Gujarat Home Stay Policy
રાજ્ય સરકાર દ્વારા ગુજરાત ટુરિઝમને વેગવંતુ બનાવવા માટે આજે બે મોટા નિર્ણય લેવામાં આવ્યા છે. સીએમ વિજય રૂપાણી દ્વારા આજે રાજ્યની પ્રથમ હેરિટેજ ટુરિઝમ પોલિસી જાહેર કરવામાં આવી છે. તો આ સાથે જૂની હોમ સ્ટે પોલિસી (Gujarat Home Stay Policy) માં પણ મોટા ફેરફાર કરવામાં આવ્યા છે.
સરકાર દ્વારા ગુજરાત હોમ સ્ટે પોલિસી (Gujarat Home Stay Policy) 2014-19ને વધુ સરળ બનાવવાનો નિર્ણય કરાયો છે. આ હોમ સ્ટે પોલિસીનો ઉદ્દેશ ગુજરાતની પરંપરા, સંસ્કૃતિ, ખાન-પાન વાનગીઓ, ગ્રામીણ જન જીવનથી દેશ-વિદેશના પ્રવાસીઓને ભલી ભાંતી પરિચિત કરાવવાનો છે.
આ હોમ સ્ટે પોલિસી અંતર્ગત ગુજરાતનું ગ્રામીણ જીવન સંસ્કૃતિ ઇતિહાસ અને પરંપરાગત ધરોહર માણવા-જોવા આવતા વિદેશના અને ભારતના અન્ય રાજ્યોના પ્રવાસીઓને પોષાય તેવા દરે, સ્વચ્છ સુવિધાયુક્ત આવાસ સગવડ મળશે. તેમાં 1 થી 6 રૂમ સુધીના આવાસો અને પરિવાર સાથે વસવાટ કરતા હોય તેવા વ્યક્તિઓ હોમ સ્ટે તરીકે પોતાનું ઘર આપી શકશે. તેમજ આવા હોમ સ્ટેને ઘરેલુ પ્રોપર્ટી ટેક્સ અને ઘરેલું વીજ દરના લાભ પણ મળશે.
ગુજરાતભરમાં હાલ 100 જેટલા હોમ સ્ટે કાર્યરત છે, જેમાં હવે નવા હોમ સ્ટેનો ઉમેરો થશે. ગુજરાત પ્રવાસન નિગમમાં રજિસ્ટર્ડ હોમ સ્ટેને સોલાર રૂફ ટોપ યોજનાનો લાભ આપી સૌર ઊર્જાના ઉપયોગ માટે પ્રોત્સાહિત કરાશે. આમ ગ્રામીણ રોજગારીની સાથે ટુરિઝમ એન્ડ હોટેલ ઈન્ડસ્ટ્રીમાં વ્યાપક તકો ખીલશે
જો કે, ગુજરાત ટુરિઝમ વિકાસ બાદ ગુજરાતમાં આવતા વિદેશી પ્રવાસીઓની સંખ્યા વધી ગઈ છે. પ્રવાસીઓની સંખ્યામા નોંધપાત્ર વધારો જોતા ગુજરાત સરકાર દ્વારા હોમ સ્ટે પોલિસી (Gujarat Home Stay Policy) જાહેર કરવામાં આવી હતી. જેનો હેતુ સ્થાનિક લોકોને રોજગાર અપાવવાનો હતો. ગુજરાત પ્રવાસનની વેબસાઈટ પર હોમ સ્ટે પોલિસીની તમામ માહિતી ઉપલબ્ધ છે.
જે વ્યક્તિને હોમ સ્ટે જોઈતુ હોય તે અહી આવીને રજિસ્ટર્ડ કરાવી શકે છે. પોલિસી શરૂ કર્યા બાદ ગુજરાતભરમાં 100 થી વધુ હોમ સ્ટે ઉપલબ્ધ કરાવાયા હતા. જેમાં અમદાવાદ, ગીર, સોમનાથ, જુનાગઢ, ભૂજ, ગાંધીનગર, વડોદરા અને સુરતનો સમાવેશ કરાયો હતો.
અમદાવાદ ભારતનું પ્રથમ હેરિટેજ શહેર છે. આવામાં ગુજરાતમાં સતત પ્રવાસીઓની ધસારો રહેતો હોય છે. આવામાં હોટલ ઈન્ડસ્ટ્રીવાળા તગડી કમાણી કરી લેતા હોય છે અને સ્થાનિકોના હાથમાં કંઈ આવતુ નથી. આવી સ્થિતિમાં હોમ સ્ટે પોલિસી વિકસાવવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, કિલ્લાઓ, મહેલો, સ્મારકો, વાવ, ઝરણાં અને 1600 કિલોમીટર લાંબા દરિયા કિનારા સાથે ગુજરાત પાસે હસ્તકલા અને સાંસ્કૃતિક વારસો પણ છે. આ ઉપરાંત રાજ્યની ત્રણ સાઈટ્સ યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઈટમાં નોંધાયેલી છે.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.