પાટણ સહિત જિલ્લામાં અચાનક બદલાયેલા હવામાનને પગલે કમોસમી વરસાદ અને વાવાઝોડાની અસરના કારણે ખેતરોમાં ઊભેલા પાકને ભારે નુકસાન થતા ખેડૂતો પર ચિંતાના વાદળો છવાયા છે ત્યારે સરકાર દ્વારા માવઠાથી થયેલ પાક નુકસાન બાબતે ઝડપથી સર્વે કરાવી ખેડૂતને યોગ્ય પાક વળતર ચૂકવવામાં આવે તે માટે સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર (Chandanji Thakor)દ્વારા સરકારમાં પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે.

ચંદનજીએ જણાવ્યું હતું કે તાજેતરના કમોસમી માવઠાથી ચાલુ સિઝનમાં ખેડૂતોના ઉભા પાકને તેમજ કાપણી કરેલ પાકને મોટાપાયે નુકસાન થવા પામ્યું છે. વાવાઝોડાના કારણે કાપણી કરેલ તથા ઉભા પાકો જેવા કે ઘઉં, વરિયાળી, જીરું, એરંડા વગેરેને મોટા પાયે નુકસાન થયેલ છે. તે ઉપરાંત કેટલાક ઘરોના છાપરા પણ તૂટી ગયેલ છે અને વીજળી પડવાથી પશુના મૃત્યુ પણ થયા છે.
આમ, કમોસમી માવઠાના કારણે ખેડૂતોને મોટા પાયે નુકસાન થયેલ હોય તાત્કાલિક સર્વે કરાવીને સરકાર ખેડૂતોને ઝડપથી વળતર ચૂકવે તેવી તેમણે રજૂઆત કરી હતી.