Iskcon Bridge Accident Case : અમદાવાદ ઈસ્કોન બ્રિજ પર જેગુઆર ગાડીના અકસ્માત બાદ સ્થાનિકોએ તથ્ય પટેલને માર માર્યો હતો. એ સમયનો તથ્યનો એક વીડિયો સામે આવ્યો હતો. જેમાં તથ્ય બોલતો દેખાયો હતો કે, ગાડીની 120 ની સ્પીડ પર હતી. અરે મારા ભાઈ સાચે ન દેખાયું, નહીંતર બ્રેક ના મારત. આવુ નિવેદન આપનાર તથ્ય હકીકતમાં ખોટુ બોલ્યો હતો. તથ્ય પટેલ ખોટુ બોલતો હતો તેનો ખુલાસો FSL ના રિપોર્ટમાં થયો છે. તથ્ય પટેલની જેગુઆર કારની ૧૪૨.૫ની સ્પીડ પર હોવાનો FSL રિપોર્ટમાં ખુલાસો થયો છે.
FSLના રિપોર્ટમાં કારની સ્પીડ 142.5 હોવાનું સામે આવ્યું છે. મહત્વનું છે કે, બુધવારે રાત્રે તથ્ય પટેલે પૂર ઝડપે કાર ચલાવીને અકસ્માત સર્જ્યો હતો. ઇસ્કોન બ્રિજ અકસ્માતમાં 9 લોકોના મૃત્યુ થયા હતા.
તો બીજી બાજુ આજે અમદાવાદના ઇસ્કોન બ્રિજ અકસ્માતના આરોપી તથ્ય પટેલ સામે વધુ એક ગુનો દાખલ થયો છે. સિંધુ ભવનના કાફેમાં ગાડી ઘુસાડવાના CCTV વાયરલ થયા બાદ M ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. ઇસ્કોન બ્રિજ અકસ્માતમાં કાર્યવાહી પુરી થયા બાદ સિંધુ ભવન કેસમાં તથ્ય પટેલની ધરપકડ કરવામાં આવશે.