CM રૂપાણીનો નિર્ણય : ગુજરાતમાં હવેથી ૨૪ કલાક દુકાનો ખુલ્લી રાખી શકાશે
રાજ્ય સરકાર દ્વારા શોપ એસ્ટાબ્લિશમેન્ટ કાયદામાં સુધારો કરાયો : ઓવર ટાઈમ કરનારા કર્મચારીઓને ડબલ મહેનતાણું આપવું પડશે
વેપારીઓ આનંદો.. રાજ્યમાં રિટેલ માર્કેટમાં ક્રાંતિ સર્જાશે..
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગુજરાતમાં રાત્રિના સમયે પણ દુકાનો અને હોટેલો તથા કટલેરી સ્ટોરને ચાલુ રાખી શકાશે એવો નિર્ણય લીધો છે. જૂની જોગવાઈ મુજબ રાત્રીના ૧૨ વાગ્યા બાદ દુકાનો બંધ રાખવી પડતી હતી પરંતુ હવે રાજ્ય સરકાર દ્વારા શોપ એસ્ટાબ્લિશમેન્ટ કાયદામાં સુધારો કરાયો છે. આ કાયદાને રોજગાર મંત્રાલય દ્વારા મંજૂરી પણ આપી દેવાઈ છે. આ ઉપરાંત દુકાનદારોએ હવેથી ઓવર ટાઈમ કરનારાઓને ડબલ વળતર આપવું પડશે.
રૂપાણી સરકારના આ નિર્ણયથી રાત્રિ સમય દરમિયાન દુકાનો ખુલ્લી રહેશે તો વધુને વધુ લોકોને રોજગારી અને સુવિધા મળી રહેશે. કારણ કે, રેલવે સ્ટેશન, બસ સ્ટેશન તથા એરપોર્ટ પર ચોવીસ કલાક ટ્રાફિક રહેતો હોય છે. દુકાનો ૨૪ કલાક ખુલી રહેતા દુકાનદારો અને ગ્રાહકો બંનેને ફાયદો થશે. મોડી રાત્રે આવી રહેલા મુસાફરોને પણ નાની-મોટી ખરીદી કરવી હોય તો તેઓ કરી શકશે. આમ, રિટેલ માર્કેટમાં ક્રાંતિ સર્જાશે. રાજ્ય સરકારે ઓવર ટાઈમ કરનારા કર્મચારીઓને ડબલ મહેનતાણું આપવું પડશે એવું પણ જણાવ્યું છે. જે દુકાન કે યુનિટમાં દસથી ઓછા કર્મચારીઓ છે તેઓનું રજિસ્ટ્રેશન કરવું પડશે નહીં. આ કાયદા બાદ રાત્રિના સમયે દુકાનો ચાલુ રહેશે તો પોલીસ કે કોર્પોરેશનના અધિકારીઓ દુકાનદારોને રોકી શકશે નહીં. આ સિવાય કોઇ પણ અધિકારી રાત્રિના સમયે ૧૨ વાગ્યા પછી બજારને બંધ કરાવી શકશે નહીં. જો કોઈ આવારા તત્વો દુકાનદારોને હેરાન કરશે તો કાયદો કાયદાનું કામ કરશે. રૂપાણી સરકારના આ નિર્ણયથી વેપારીઓ આનંદમાં આવી ગયા છે.
રૂપાણી સરકારની જાહેરાત મુજબ હવેથી બાર મહિના અને ચોવીસ કલાક સુધી દુકાનો ખુલ્લી રાખી શકાશે. જો ૩૦થી વધુ મહિલા કર્મચારી કામ કરતી હોય તો તેવા સ્થળોએ ઘોડિયાઘરની પણ વ્યવસ્થા ઉભી કરવાની રહેશે. રાજ્યના વેપારીઓ માટે અને વેપારીઓને ત્યાં કામ કરનારાઓ માટે આ એક સારા સમાચાર છે. સતત વિકાસની હરણફાળ કરી રહેલા ગતિશીલ ગુજરાતમાં હવેથી ૨૪ કલાક દુકાન ખુલ્લી રાખી શકાશે અને ધંધો કરી શકાશે. વાહ.. અચ્છે દિનની જેમ અચ્છી રાત્રિ..