હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલ આગાહી પ્રમાણે રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો છે. પાટણ જિલ્લામાં પણ છેલ્લા કેટલાક દિવસોથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. જિલ્લામાં કમોસમી વરસાદના કારણે થયેલ નુકસાની અંગે માન.મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને આજરોજ જિલ્લા સેવા સદન ખાતે વિડીયો કોન્ફરન્સ મારફતે બેઠક યોજવામાં આવી હતી.
બેઠકમાં જિલ્લામાં થયેલ નુકસાની અંગે કરાયેલ સર્વેની માહિતી તેમજ તે સંદર્ભે કરાયેલ કાર્યવાહીનો માન.મુખ્યમંત્રીશ્રીએ ચિતાર મેળવ્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યુ હતું કે, માનવ કે પશુ કોઇને જાન-હાની ન થાય તે આપણી પ્રાથમિકતા છે. સાથે-સાથે જિલ્લાના અધિકારીશ્રીઓને ફિલ્ડમાં જવા તથા સાચા લાભાર્થીને અન્યાય ન થાય તેનું ધ્યાન રાખવા માટે સુચનો કર્યા હતા.
જિલ્લા કલેકટરશ્રી સુપ્રીતસિંઘ ગુલાટીના દ્વારા પાટણ જિલ્લામાં કમોસમી વરસાદના કારણે થયેલ નુકસાનીનો ચિતાર માન.મુખ્યમંત્રીશ્રીને આપવામાં આવ્યો હતો. પાટણ જિલ્લાના સરસ્વતી, સિધ્ધપુર અને પાટણ તાલુકામાં કમોસમી વરસાદથી વધારે નુકસાન થવા પામ્યુ છે. જેમાં એક ગાય, એક ભેંસ અને એક માનવ મૃત્યુ થયેલ છે. ખેતી પાકમાં ઘઉ અને ઇસબગુલનું પણ નુકસાન થયું છે જેના સર્વે માટે ૪૫ ટીમો બનાવવામાં આવેલ છે. આ નુકસાન ભરપાઇની કામગીરી એક અઠવાડીયામાં પાટણ જિલ્લામાં પૂર્ણ કરી દેવામાં આવશે.
પાટણ જિલ્લામાં તા.18.03.2023ના રોજ થયેલ કમોસમી વરસાદના લીધે થયેલ મકાન નુકસાન અંતર્ગત શહેરી વિસ્તારમાં સર્વે માટે કુલ 5 ટીમો, ગ્રામ્ય વિસ્તારમાં સર્વે માટે તાલુકા દીઠ 1 એમ કુલ 9 ટીમોની રચના કરવામાં આવી છે. તદઉપરાંત તા.18.03.2023ના રોજ થયેલ કમોસમી વરસાદના પગલે કૃષિ ક્ષેત્રે થયેલ નુકસાનીના પગલે જિલ્લામાં સર્વે માટે કુલ 62 ટીમોની રચના કરવામાં આવી છે. જેમાં સમીમા 11 ટીમ, શંખેશ્વરમાં 6, પાટણમાં 17, સરસ્વતીમાં 14 તેમજ સિદ્ધપુરમાં પણ 14 ટીમોની રચના કરવામાં આવી છે.
જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલ માન.મુખ્યમંત્રીશ્રીની વિડીયો કોન્ફરન્સમાં જિલ્લા કલેક્ટરશ્રી સુપ્રિતસીંઘ ગુલાટી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.એમ.સોલંકી, જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રી પ્રદિપસિંહ રાઠોડ સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.