નેલ્સન પરમાર : મર્ડર મિસ્ટ્રી અને કોલ્ડ વૉરની સ્ટોરી પર આધારીત આ ફિલ્મ, ફિલ્મ જગતમાં ઘણાં નવા રેકોર્ડ બનાવે એવી આશા રાખી શકાય એમાં કાંઈ ખોટું પણ નથી. આપણાં દરેકની આસપાસ રોજબરોજ અનેક પ્રકારની ઘટના બનતી હોય છે, ઘણી ઘટનાઓમાં ભોગ બનનાર વ્યક્તિ ચૂપ રહેવાનું પસંદ કરતો હોય છે તેના કારણે જીવનમાં ભંયકર ઉથલપાથલ થઈ જતી હોય છે અને આખરે જીવ ખોવા સુધીનો વારો આવી જતો હોય છે. જે-તે વ્યક્તિએ ચૂપ ન રહેતા પોતાની વાત જો કોઈ સામે મુકી દે તો તેના પ્રશ્નોનું સમાધાન મળી જતું હોય છે. ટૂંકમાં ફિલ્મનો ઉદ્દેશ ચૂપ રહેવા પ્રેરિત કરવાનો નથી પણ ચૂપકીદી તોડવાનો છે. બસ આવો જ કંઇક સંદેશ આપતી સરસ મજાની ફિલ્મ છે.

સ્ટોરી

ફિલ્મની વાર્તાની વાત કરીએ તો, વિક્રમ અને વિદ્યા નામના એક આધેડ વયના કપલ અને રોહન, વિકી, જીગો, આયુષી, રાજવી જેવા યંગ સ્ટર્સ વચ્ચે એક મર્ડર બાબતે કોલ્ડ વોરની છે. ફિલ્મના એક્ટર એટલે કે, રોહનના સામેના ઘરમાં વિક્રમ-વિદ્યા નામનું આધેડ વયનુ કપલ રહેવા આવે છે. પણ વાત એ છે કે, રોહન અને તેના મિત્રો એજ બંધ ઘરમાં અવારનવાર પાર્ટીઓ કરતા હોય છે જેથી તે ઘર ભાડે અપાઈ જતાં તેમને એ ગમતું નથી. સોસાયટીમાં પહેલાં જ દિવસે જ્યારે વિક્રમ અને વિદ્યા રહેવા આવે છે ત્યારે મિત્રો ભેગા થઈ ક્રિકેટ રમતાં હોય છે અને જાણી જોઈને રોહન બોલ તેમના તરફ ફટકારે છે ને પછી એમ કરીને ચાલું થાય છે સમગ્ર કહાની. કહાની ટ્વીસ્ટ ત્યારે આવે છે જ્યારે, એકવાર રાજવી વિક્રમ સાથે રોમાન્સ કરતાં અને પછી થોડીક જ મિનિટોમાં તે છોકરીનું મર્ડર કરતા જોઇ જાય છે, આ ઘટના માટે વિક્રમ અને આ યંગ સ્ટર્સ વચ્ચે સંતા કુકડીનો ખેલ રચાય છે તેજ ફિલ્મની વાર્તા છે. આગળ શું થાય છે, કેમ થાય છે, શું પરિણામ આવે છે તે બધા માટે ફિલ્મ જોવી પડશે તમારે, કારણ કે ફિલ્મ સસ્પેન્સ છે અને અમને પણ છેક ઈન્ટરવલ સુધી ખબર ન્હોતી પડી કે ખરેખર વાર્તા શું છે. પણ પ્રેક્ષકો ને જરુરથી મજા પડશે. ફિલ્મમાં સસ્પેન્સ, કોમેડી ઇમોશન, ડ્રામા, રોમાન્સ બધું જ છે.  ફૂલ એન્ટરટેઇન્મેન્ટ પેકેજ ફિલ્મ છે…

સ્ટોરી પ્રેઝન્ટેશન

કોઈપણ વાર્તા ભલે ને ગમે તેટલી સારી હોય પણ જ્યાં સુધી તેનું પ્રેઝન્ટેશન યોગ્ય રીતે કરવામાં ન આવે તો એ વાર્તાનો હાર્દ બગડી જતો હોય છે. પણ આ ફિલ્મમાં વાર્તા પ્રમાણે યોગ્ય રીતે પ્રેઝન્ટ કરવામાં આવી છે જેના કારણે વાર્તાકાર છે કહેવા અને દર્શાવવા અને મેસેજ આપવા માંગે છે તે સ્પષ્ટ થાય છે. યોગ્ય રીતે પ્રેઝન્ટ કરવાને કારણે ફિલ્મ ઘણી સારી કહી શકાય એવી બની છે.

ફિલ્મનો ઓપનિંગ સીન

કોઈપણ ફિલ્મનો ઓપનિંગ સીન ખૂબ મહત્વનો હોય છે. કારણ કે તે ફિલ્મની આખી સ્ટોરીની કોઈ એવી ઘટના કે સિચ્યુએશન દર્શાવતું હોય છે જે ફિલ્મની વાર્તામાં ક્યાંક ને ક્યાંક સંલગ્ન હોય. ચૂપ ફિલ્મમાં પણ ઓપનિંગ સીન ઘણો ઈફએકટઇવ છે. કારણ કે ફિલ્મનો પહેલો સીન આખી ફિલ્મ પર અસર ઉભો કરતો હોય છે. બંગલામાં મિત્રો સાથે દારૂની મહેફિલ અને ભૂતનો ડર પહેલાં જ સસ્પેન્સ ઉભું કરી દે છે. જેથી પ્રેક્ષકો એ જોવા માટે છેલ્લે સુધી રાહ જુએ. આ ફિલ્મમાં ઓપનિંગ સીન ફિલ્મને રિફલેક્ટ કરવાનું કામ કરે છે.

એક્ટર, એકટીંગ, કેરેક્ટર્સ, કેરેક્ટર ડેવલપમેન્ટ

‘ચૂપ’ એક મલ્ટિસ્ટારર ફિલ્મ છે જેમાં હિતેન કુમાર, મોરલી પટેલ, હીના જયકિશન, આકાશ પંડ્યા, હેમાંગ દવે, હેમિન ત્રિવેદી, વિકી શાહ, મગન લુહાર, ધ્વનિ રાજપૂત, પૂજા દોશી, હરીતા શાહ, બાળ કલાકાર વિશાલ ઠક્કર અને અન્ય કલાકારો પણ છે.

એકટીંગની વાત કરીએ તો હિતેન કુમારની  એકટીંગ ફિલ્મ માટે સૌથી મોટો પ્લસ પોઈન્ટ છે. હિતેન કુમાર ખુદને ભૂલીને વિક્રમ નામના કેરેક્ટરમાં સંપુર્ણ ઓતપ્રોત થઈ ગયાં છે. અદભૂત એક્ટિંગ…એ સિવાયના તમામ કલાકારોએ પોતાનું શ્રેષ્ઠ આપ્યું છે. હેમાંગ દવેનિ એકટીંગ પણ ઉડીને આંખે વળગે એવી છે. કેરેક્ટર ડેવલપ કરવામાં ઘણી મહેનત કરી હોય એ સહુ કલાકારોની એક્ટિંગ પરથી દેખાય આવે છે. પણ જો ભવિષ્યમાં આ ફિલ્મનો મુખ્ય ભૂમિકામાં બેસ્ટ એક્ટિંગનો એવોર્ડ જો કોઈને જશે તો એ હિતેન કુમાર અને સાઈડ રોલમાં હેમાંગ દવેને જશે એ નક્કી છે.

ડિરેકશન

કોઈપણ ફિલ્મનું સૌથી મહત્વપૂર્ણ પાસું એ ફિલ્મનું ડિરેકશન છે. ચૂપ ફિલ્મ ડિરેકશનનું કામ ખૂબ જ બારીકાઈથી કરવામાં આવ્યું છે. આ ફિલ્મના  ડિરેકશન માટે નિશીથ બ્રહ્મભટ્ટને જેટલા અભિનંદન આપીએ એટલાં ઓછાં છે. અદ્ભૂત રીતે નાનામાં નાની બાબતોને ધ્યાનમાં રાખીને ખૂબ યોગ્ય રીતે ફિલ્મના ડિરેકશન દ્વારા પ્રેઝન્ટ કરી છે.  આ ફિલ્મની સફળતા એ ડિરેકશનને આભારી હશે ને આશા છે કે સફળ થશે જ.  ફ્રેમીંગથી શરુ કરીને ફોકસ, અલગ અલગ કેમેરા શોટ્સ, કેમેરા એન્ગલ્સ, કેમેરા મુવમેન્ટસ, ફિલ્મની વાર્તા પ્રમાણે સીન, ડાયલોગ્સ અને તમાંમ બાબતો સાંકળીને ખૂબ યોગ્ય રીતે ડિરેકશન કર્યું છે. ઘણાં સીનામાં મને આર્ટ અને ક્રિએટિવ જોવા મળી એ ખૂબ સારી બાબત કહેવાય ફિલ્મ માટે.

ટેકનિકલ બાબતો

મને ગુજરાતી ફિલ્મો સાથે સૌથી વધું વાંધો ટેકનિકલી બાબતોમાં જ રહેતો હોય છે. આજનાં સમયમાં આટઆટલી ટેકનોલોજી હાથવગી હોવાં છતાંય ઊડીને આંખે વળગે એવી મોટી મોટી ભૂલો જોવા મળતી હોય છે. ચૂપ જોયા પછી લાગ્યું કે, આ ફિલ્મમાં ઘણું સારું કર્યું છે એ બાબતે, ડાયલોગ ડિલિવરી, ડબિંગ, કેમેરા સેટઅપ, પ્રોડક્શન ડિઝાઇન, સેટ્સ, સિનેમેટોગ્રાફી, બેકગ્રાઉન્ડ સ્કોર, એડિટીંગ અને ઘણી બાબતોમાં બારીકાઈથી કામ કરવામાં આવ્યું છે જે ફિલ્મને ઔર બહેતરીન બનાવે છે.

પ્લસ પોઈન્ટ

ફિલ્મનાં પ્લસ પોઈન્ટમાં જોઈએ ફિલ્મનું કોમેડી ફેક્ટર જેમાં હેમાંગ દવેનિ એકટીંગ અને કોમેડી દર્શકોને પેટ પકડીને હસાવવામાં સફળ રહી છે. એ સાથે ઇન્સ્પેક્ટર વાઘમારે અને હવાલદાર રાઠવાના પણ જેટલા સીન છે એ તમામમાં કોમેડી છે અને એ પણ દશકોને હસવામાં સફળ રહ્યા છે. ભલે ફિલ્મની વાર્તા મર્ડર મિસ્ટ્રી અને કોલ્ડ વોરની હોય પણ એમાં કોમેડી વધારે વેઈટેજ લઈ જાય છે અને તે ફિલ્મ માટે સારું જ છે.

માઈન્સ પોઈન્ટ

ફિલ્મનો માઈન્સ પોઈન્ટ ફિલ્મનો ક્લાયમેક્સ છે. ફિલ્મમાં જે સસ્પેન્સ ક્રિએટ થયું હતું કે, જે રીતે વાર્તા આગળ વધી હતી તે જોતાં ક્લાયમેક્સ નબળો લાગ્યો. ફિલ્મમાં જે પોઝીટીવ મેસેજ હતો એ છેલ્લા સીનમાં હજી વધું સારી રીતે આપી શક્યા હોત. એ સિવાય પણ ફિલ્મનો અંત વધુ દમદાર રીતે આપી શક્યા હોત. ‘ચૂપ’ નામથી ફિલ્મમાં બે એક પોઝીટીવ અને એક નેગેટિવ મેસેજ ક્રિએટ થાય છે. પોઝીટીવ મેસેજ એ છે કે, તમારી સાથે એવું કંઈ અજુગતું થાય તો તમારા અંગત સાથે એ શેર કરો, વાત કરો, કહો પણ એકલા-એકલા  હેરાન ન થશો. ‘ચૂપ’નો બીજો એક નેગેટિવ એ પણ જાય છે કે તમારી આસપાસ ખોટું થઈ રહ્યું છે અને તમે નરી આંખે જોવો છો તો પણ ચૂપ રહો, જો ચૂપ નહીં રહી તો તમને પણ બીજાંને કારણે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડશે. પહેલાં નંબરનો પોઝીટીવ મેસેજ બહું સ્ટ્રોંગ રીતે જોવો જોઈતો હતો પણ એ ક્લાયમેક્સમાં જોવા ન મળ્યો.

PS –  ફિલ્મમાં તમને સસ્પેન્સ, કોમેડી, ઇમોશન, ડ્રામા રોમાન્સ અને બધુ જ જોવા મળશે. જે લોકો કહે છે કે ગુજરાતી ફિલ્મો સારી નથી બનતી એમણે તો ખાસ જોવી જોઈએ.

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024