Inauguration of Matruvandana-2021 program by Minister of State for Home Harsh Sanghvi
  • આપણે સંકલ્પ લઈએ કે જન્મદાત્રી માતાને કદી વૃદ્ધાશ્રમ નહીં મોકલીએ તે જ સાચી માતૃવંદના – ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી
  • માતૃતર્પણ તિર્થ સિદ્ધપુર ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા માતૃવંદના-૨૦૨૧ કાર્યક્રમનો શુભારંભ
  • જી.આઈ.ડી.સી.ના ચેરમેન બળવંતસિંહ રાજપૂત સહિતના મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિ
  • ગુજરાતના સુપ્રસિદ્ધ લોકગાયિકા ગીતાબેન રબારી દ્વારા લોકગીતોની ભવ્ય રજૂઆત, ડૉ.અવનીબેન વ્યાસ દ્વારા હાસ્યરસ પિરસવામાં આવ્યો

પુરાણપ્રસિદ્ધ માતૃતર્પણ સિદ્ધપુર ખાતે રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે માતૃવંદના-૨૦૨૧ કાર્યક્રમનો શુભારંભ કરાવવામાં આવ્યો હતો. જી.આઈ.ડી.સી.ના ચેરમેન બળવંતસિંહ રાજપૂત સહિતના મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલા આ બેદિવસિય કાર્યક્રમના પ્રથમ દિવસે સુપ્રસિદ્ધ લોકગાયિકા ગીતાબેન રબારી દ્વારા લોકગીતોની ભવ્ય રજૂઆત કરવામાં આવી હતી.

આ પ્રસંગે કાર્યક્રમના ઉદઘાટક ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, તત્કાલીન મુખ્યમંત્રી અને ભારતના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા સિદ્ધપુરની ધરતી પર વર્ષો પહેલા માતૃમહિમાના આ મહોત્સવની ઉજવણી શરૂ કરાવવામાં આવી હતી. માતૃવંદના મહોત્સવ થકી સિદ્ધપુરનો ઈતિહાસ અને અહીં માતૃતર્પણના પવિત્ર કર્મની વાત દેશભરમાં પહોંચતી થઈ છે. દેશભરમાંથી શ્રદ્ધાળુઓ ભગવાન વિષ્ણુના હર્ષાશ્રુથી નિર્મિત બિંદુ સરોવરમાં તર્પણ માટે આવે છે

સાંખ્ય દર્શનના પ્રણેતાશ્રી કપિલમુનિજીના તપોબળથી શ્રીસ્થળની પુણ્ય ભુમિ પર સાક્ષાત પધારેલા સરસ્વતી દેવીના નીરમાં માતૃતર્પણનો મહિમા વર્ણવી ગૃહ રાજ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે, પાંચ સ્વયંભુ મહાદેવના આશિર્વાદથી સિદ્ધપુરના લોકો સુખી-સમૃદ્ધ છે. આ તબક્કે પૂજ્ય દેવશંકર બાપાને પણ વંદન કરૂં છું. બિંદુ સરોવર ઉપરાંત રૂદ્ર મહાલય, રાણીની વાવ અને પાટણના પટોળાએ પાટણને વિશ્વફલક પર ચિન્હીત કર્યું છે. રાણીની વાવની વિશિષ્ટતાઓને દુનિયા સમક્ષ મૂકવાનો શ્રેય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને જાય છે.

માતૃવંદના મહોત્સવમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોતાની સફળતાનો શ્રેય પોતાની માતાને આપી વંદન કરવા સાથે કાર્યક્રમમાં ઉપસ્થિત નગરજનોને અપીલ કરી હતી કે, આપણે સંકલ્પ લઈએ કે કોઈપણ પરિવારના વૃદ્ધ માતા-પિતાને વૃદ્ધાશ્રમમાં ન જવું પડે, એ જ સાચી માતૃવંદના છે. આ સાથે જ ગૃહ રાજ્યમંત્રીએ દિવાળી જેવા અનેક તહેવારો અને કોરોના મહામારી જેવી સ્થિતિમાં પણ પરિવારથી દૂર રહી જિલ્લામાં શાંતિ, સલામતી અને સુરક્ષાની વ્યવસ્થા જાળવવા બદલ પાટણ પોલીસની કામગીરીને બિરદાવી હતી.

‘‘જનનીની જોડ સખી નહીં જડે રે લોલ…’’ માતૃમહિમાના લોકમુખે રમતા થયેલા આ ગીતથી શરૂ કરી ગુજરાતના સુપ્રસિદ્ધ લોકગાયિકા ગીતાબેન રબારીએ માતૃભક્તિ અને દેશભક્તિના ગીતો રજૂ કરી ઉપસ્થિત શ્રોતાઓને ડોલાવ્યા હતા. ત્યારબાદ ડૉ.અવની વ્યાસ દ્વારા હાસ્યનો રસથાળ પિરસવામાં આવ્યો હતો, જેને દર્શકોએ મન ભરીને માણ્યો હતો.

સિદ્ધપુરના ધરણીધર બંગ્લોઝ ખાતે રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર અને જીલ્લા વહીવટીતંત્ર, પાટણ દ્વારા આયોજિત અને જીલ્લા રમતગમત કચેરી પાટણ દ્વારા સંચાલિત માતૃવંદના ઉત્સવમાં જિલ્લા પંચાયતના પ્રમુખ ભાનુમતીબેન મકવાણા, સિદ્ધપુર નગરપાલિકાના પ્રમુખ કૃપાબેન આચાર્ય, જિલ્લા સંગઠનના પ્રમુખ દશરથજી ઠાકોર, પ્રદેશ ઉપાધ્યક્ષ નંદાજી ઠાકોર સહિતના પદાધિકારીઓ-હોદ્દેદારઓ, યુવા સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના કમિશ્નર પી.આર.જોષી, નાયબ સચિવ એસ.કે.હુડ્ડા, ગુજરાત સંગીત નાટ્યકલા અકાદમીના અધ્યક્ષશ્રી પંકજ ભટ્ટ, જિલ્લા કલેક્ટર સુપ્રીત સિંઘ ગુલાટી, જિલ્લા વિકાસ અધિકારી રમેશ મેરજા, જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા, જિલ્લા રમતગમત અધિકારી વિરેન્દ્રભાઈ પટેલ સહિતના અધિકારીઓ અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024