વિસનગર MLA ની ઓફિસમાં તોડફોડ કેસ મા હાર્દિક પટેલ, લાલજી પટેલ અને એ.કે.પટેલને મળ્યા જામીન
કોર્ટનો ચુકાદો
વિસનગર સેસન્સ કોર્ટે હાર્દિક પટેલ, લાલજી પટેલ અને એ.કે. પટેલને 2 વર્ષની સજા ફટકારી. ફરિયાદીને 10 હજાર વળતર ચૂકવવા આદેશ. ધારાસભ્યને 40 હજાર વળતર આપવા આદેશ . કાર માલિકને 1 લાખનું વળતર આપવા કોર્ટનો આદેશ
પાટીદાર અનામત આંદોલનના પ્રારંભમાં વિસનગર ખાતે યોજાયેલી રેલી દરમિયાન ધારાસભ્ય ઋષિકેસ પટેલની ઓફિસમાં તોડફોડના મામલે થયેલા પોલીસ કેસ બાદ આજે વિસનગર કોર્ટે હાર્દિક પટેલ, લાલજી પટેલ અને એ.કે. પટેલને રાયોટિંગના કેસમાં દોષિત ઠેરવ્યા હતા. કોર્ટે ત્રણેયને 2 વર્ષની સજા ફટકારી છે. જ્યારે અન્ય 14ને નિર્દોષ જાહેર કર્યા હતા. ત્રણેય આરોપીઓને કોર્ટે જામીન આપ્યા હતા.
આ કલમ હેઠળ અપાઇ સજા
વિસનગર કોર્ટના ચોથા એડિશનલ ડિસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજ વી.પી. અગ્રવાલે ચુકાદો આપ્યો હતો. તેમણે 147, 148, 149, 427, 435 અંતર્ગત હાર્દિક પટેલ, લાલજી પટેલ અને એ.કે. પટેલને દોષિત ઠેરવ્યા હતા.
આ 14 પાટીદારો નિર્દોષ છૂટ્યા
આ કેસમાં નિર્દોષ છોડાયેલા યુવકોમાં પટેલ હેમંતકુમાર રમણીકલાલ, પટેલ દિનેશકુમાર સોમાભાઈ, પટેલ રાજેન્દ્રકુમાર કાંતિલાલ, પટેલ કૃણાલકુમાર મનુભાઈ, પટેલ પાર્થ ભાણજીભાઈ, પટેલ પ્રશાંતકુમાર જીવણલાલ, પટેલ ગોવિંદભાઈ જોઇતારામ, પટેલ ગોવિંદભાઈ મગનલાલ, પટેલ પરેશકુમાર સેવંતીલાલનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત પટેલ જયંતિભાઈ લીલાચંદ, પટેલ ભરતભાઈ સોમાભાઈ, પટેલ સુરજકુમાર પ્રવીણભાઈ, પટેલ સંજયભાઈ ત્રિભોવનભાઈ અને પટેલ સંજયકુમાર લક્ષ્મણભાઈને નિર્દોષ છોડવામાં આવ્યા છે.
શું છે સમગ્ર કેસ?
વિસનગરમાં ત્રણ વર્ષ પૂર્વે પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલી બાદ ધારાસભ્ય કાર્યાલય સહિતના તોડફોડ કેસમાં શહેર પોલીસ મથકે પાસના નેતા હાર્દિક પટેલ, એસ.પી.જી.ના લાલજી પટેલ સહિત સ્થાનિક પાટીદાર આગેવાનો સહિત 17 વિરુધ્ધ ગુનો દાખલ થયો હતો. જે ગુનો અનામત આંદોલનનો રાજ્યમાં પ્રથમ ગુનો હતો. જે કેસ હાલમાં ચોથા એડિશનલ સેશન્સ કોર્ટમાં ચાલી રહ્યો હતો. જેમાં સાક્ષીઓની જુબાની, ફાઇનલ સ્ટેટમેન્ટ સહિતની કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આજે કોર્ટે ચુકાદો આપ્યો હતો