Good Governance Week Minister RC Makwana
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્થાપેલા સુશાસનના પથ પર આગળ વધવા રાજ્ય સરકાર અહર્નિશ કાર્યરત – મંત્રી આર.સી.મકવાણા
  • સામાજીક ન્યાય અને અધિકારીતા રાજ્યમંત્રી આર.સી.મકવાણાના હસ્તે રોજગારીપત્રો અને ઈ-શ્રમ કાર્ડ એનાયત કરવામાં આવ્યા
  • પૂર્વ કેબિનેટ મંત્રી દિલીપકુમાર ઠાકોરની વિશેષ ઉપસ્થિતિમાં ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે ઉમેદવારોને નિમણુંકપત્ર ઉપરાંત એપ્રેન્ટીસ કરારપત્રોનું વિતરણ
  • સુશાસન સપ્તાહની ઉજવણીના છઠ્ઠા દિવસે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન હૉલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગના રાજ્યમંત્રી આર.સી.મકવાણા દ્વારા રોજગારવાંચ્છુઓને રોજગારીપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. પૂર્વ કેબિનેચ મંત્રી અને ચાણસ્માના ધારાસભ્ય દિલીપકુમાર ઠાકોરની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં ઉમેદવારોને એપ્રેન્ટીસ કરારપત્રો અને ઈ-શ્રમ કાર્ડનું વિતરણ પણ કરવામાં આવ્યું.

આ પ્રસંગે સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગના રાજ્યમંત્રી આર.સી.મકવાણાએ જણાવ્યું કે, વિદ્યાર્થીકાળ પૂર્ણ કર્યા પછી દરેક યુવાનોને રોજગારી મેળવી પગભર થવાની ખેવના હોય છે. જેના માટે અતિઆવશ્યક એવી કૌશલ્યવર્ધનની તાલીમ આપવા રાજ્ય સરકાર દ્વારા દરેક તાલુકામાં આઈ.ટી.આઈ.ની સ્થાપના કરવામાં આવી છે. ગુજરાતમાં ઔદ્યોગીક વિકાસની સાથે સાથે યુવાનોને આ ક્ષેત્ર માટે જરૂરી તાલીમ આપી આત્મનિર્ભર બનાવવા રાજ્ય સરકાર હંમેશા પ્રયત્નશીલ રહી છે.

વધુમાં મંત્રીએ જણાવ્યું કે, ૨૫ વર્ષ પહેલાના સમય સુધી યોજનાઓ માત્ર કાગળ પર રહેતી હતી, તેના સ્થાને તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ આ યોજનાઓના સુચારૂ અમલીકરણ ઉપરાંત અનેક લોકોપયોગી યોજનાઓ શરૂ કરી તેનો લાભ જનસામાન્ય સુધી પહોંચાડ્યો. કુદરતી આપત્તિથી ખેડૂતને થતા નુકશાન સામે વળતરની વાત હોય, પ્રજાને ઝડપી અને સુલભ આરોગ્ય સેવાઓ આપવાની વાત હોય કે પછી વિકાસની ધોરીનસ સમી પરિવહન સેવાઓ હોય ત્વરિત નિર્ણયશક્તિ અને લોકાભિમુખ વહિવટ થકી હાલના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ સ્થાપેલા સુશાસનના પથ પર આગળ વધવા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર અહર્નિશ કાર્યરત છે.


આ પ્રસંગે શ્રમ અને રોજગાર વિભાગના પૂર્વ કેબિનેટ મંત્રી અને ચાણસ્માના ધારાસભ્ય દિલીપકુમાર ઠાકોરે જણાવ્યું કે, રાજ્યની શાસનધુરા સંભાળતાંની સાથે જ તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશનું ભવિષ્ય એવા યુવાનોના કૌશલ્યવર્ધન માટે સેવેલા તાલુકાદીઠ આઈ.ટી.આઈ.ની સ્થાપનાના સ્વપ્નને તેમના અનુગામી મુખ્યમંત્રીઓએ આગળ વધારી ૨૫૦ તાલુકાની સામે ૨૮૮ આઈ.ટી.આઈ. સ્થાપી છે. ગુજરાતમાં વિકાસ પામેલા ઔદ્યોગીક ક્ષેત્રને પુરતું કૌશલ્યસભર માનવબળ મળી રહે તે માટે રાષ્ટ્રીય કક્ષાના નવીન અભ્યાસક્રમો અને તાલીમ આપી ભરતીમેળાઓના આયોજન દ્વારા નોકરીદાતા અને રોજગારવાંચ્છુઓને એક પ્લેટફોર્મ પર લાવવાનું કામ પણ રાજ્ય સરકારે કર્યું છે. જેના પરિણામે ૨૦૦૨થી સૌથી વધુ રોજગારી આપનારા રાજ્ય તરીકે ગુજરાત દેશમાં પ્રથમ ક્રમે રહ્યું છે.

વધુમાં ધારાસભ્ય દિલીપકુમાર ઠાકોરે જણાવ્યું કે, અસંગઠિત ક્ષેત્રના કામદારોને સરકારી સેવાઓ અને યોજનાઓનો ત્વરિત લાભ ઉપલબ્ધ થાય તે માટે તેમની નોંધણી કરી ઈ-શ્રમ કાર્ડ ઈસ્યુ કરવામાં આવી રહ્યા છે. રાજ્ય ઉપરાંત પરપ્રાંતમાંથી આવતા શ્રમયોગીઓને પણ ગુજરાત સૌથી વધુ રોજગારી આપે છે જેની પ્રતિતિ કોરોનાકાળમાં પરપ્રાંતિય શ્રમિકોને તેમના વતન મોકલવા માટે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી કામગીરી પરથી થાય છે. આ તમામને ઈ-શ્રમ હેઠળ આવરી લેવાના પ્રયાસના ભાગરૂપે અત્યાર સુધીમાં ૨૯.૪૬ લાખ કરતાં વધુ શ્રમયોગીઓની નોંધણી કરવામાં આવી છે.

શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા જરૂરિયાતમંદ નાગરિકોને રાજ્ય સરકારની વિવિધ જનકલ્યાણલક્ષી યોજનાનો લાભ આપવા માટે કરવામાં આવી રહેલી સુશાસન સપ્તાહની ઉજવણીના ભાગરૂપે સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગના રાજ્યમંત્રી આર.સી.મકવાણા સહિતના મહાનુભાવોના હસ્તે રોજગારવાંચ્છુઓને રોજગારીપત્રો, એપ્રેન્ટીસશીપ કરાર તથા અસંગઠિત ક્ષેત્રના શ્રમયોગીઓને ઈ-શ્રમ કાર્ડ એનાયત કરવામાં આવ્યા.

આ પ્રસંગે અમદાવાદ ખાતેથી ઈ-માધ્યમ થકી જોડાયેલા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે રાજ્ય સરકાર દ્વારા યુવાનોના કૌશલ્યવર્ધન અને રોજગારી સહિતની બાબતો અંગે કરવામાં આવી રહેલી કામગીરીનો ચિતાર રજૂ કર્યો હતો. મુખ્યમંત્રી દ્વારા એપ્રેન્ટીસશીપ સ્ટાઈપેન્ડ રિએમ્બર્સમેન્ટ મોડ્યુલ તથા આઈ.ટી.આઈ. સંસ્થાકિય સ્ટાઈપેન્ડનું ડિઝીટલ ગુજરાત પોર્ટલ પર લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સાથે જ આદિવાસીબાહુલ્ય ધરાવતા છોટાઉદેપુર જિલ્લાની આઈ.ટી.આઈ.નું પણ લોકાર્પણ કર્યું હતું.

આ કાર્યક્રમના સ્થળ પર બાંધકામ ક્ષેત્ર, ખેતી, મનરેગા, આશા વર્કર, ઘરેલુ કામદાર સહિતના અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા શ્રમયોગીઓ માટે ઈ-શ્રમ કાર્ડ ઈસ્યુ કરાવવા નોંધણી કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું.

અત્રે ઉલ્લેખનીય છે કે, શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ હસ્તકની પાટણ જિલ્લા રોજગાર કચેરી દ્વારા વર્ષ ૨૦૨૧-૨૨માં જિલ્લાના ૪૧૩ યુવાનોની એપ્રેન્ટીસ તરીકે વિવિધ એકમોમાં ભરતી કરાવવામાં આવી છે. સાથે જ મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજના અંતર્ગત ૧૦૦ દિવસમાં ૨૫૦ જેટલા યુવાનોની ભરતી કરાવવામાં આવી છે. જ્યારે શ્રમ અધિકારીની કચેરી દ્વારા અત્યાર સુધીમાં અસંગઠિત ક્ષેત્રના કુલ ૮૭,૧૮૫ શ્રમયોગીઓની નોંધણી કરવામાં આવી છે.

આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી ભાનુબેન મકવાણા, પૂર્વ પંચાયત મંત્રી રણછોડભાઈ દેસાઈ, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ મોહનભાઈ પટેલ સહિતના હોદ્દેદારો-પદાધિકારીશ્રીઓ ઉપરાંત જિલ્લા કલેક્ટરશ્રી સુપ્રીત સિંઘ ગુલાટી, જિલ્લા વિકાસ અધિકારી રમેશ મેરજા, શ્રમ અધિકારી ભિખાભાઈ દેસાઈ, રોજગાર અધિકારી સુશ્રી શિવાંગીબેન પોટા, આઈ.ટી.આઈ. પાટણના આચાર્ય સુશ્રી મયુરીબેન પ્રજાપતિ તથા શ્રમ અધિકારીશ્રી ચિંતન ભટ્ટ સહિતના અધિકારીશ્રીઓ તથા મોટી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહ્યા હતા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024