Patan City News : પાટણ જિલ્લામાં આજથી ત્રણ દિવસ માટે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ મહોત્સવ ૨૦૨૨નો શુભારંભ થયો છે. આજથી ત્રણ દિવસ તા.૨૩ થી ૨૫ જૂને સુધી પાટણ જીલ્લાની સરકારી પ્રાથમિક શાળાઓ બાળકોના પ્રવેશોત્સવથી ધમધમી ઉઠશે. પાટણ જિલ્લા પંચાયતથી કલેક્ટર સુપ્રિતસિંઘ ગુલાટીનાં હસ્તે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ ૨૦૨૨નો રથ પ્રસ્થાન કરાવવામાં આવ્યો. જિલ્લા પંચાયતથી પાટણ જીલ્લાના કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ ૨૦૨૨નાં રથ પ્રસ્થાન કરાવવામાં આવ્યો.
કોરોના મહામારીનાં બે વર્ષ બાદ આ વર્ષે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. તેથી તંત્ર સહિત બાળકો અને વાલીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પાટણ જિલ્લામાં આ વર્ષે યોજાનાર શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી ઉજવણીમાં કુલ ૧૬ હજારથી વધુ વિદ્યાર્થીઓ સરકારી શાળામાં પ્રવેશ કરશે. પાટણ ખાતે યોજાનાર કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવમાં જિલ્લાની તમામ શાળાઓ સહભાગી બનશે. જીલ્લાની કુલ ૭૯૨ પ્રાથમિક શાળાઓમાં શાળા પ્રવેશોત્સવ તેમજ કન્યા કેળવણી કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. જે માટે ૬૪ રૂટમાં શાળા પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી માટે જીલ્લાના પદાધિકારીઓ અને રાજ્ય કક્ષાનાં ઉચ્ચ અધિકારીઓ શાળાઓમાં હાજર રહી બાળકોને શાળામાં પ્રવેશ કરાવશે.
જિલ્લા પંચાયત ખાતે કલેકટર સુપ્રિત સિંઘ ગુલાટીનાં હસ્તે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ મહોત્સવ ૨૦૨૨નાં રથનું પ્રસ્થાન કરવામાં આવ્યુ તે પ્રસંગે નગર પાલિકા પ્રમુખ સ્મિતાબેન પટેલ, શિક્ષણ સમિતિનાં ચેરમેન, મદદનીશ કલેક્ટર સચિન કુમાર, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દિનેશભાઈ પ્રજાપતિ, ડાયટનાં પ્રાચાર્ય સહિત અધિકારીઓ હાજર રહ્યાં હતાં.