- જિલ્લામાં પાંચ વર્ષ સુધીના ૩.૩૭ લાખથી વધુ બાળકોને પોલીયોની રસી અપાશે
દાહોદના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતેથી પલ્સ પોલીયો રવિવાર અંતર્ગત પલ્સ પોલીયો અભિયાનનો પ્રારંભ જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારીએ કરાવ્યો છે. નગરપાલિકા પ્રમુખ રીનાબેન પંચાલ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યાં હતા.
જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારીએ જિલ્લાના નાગરિકોને તેમના પાંચ વર્ષ સુધીના બાળકોને પોલીયો રસીનો ડોઝ અવશ્ય આપવા માટે અપીલ કરી હતી અને જણાવ્યું હતું કે જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા પોલીયો અભિયાન માટેનું સઘન આયોજન કરવામાં આવ્યું છે અને ૧ માર્ચ સુધીમાં જિલ્લાના તમામ પાંચ વર્ષ સુધીના બાળકોને પોલીયોનો ડોઝ આપવામાં આવશે. નાગરિકો આ અભિયાનમાં સહકાર આપે.
દાહોદ જિલ્લામાં આજથી શરૂ થયેલા અભિયાન અંતર્ગત આગામી ૧ માર્ચ સુધી ત્રણ દિવસ નેશનલ પલ્સ પોલીયો રસીકરણ અભિયાન યોજાશે. આ અભિયાન અંતર્ગત દાહોદ જિલ્લામાં પાંચ વર્ષ સુધીના ૩.૩૭ લાખથી વધુ બાળકોને પોલીયોની રસી આપવામાં આવશે. જેમાં ૨૭ ફેબ્રુઆરીના પ્રથમ દિવસથી જ આરોગ્ય કર્મચારીઓની ૨૮૦૦ ટીમ દ્વારા ૧૪૯૯ બુથ ઉપર તેમજ ૧૦૬ ટ્રાન્ઝિસ્ટીમ અને ૮ મોબાઇલ ટીમ દ્વારા દરેક ગામમાં રસીકરણ અભિયાનનો પ્રારંભ કરાશે. તેમજ બીજા અને ત્રીજા દિવસે રસીથી વંચિત રહી ગયેલા બાળકોને આરોગ્યની ટીમ દ્વારા ઘરે ઘરે જઇને પોલીયોની રસી આપવામાં આવશે.