છેલ્લા 15 દિવસથી વિસ્તારમાં દુષિત અને દુર્ગંધ યુક્ત પાણી આવતું હોવાની બુમરાડ..
પાલિકા તંત્ર દ્વારા આ વિસ્તારની લાઈનો ચેક કરી દૂષિત અને દુર્ગંધ યુક્ત પાણીની સમસ્યાનું નિવારણ લાવવા માંગ ઉઠી..
પાટણ શહેરના કેટલાક વિસ્તારોમાં અવારનવાર પાણીના કનેક્શનમાં ભૂગર્ભ ગટરના પાણી ભળતા દૂષિત અને દુર્ગંધ યુક્ત પાણી આવવાની સમસ્યા સર્જાતી હોય છે. તો ક્યારેક આવા દૂષિત અને દુર્ગંધ યુક્ત પાણીમાં જીવજંતુઓ સાથે સાપના કણા નીકળતા હોવાની ઘટના પણ જોવા મળતી હોય છે.
શનિવારના રોજ પાટણ નગરપાલિકા દ્વારા અપાતા સવારના પાણીના સમયે શહેરના નીલમ સિનેમા વનાગવાડા વિસ્તારમાં રહેતા આલમ ભાઈ બિહારી ના ત્યાં પાણીના નળ માંથી સાપનો કણો નીકળતા વિસ્તારના રહીશોમાં ગભરાટની લાગણી ફેલાઈ જવા પામી હતી. જો કે આ વિસ્તારના યુવાનોએ આ સાપના કણાને કાચની બોટલમાં બંધ કરી દેવામાં આવ્યો હતો.
પાટણ નગરપાલિકા દ્વારા અપાતો પાણી પુરવઠો શહેરના નીલમ સિનેમા વનાગવાડા વિસ્તારમાં છેલ્લા 15 દિવસથી અસહ્ય ગંદકી યુક્ત આવતું હોવાની બુમરાડ પણ આ વિસ્તારના રહીશોમાં ઉઠવા પામી છે. ત્યારે શનિવારે સવારે પાણીમાં નીકળેલા સાપના કણાને લઈને વિસ્તારના રહીશોમાં ફફડાટ વ્યાપ્યો હોય પાલિકા તંત્ર દ્વારા આ વિસ્તારની લાઈનો ચેક કરવા અને દુષિત અને દુર્ગંધ યુકત આવતા પાણીની સમસ્યાનો તાત્કાલિક નિવેડો લાવવા કામગીરી હાથ ધરાય તેવી માંગ વિસ્તારના રહીશોમાં ઉઠવા પામી છે.