જિલ્લા કલેકટરશ્રીની અધ્યક્ષતામાં પાટણમાં કોવિડ–૧૯ની પરિસ્થિતિ સંદર્ભે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ

પાટણ જિલ્લામાં વર્તમાનમાં કોરોના વાયરસની પરિસ્થિતિ સંદર્ભે જિલ્લા કલેકટરશ્રી સુપ્રીત સિંઘ ગુલાટીએ પ્રેસ કોન્ફરન્સને સંબોધી હતી. જિલ્લામાં કોરોના મહામારી દરમિયાન શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના સંક્રમણ અટકાવવા માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા લેવામાં આવેલ પગલાંઓ વિશે મીડિયાને માહિતી આપી હતી.

જિલ્લા કલેકટરશ્રી સુપ્રીત સિંઘ ગુલાટીએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે છેલ્લા ચાર અઠવાડિયાથી પાટણ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં જ્યાં સંક્રમણ વધુ છે ત્યાં અધિકારીઓ અને આરોગ્ય વિભાગની ટીમ બનાવીને ડોર-ટુ-ડોર સરવેની કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં કોરોનાના ટેસ્ટ કરીને હળવા લક્ષણો ધરાવતા દર્દીઓને ઘરે જ હોમ આઈસોલેશનમાં રહીને સારવાર મેળવી શકે એ માટે દવાની કીટ આપવામાં આવી છે. જિલ્લાના તમામ નગરોમાં ધન્વંતરી રથ દ્વારા લોકોના સ્વાસ્થ્યની ચકાસણી કરવામાં આવી રહી છે. ગ્રામ્ય સ્તરે ઘણા ગામોમાં લોકભાગીદારીથી ગ્રામજનોએ સ્વૈચ્છિક લોકડાઉનનું પાલન કરીને કોરોના પર કાબૂ મેળવ્યો છે. જિલ્લા કલેકટરશ્રીએ નાગરિકોને આરોગ્ય વિભાગને સહકાર આપીને કોરોનામુક્ત થવા માટે અપીલ કરી હતી.

પ્રેસ કોન્ફરન્સમાં ઉપસ્થિત પત્રકારોને વિગતો આપતા જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.કે.પારેખે જણાવ્યું હતું કે ગ્રામ્ય વિસ્તારોમાં વધતા જતાં સંક્રમણને અટકાવવા સરવેની સાથે હાલમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડૉકટર ગામે ગામ જઈને ઓપીડી કરીને દર્દીઓને ચકાસી રહ્યા છે. ગ્રામ્ય વિસ્તારોમાં ઓપીડીમાં ડૉકટર દ્વારા ચાર દિવસમાં ૨૭૩ ગામોમાં દર્દીઓની તપાસ કરવામાં આવી છે. આવનારા ચાર દિવસમાં જિલ્લાના બાકી તમામ ગામોને આવરી લેવામાં આવશે. પાટણ જિલ્લામાં ગામડાઓમાં મુખ્યમંત્રીશ્રીના આહવાન પ્રમાણે ગામોમાં ‘મારુ ગામ કોરોનામુક્ત ગામ’ અભિયાન અંતર્ગત ૪૪૯ કોવિડ કેર સેન્ટર બનાવવામાં આવ્યા છે. જેમાં ૧૫ કોવિડ કેર સેન્ટરમાં ઓક્સિજન બોટલ અને ઓક્સિજન કોન્સન્ટ્રેટરની વ્યવસ્થા પણ છે. અત્યારે આ કોવિડ કેર સેન્ટરમાં ૧૦૦ જેટલા દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. સ્વૈચ્છિક સંસ્થાઓએ પણ દવાની કીટ અને સારવાર માટે જરૂરી સામગ્રી આપીને વહીવટીતંત્રને પૂરો સહકાર આપ્યો છે.

જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ પંચાયતીરાજની ગ્રામ્ય સમિતિઓને કોરોના સામેની આ લડાઈમાં સહભાગી થવા અપીલ કરી હતી. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે અત્યારે કોરોનાની સારવારમાં સેવારત ડૉકટર્સ અને પેરામેડીકલ સ્ટાફને મદદરૂપ થવા માટે કોવિડ-૧૯ સહાયકની ભરતીનું આયોજન જિલ્લા પંચાયત ખાતે કરવામાં આવ્યું હતું.

જેમાં પાટણ જિલ્લામાં ૧૦૭ જેટલા ડૉકટર્સ, ૧૪૫ જેટલા નર્સીંગ અને ૫૮ જેટલા લેબ ટેકનીશીયનની લાયકાત ધરાવતા યુવાનોએ આ કામગીરી જોડાવા માટેની તૈયારી બતાવી હતી. જેનો આગામી સમયમાં સરકારી અને ખાનગી હોસ્પિટલમાં જરૂરિયાત પ્રમાણે ઉપયોગ કરવામાં આવશે. આ પ્રેસ કોન્ફરન્સમાં નાયબ માહિતી નિયામકશ્રી અમિત ગઢવી તથા પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનીક મીડિયાના પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024