Gujarat Weather News : રાજ્યમાં એક પછી એક માવઠાની આગાહીની ઉપાધિ જોવા મળી રહી છે. ઉનાળાના પ્રારંભની સાથે જ માવઠાએ મોકાણ સર્જતા ઠેર-ઠેર અનેક વિસ્તારોના વાતાવરણમાં બદલાવ જોવા મળી રહ્યો છે. તેવામાં રાજ્યમાં ફરી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવતા ખેડૂતોના જીવ પડીકે બંધાયા છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે ગુજરાત સહિત અમદાવાદના વાતાવરણમાં આજ સવારથી પલટો આવ્યો છે.
હવામાન વિભાગના ડિરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું કે આગામી 2 દિવસ સુધી ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં છુટોછવાયો કમોસમી વરસાદ પડી શકે છે. જોકે, હવામાન વિભાગની આ આગાહીને લઈને અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારોના વાતાવરણમાં બદલાવ પણ જોવા મળી રહ્યો છે. બીજી બાજુ વરસાદની આગાહીને લઈને ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા છે અને શિયાળું પાકને બચાવવા માટે દોડધામ કરી રહ્યા છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આજે અમદાવાદમાં ગાજવીજ સાથે હળવો કમોસમી વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. આ સિવાય મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, દ્વારકા, મોરબી અને કચ્છ તેમજ ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, ગીર સોમનાથમાં પણ હળવો કમોસમી વરસાદ પડવાની આગાહી છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આજે 30 માર્ચે અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, મહિસાગર, બનાસકાંઠા, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, મોરબી, દ્વારકા, બોટાદ, કચ્છમાં 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે અને ગાજવીજ સાથે સામાન્ય વરસાદની આગાહી કરાઇ છે. જ્યારે 31 માર્ચે સુરત, ભરૂચ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે અને ગાજવીજ સાથે સામાન્ય વરસાદની આગાહી છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે, બે દિવસ બાદ કમોસમી વરસાદનું જોર ઘટશે. તથા સૌરાષ્ટ્ર, મ.ગુજરાત, ઉ.ગુજરાતમાં કમોસમી વરસાદ રહેશે. સૌરાષ્ટ્રમાં આવતીકાલે કમોમસી વરસાદનું જોર રહેશે. આ સાથે અમદાવાદ, વડોદરા, ગાંધીનગર સહિતમાં માવઠું રહેશે. ત્રણ દિવસ બાદ ગુજરાતમાં ગરમીનો પારો વધશે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ માવઠાની આગાહી કરતા જણાવ્યુ કે, 31મી માર્ચ સુધી ફરી માવઠું પડી શકે છે. પશ્ચિમી વિક્ષેપને કારણે રાજ્યમાં માવઠું થઇ શકે છે. વીજળીના કડાકા સાથે ઘણાં વિસ્તારમાં કરા પણ પડી શકે છે. જે બાદ ભેજના કારણે ત્રણથી આઠ એપ્રિલ સુધી ફરી રાજ્યમાં વાતાવરણ પલટાશે અને વાદળછાયું વાતારણ રહેવાની શક્યતા છે. 8થી 14 એપ્રિલ સુધી આંધી, વંટોળ સાથે કમોસમી વરસાદ અને કરા પણ પડી શકે છે. જેથી 8થી 14 એપ્રિલ સુધી ખેડૂતોને સાવધાન રહેવું પડશે.