરે જણાવ્યું કે, સદીઓ પહેલા ભારત સોને કી ચીડિયા કહેવાતુ હતું, પણ આક્રમણો અને ગુલામીએ આ સમૃદ્ધિ છીનવી લીધી. આઝાદીના લડવૈયાઓએ આઝાદી સાથે દેશના વિકાસ માટે જે સ્વપ્ન સેવ્યા હતા તે અગાઉની સરકારોના સમયગાળામાં સાર્થક ન થઈ શક્યા. ગુજરાતના મુખ્યમંત્રી બનવાની સાથે જ હાલના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કૃષિ ક્ષેત્રના મહત્વને સમજી અનેકવિધ યોજનાઓ બનાવી અને આજે દેશના ખેડૂતોને સમૃદ્ધિ તરફ લઈ જવા તેઓ સતત પ્રયત્નબદ્ધ છે.

વધુમાં દિલીપકુમાર ઠાકોરે જણાવ્યું કે, તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના તે વખતના 09 હજાર કરોડના કૃષિ ઉત્પાદનને ખેડૂતલક્ષી નીતિઓ અને યોજનાઓના અમલીકરણથી આજે 1.70 લાખ કરોડ સુધી પહોંચાડ્યુ છે. અછત અને દુકાળ સહિતની સ્થિતિમાં ભૂમિપુત્રોને કરોડો રૂપિયાની સહાય ચૂકવવામાં આવી છે. આ ઉપરાંત પ્રધાનમંત્રી કિસાન સન્માનનિધી યોજનાના અમલીકરણથી દેશના ખેડૂતોને આર્થિક મદદ કરવામાં આવી રહી છે. જે અંતર્ગત પાટણ જિલ્લાના ખેડૂતોને અત્યાર સુધીમાં 337.40 કરોડ જેટલી રકમ ચૂકવવામાં આવી છે. રાસાયણીક ખાતર અને દવાઓના ઉપયોગથી જમીનની સાથે ભુગર્ભ જળ પણ દુષિત થતુ હોવાનું જણાવી ઠાકોરે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વળવા અનુરોધ કર્યો હતો.

સુશાસન સપ્તાહની ઉજવણીના ચોથા દિવસે પાટણ એ.પી.એમ.સી. ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં સાંસદ સહિતના મહાનુભાવોના હસ્તે શ્રેષ્ઠ પશુપાલક પુરસ્કાર યોજના અંતર્ગત ત્રણ પશુપાલકોને કુલ રૂ.35,000 રોકડ પુરસ્કારના ચેક ઉપરાંત પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. આત્મા પ્રોજેક્ટ હેઠળ જિલ્લા તથા તાલુકા કક્ષાના પ્રગતિશીલ ખેડૂતોને કુલ રૂ.45,000 રોકડ પુરસ્કારના ચેક ઉપરાંત સન્માનપત્ર અને મોમેન્ટો એનાયત કરવામાં આવ્યા હતા.

ખેડૂત લાભાર્થીઓને સહાય વિતરણ કાર્યક્રમ અંતર્ગત મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના, મુખ્યમંત્રી કિસાન પરિવહન યોજના, એ.જી.આર.-2, કેટલ શેડ, વિદ્યુત ચાફ કટર, દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી માટે ગાય નિભાવ ખર્ચ સહિતની યોજનાઓ અંતર્ગત સહાયના ચેકનું વિતરણ પણ કરવામાં આવ્યું. સાથે સાથે શાકભાજી અને ફળોનો બગાડ અટકાવવા માટે વિનામૂલ્યે છત્રી તથા કિસાન ક્રેડિટ કાર્ડનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. મહાનુભાવો દ્વારા એ.પી.એમ.સી.ના પ્રાંગણમાં તૈયાર કરવામાં આવેલા કૃષિ પ્રદર્શન કમ વેચાણ સ્ટોલની મુલાકાત પણ લેવામાં આવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, સુશાસન સપ્તાહની ઉજવણી દરમ્યાન ખેતીવાડી વિભાગ, પશુપાલન વિભાગ તથા બાગાયત વિભાગ હસ્તકની વિવિધ યોજનાઓ અંતર્ગત પાટણ જિલ્લાના 3,147 ખેડૂતોને કુલ રૂ.177.81 લાખની સહાયનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.

આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ ભાનુમતિબેન મકવાણા, નગરપાલિકાના પ્રમુખ સ્મિતાબેન પટેલ, જિલ્લા સંગઠનના વિવિધ હોદ્દેદારો અને પદાધિકારીઓ, જિલ્લા કલેક્ટર સુપ્રિત સિંઘ ગુલાટી, જિલ્લા વિકાસ અધિકારી રમેશ મેરજા, જિલ્લા ખેતીવાડી અધિકારી શૈલેષ પટેલ, નાયબ બાગાયત નિયામક મુકેશ ગલવાડિયા, નાયબ પશુપાલન નિયામક ડૉ.વી.બી.પરમાર, આત્મા પ્રોજેક્ટ મેનેજર મયુર પટેલ સહિતના અધિકારીઓ તથા પ્રગતિશીલ ખેડૂતો અને પશુપાલકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024