Gujarat weather update રાજ્યમાં છેલ્લા એક સપ્તાહથી ઉનાળામાં ચોમાસા જેવો માહોલ બન્યો છે. ગાજવીજ, ભારે પવન, સામાન્યથી મધ્યમ વરસાદ, કરા એવું તો માર્ચ મહિનામાં પહેલી વખત જોવા મળ્યું છે. હવે તો માવઠું (Mavthu) બંધ થાય તેની લોકો રાહ જોઈ રહ્યા છે. માવઠાના કારણે કૃષિ પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થઇ રહ્યું છે. આ સાથે બેવડી ઋતુના કારણે રોગચાળો વધી રહ્યો છે.
તાજેતરના કમોસમી માવઠાથી ચાલુ સિઝનમાં ખેડૂતોના ઉભા પાકને તેમજ કાપણી કરેલ પાકને મોટાપાયે નુકસાન થવા પામ્યું છે. વાવાઝોડાના કારણે કાપણી કરેલ તથા ઉભા પાકો જેવા કે ઘઉં, વરિયાળી, જીરું, એરંડા વગેરેને મોટા પાયે નુકસાન થયેલ છે. તે ઉપરાંત કેટલાક ઘરોના છાપરા પણ તૂટી ગયેલ છે અને વીજળી પડવાથી પશુના મૃત્યુ પણ થયા છે.
ગુજરાતના ખેડૂતો માટે હજી 4 દિવસ ભારે છે. ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરથી વાતાવરણ ફરી પલટાશે. જેને લઈ રાજ્યમાં કેટલાક જિલ્લામાં હજુ પણ 4 દિવસ માવઠાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી । Gujarat weather update
હવામાન વિભાગના ડાયરેકટર મનોરમા મોહન્તિએ આજે જણાવ્યું છે કે, આજે વધુ એક સિસ્ટમ સક્રિય છે. જેના કારણે આગામી ત્રણ દિવસ ગાજવીજ, ભારે પવન સાથે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે કચ્છ, પોરબંદર, દ્વારકા, જામનગર, રાજકોટ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, સુરત, નવસારી, વલસાડ, ડાંગમાં ભારે પવન અને ગાજવીજ સાથે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે. ગુજરાતમાં 23 માર્ચ સુધી વરસાદી માહોલ યથાવત રહેશે.
22 માર્ચનાં રોજ વરસાદી માહોલ યથાવત રહેશે. આ રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, દ્વારકા, રાજકોટ, કચ્છમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.
23 માર્ચના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, દ્વારકા, પોરબંદર, કચ્છમાં ભારે પવન ગાજવીજ સાથે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
દેશભરમાં છેલ્લા ઘણા સમયથી વાતાવરણમાં પલટો આવતા કેટલાક રાજ્યમાં ભર ઉનાળામાં જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ગુજરાતમાં કેટલાક જિલ્લામાં ભારે પવન અને ગાજવીજ સાથે કમોસમી વરસા પડતા ખેડૂતોનો તૈયાર થયેલો અને લણણી કરેલા પાકને પુષ્કળ પ્રમાણમાં નુકસાન થતા ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે.