સરકારશ્રીના રસીકરણના કાર્યક્રમને અનુસરીને દરેક નાગરિકે કોરોના પ્રતિરોધક રસી લેવી જોઈએ : કુલપતિ ડૉ.જે.જે.વૉરા (Dr. JJ Vora)
પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના (HNGU) કુલપતિશ્રી ડૉ.જે.જે.વૉરાએ રસી સંપૂર્ણ સલામત હોવાનો વિશ્વાસ વ્યક્ત કરી આપ્યો રસીકરણનો સંદેશ
વરિષ્ઠ નાગરિકો અને ગંભીર બિમારી ધરાવતા નાગરિકોને કોરોના વાયરસ મહામારી સામે રક્ષાકવચ સમી કોરોના પ્રતિરોધક રસીકરણનો કાર્યક્રમ ચાલી રહ્યો છે. રાજ્ય સરકાર દ્વારા આ રસી રાજ્યના પ્રત્યેક નાગરિક સુધી પહોંચે તે માટે સુચારૂ આયોજન કરવામાં આવ્યું છે તથા જિલ્લા વહિવટી તંત્ર દ્વારા ઝુંબેશ સ્વરૂપે રસીકરણની કામગીરી ચાલી રહી છે. પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલરશ્રી ડૉ.જે.જે.વૉરાએ આ રસીકરણ ઝુંબેશમાં મહત્તમ લોકોને જોડાય તે માટે અપીલ કરી છે.
રસી લેવા માટે પ્રજાજનોને અપીલ કરતાં કુલપતિશ્રી ડૉ.જે.જે.વૉરાએ જણાવ્યું કે, કોવિડ-૧૯ સામે સુરક્ષા માટે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર તરીકે મેં પોતે આ વેક્સિન લીધી છે. મને તેની કોઈ આડઅસર નથી એટલે કે રસી સંપૂર્ણ સુરક્ષિત છે. માટે સરકારશ્રીના નિર્ધારિત કાર્યક્રમને અનુસરીને તમામ વ્યક્તિઓએ આ રસી લેવી જોઈએ. તો જ આપણે દેશભરમાંથી કોરોના વાયરસની અસર નાબૂદ કરી શકીશું.